આજે પણ અનિરુદ્ધ પાસે અમદાવાદમાં સુંદર બંગલો, ગાડી અને નોકરો છે છતાં તેમનું જીવન એકદમ સાદું અને સરળ છે. મોટાભાગે કારમાં મુસાફરી કરવાને બદલે બસમાં જ ફરતા હોય છે. જેમણે અનિરુદ્ધને બાળપણથી જોયા છે તેમને જરા પણ આશ્ચર્ય થતું નથી. અનિરુધ્ધનો સ્વભાવ પહેલેથી જ આવો છે. ગર્ભશ્રીમંત પિતાનો પુત્ર હોવા છતાં તેમને કયારેય શ્રીમંતોની સોબત ગમતી નહોતી. જેને લઈ તેમના પિતા તેમને ઠપકો આપતા હતા. તેમ છતાં તેના સ્વભાવમાં તેણે કોઈ બદલાવ કર્યો નહોતો. મોટા થયા પછી લગ્નની વાત આવી ત્યારે અનિરુદ્ધે પોતાના પિતા સામે શરત મૂકી હતી કે દહેજની માગણી ના કરવાના હોય તો જ લગ્ન કરીશ અને તેવું જ થયું. સવિતાને માત્ર એક સાડીમાં પોતાના ઘરે લાવ્યા હતા
સવિતા શ્રીમંત ઘરની નહોતી તેમ છતાં તેને પોતાના પતિ અનિરુદ્ધનો સ્વભાવ સમજાતો નહોતો. અનિરુદ્ધ તેને કયારેય મોટા લોકોને ત્યાં લઈ જતો નહોતો. અનિરુદ્ધ તેને બહાર લઈ જતા પણ તે તેમની ફેકટરીમાં નોકરી કરતા સામાન્ય કર્મચારીના ઘરે જ લઈ જતા. તે શ્રીમંત હતા પણ તેની શ્રીમંતાઈ પૈસાથી નહોતી. તે એક સારા હૃદયના ઈન્સાન હતા. કદાચ એટલે જ અનિરુદ્ધ તેમના કર્મચારીઓમાં પ્રિય હતા. લગ્ન બાદ સવિતાએ અવિનાશને જન્મ આપ્યો હતો. અવિનાશના જન્મ પછી સવિતા અનિરુદ્ધને સમજવા લાગી હતી માટે તેણે અનિરુદ્ધને કહ્યું હતું કે અવિનાશ પછી હવે આપણા ઘરે કોઈ મહેમાન આવશે નહીં. અનિરુદ્ધને સવિતાની વાત ગમી હતી. તમને કોઈ ગમવા લાગે ત્યારે તેની તમામ વસ્તુઓ ગમવા લાગે છે, કદાચ તેને જ આપણે પ્રેમ કહેતા હોઈશું. અવિનાશને સવિતા પ્રેમથી અવિ કહીને બોલાવતી હતી.
અવિનાશ સ્કૂલે જવા લાગ્યો હતો પણ અનિરુદ્ધે તેને ક્યારેય પૂછ્યું નહોતું કે તું સ્કૂલમાં શું ભણે છે ? અવિનાશ સ્કૂલે કોઈની સાથે ઝઘડીને આવે ત્યારે અનિરુદ્ધ તેને પાસે બેસી સમજાવતા હતા. તે તેને કાયમ બીજાની ચિંતા કરવાની સલાહ આપતા હતા. અનિરુદ્ધ અને સવિતાને યાદ જ ના રહ્યું કે નાની વાતોમાં જીદ કરતો તેમનો અવિ એક દિવસ મોટી જીદ કરશે. અવિનાશ મોટો થઈ ગયો હતો. તેણે તેનાં મમ્મી-પપ્પા પાસે આવી અમેરિકા જવાની દરખાસ્ત મૂકી. અવિનાશની વાત સાંભળતાં અનિરુદ્ધે સ્પષ્ટ શબ્દોમાં ના પાડતાં તેણે પોતાની મમ્મીને આગ્રહ કર્યો હતો જેથી સવિતાએ અનિરુદ્ધને વિનંતી કરી કે અવિને અમેરિકા જવાની રજા આપો. અનિરુદ્ધ ત્યારે પણ જાણતા હતા કે એક વખત ડોલરોની દુનિયામાં ગયેલો તેમનો દીકરો ક્યારેય ભારત પાછો આવશે નહીં અને સવિતા તે વાત સહન કરી શકશે નહીં. છતાં સવિતાને તેમણે કંઈ પણ કહ્યા વગર અવિનાશને અમેરિકા જવાની રજા આપી દીધી. સવિતાએ જિંદગીમાં પહેલી વાર અનિરુદ્ધ પાસે કંઈક માગ્યું હતું અને તે પણ પોતાના માટે નહીં પણ તેના દીકરા માટે.
