દ. આફ્રિકન સીરિઝમાં રાહુલની લાંબાગાળાની કેપ્ટનશિપની આશાઓને પડ્યો મોટો ફટકો

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે જે રીતે સીરિઝ ગુમાવી તેને ધ્યાને લેતા જો આ પ્રવાસની કોઇ સમરી કાઢવામાં આવે તો એવું કહી શકાય કે મેદાન પર નિસહાય જણાતો કાર્યકારી કેપ્ટન, કેટલાક સીનિયર ખેલાડીઓની કેરિયર અંત ભણી, તેમજ મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં એ જ રૂઢીવાદી વલણ અપનાવવાનું આ પરિણામ છે. હવે આત્મમંથન માટે ટીમ મેનેજમેન્ટ સમક્ષ ઘણાં સવાલ હશે.
આ પ્રવાસ શરૂ થતાં પહેલા જ એ સંકેત મળી ચુક્યા હતા કે બધુ યોગ્ય રહેવાનું નથી.

પ્રવાસની શરૂઆત પહેલા જ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઇ વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. આમ તો જો કે એ ગજગ્રાહ ટીમની રવાનગી પહેલા યોગ્ય નહોતો પણ પહેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયા જીતી પછી આ વિવાદ પાછળ ધકેલાઇ ગયો. જો કે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ જીતી અને તેની સાથે બદલાયેલા આત્મવિશ્વાસ સાથેની દક્ષિણ આફ્રિકન ટીમે કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલને નવું કંઇ કરવા ન દીધું. પરિણામે કેએલ રાહુલની લાંબાગાળાની કેપ્ટનશિપની આશાઓને આ સીરિઝથી એક મોટો ફટકો પડ્યો છે.
ચેતેશ્વર પૂજારા અને અજિંકેય રહાણેએ ફરીવાર નિરાશ કર્યા
ભારતીય ટેસ્ટ ટીમના બે મહત્વના બેટ્સમેન એવા ચેતેશ્વર પુજારા અને અજિંકેય રહાણે જે રીતે બેટિંગ કરી રહ્યા છે તેને ધ્યાને લેતા એવું લાગે છે કે તેઓ જાણે ડરી ડરીને બેટિંગ કરી રહ્યા હોય. બીજી ટેસ્ટના બીજા દાવમાં તેમની ઇનિંગનો ચમકારો જોવા મળ્યો પણ તે સિવાય તેમની બેટિંગમાં કોઇ પોઝિટિવીટી જણાઇ નહોતી. બંનેએ છ ઇનિંગ મળીને 200 રન પણ કર્યા નથી અને તેના કારણે એવું માની શકાય કે તેમની કેરિયર હવે અસ્તાંચળે પહોંચી ગઇ છે. તેમના કારણે હનુમા વિહારી જેવા પ્રતિભા સંપન્ન ખેલાડીએ બહાર બેસીને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે.
અશ્વિન અને ભુવનેશ્વરે પણ વન ડે સીરિઝમાં નિરાશ કર્યા
ભારતીય ટીમના બોલરોની વાત કરવામાં આવે તો ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહ અને મહંમદ શમી પર વધુ નિર્ભર રહે છે. જો વન ડે સીરિઝને ધ્યાને લઇએ તો એમ કહી શકાય કે એક સમયે જે બોલરને ડેથ ઓવરનો બોલર કહેવાતો હતો તે