અવિનાશ અમેરિકા જવા નીકળ્યો ત્યારે તેની મમ્મી તો તેને વળગી ચોધાર આંસુએ રડી હતી. જયારે બહારથી મજબૂત દેખાતા અનિરુદ્ધ પણ બંગલાના ધાબા ઉપર જઈ રડી આવ્યા હતા. કદાચ તેની સવિતાને કે અવિનાશને ખબર નહોતી. અમેરિકા પહોંચેલા અવિનાશે પહોંચતા ફોન કર્યો હતો. પછી તે નિયમિત ફોન કરતો હતો પણ પછી બે ફોન વચ્ચે અઠવાડિયાનું અંતર વધીને મહિનાઓ સુધી લંબાઈ ગયું. તેના કારણે સવિતા સતત ચિંતા કરતી હતી. અનિરુદ્ધ જાણતા હતા કે આવું જ બનવાનું છે તેના કારણે તકલીફ પડતી હોવા છતાં શાંત હતા. સવિતા રાહ જોઈ બેઠી હતી કે તેનો દીકરી ભણીને પાછો આવશે એટલે તેના લગ્ન ધામધૂમથી કરશે. સવિતાએ પોતાની વહુ માટે નવા દાગીના પણ ઘડાવ્યા હતા. જ્યારે પણ અવિનાશ ફોન કરે ત્યારે સવિતા તેને પૂછતી કે બેટા ક્યારે આવીશ? તારા માટે છોકરીઓ જોઈ રાખી છે ત્યારે તે કહેતો, ‘‘મમ્મી, હમણાં તું આ બધી વાતોમાં પડ નહીં.’’ અવિનાશની આ વાતો સવિતાને સમજાતી નહોતી.
અનિરુદ્ધ બહુ ઓછું બોલતા હતા. મોટાભાગે અખબારોમાં અને પુસ્તકમાં મોઢું નાખી બેસતા અનિરુદ્ધ ત્રાંસી આખે શાક સમારી રહેલી સવિતાને જોઈ લેતા હતા. તેમને તેની એકલતા સમજાતી હતી. તમારી પાસે તમારા કહેવા માટે અનેક પોતાના હોવા છતાં તમે એકલા પડી જાય તેની પીડા સમજવી મુશ્કેલ છે. ઘણી વખત અનિરુદ્ધને થતું કે તે અવિનાશને ફોન કરી સવિતાની તકલીફની વાત કરે પણ તેવું તેણે કર્યું નહીં. તે દિવસોમાં અવિનાશનો ફોન આવ્યો. પહેલાં તેણે પોતાની મમ્મી સાથે વાત કરી હતી અને અવિનાશ સાથે વાત કરતાં-કરતાં સવિતાની આંખો ભીની થઈ ગઈ તો પણ તેણે પોતાના દીકરાને સુખી રહેજે તેમ કહેતાં ફોન અનિરુદ્ધને આપ્યો હતો. અવિનાશે સમાચાર આપ્યા હતા કે તેણે અમેરિકામાં તેની સાથે જ નોકરી કરતી યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. ફોન પૂરો થયા પછી સવિતા ખૂબ ૨ડી હતી.
અનિરુદ્ધને ખબર હતી કે સવિતા આ વાત સહન કરી શકશે નહીં અને તે પ્રમાણે જ થયું. સવિતાને ધીમો તાવ આવવા લાગ્યો હતો. જમવાનું ઓછું થઈ ગયું હતું. આમ કરતાં-કરતાં છ મહિના થઈ ગયા. સવિતાની હાલત વધુ બગડવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ત્યાં પણ તે અવિનાશને યાદ કર્યા કરતી હતી. ડૉક્ટરોની કોઈ દવા અસર કરતી નહોતી એટલે જ ડૉક્ટરે સલાહ આપી હતી કે હવે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. બની શકે તો અવિનાશને એક વખત ભારત બોલાવી લો. આ વાત સાથે અનિરુદ્ધ સંમત નહોતા છતાં સવિતા માટે તેમણે અવિનાશને ફોન કર્યો. તેણે જલદી ભારત આવવાની ખાતરી આપી હતી. પંદર દિવસ પછી અવિનાશ અને તેની પત્ની ક્ષમા અમદાવાદ આવ્યાં પણ એરપોર્ટથી પોતાના ઘરે આવવાને બદલે હોટેલમાં ઊતર્યાં હતાં.
આ વાત માત્ર અનિરુદ્ધને ખબર હતી. હોસ્પિટલમાં અવિનાશ અને ક્ષમા બંને સાથે આવ્યાં હતાં. અવિનાશને વળગી સવિતા ખૂબ રડી. તેણે ક્ષમાના માથા ઉપર હાથ મૂકી તેને સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ઘરેથી દાગીનાની પેટી મંગાવી ક્ષમાના હાથમાં મૂકી હતી કારણ કે સવિતાએ પોતાની પુત્રવધૂ માટે બહુ કોડથી દાગીના બનાવ્યા હતા. અવિનાશ આવ્યો તેના ત્રણ-ચાર દિવસોમાં સવિતાને દવાની અસર થવા લાગી હતી. સવાર-સાંજ અવિનાશ અને ક્ષમા હોસ્પિટલ આવતાં હતાં. સવિતા તો એવું જ માનતી હતી કે તે બંને ઘરેથી તેને મળવા માટે આવે છે. અવિનાશને ભારત આવ્યે દસ દિવસ થઈ ગયા હતા. તે રાતે બંને કયાંક બહારથી હોસ્પિટલમાં આવ્યાં હતાં ત્યારે સવિતા ભરઊંઘમાં હતી. સવિતાની થોડીક દવાઓ લાવવાની હતી એટલે અનિરુદ્ધ તેમને બેસાડી દવા લેવા માટે નીચે આવ્યા હતા.
દવા લીધા પછી અનિરુદ્ધ જેવા રૂમમાં દાખલ થવા જતા હતા ત્યારે તેમના કાન ઉપર ક્ષમાનો અવાજ આવ્યો, માટે તેમના પગ ત્યાં જ થંભી ગયા. ક્ષમા અવિનાશને કહી રહી હતી કે, “અવિનાશ તું તો કહેતો હતો કે મમ્મી બે-ચાર દિવસ કાઢશે પણ હવે મને લાગતું નથી કે મમ્મી જલદી જાય. જેના જવાબમાં અવિનાશે જવાબ આપ્યો, ‘‘હું શું કરું? પપ્પાનો ફોન આવ્યો ત્યારે મને પણ હતું કે એક વખત મમ્મીને જોઈ લઈએ એટલે આપણે તરત આવ્યાં.” આ સંવાદો સાંભળી અનિરુદ્ધને લાગ્યું કે રૂમમાં જઈ બંનેને કચકચાવી લાફો મારી કાઢી મૂકું પણ તેમણે તેવું કરવાને બદલે જાણે કંઈ સાંભળ્યું જ નથી તેમ દરવાજાને નોક કર્યો અને રૂમમાં પ્રવેશ લીધો.
બીજા દિવસે સવારે અનિરુદ્ધે અવિનાશને કહ્યું, ‘તમારી રજા પૂરી થતી હશે. તમે આવ્યા સારું કર્યું. હવે સવિતાને સારું છે, તમારે જવું હોય તો જાઓ.” બસ આટલું કહેતા અવિનાશ પોતાની ઓપન ટિકિટ કન્ફર્મ કરાવી આવ્યો અને બંને અમેરિકા ચાલ્યાં ગયાં. ત્યાર પછી સવિતા સારી થઈ ઘરે આવી, તેના થોડા દિવસો પછી અનિરુદ્ધે પોતાના વકીલને બોલાવ્યો. વકીલના હાથમાં કેટલાક ટાઈપ કરેલા કાગળો હતા, જેની ઉપર તેમણે સહી કરી આપી હતી. સવિતાને ખબર નથી કે તેમણે શું કર્યું, પરંતુ અનિરુદ્ધે તેમના પૂરતી મિલકત રાખી બાકીની તમામ મિલકત વૃદ્ધાશ્રમને આપી દીધી હતી, કારણ કે અનિરુદ્ધને ખબર છે કે સમાજમાં અનિરુદ્ધ અને સવિતાઓની સંખ્યા વધી રહી છે.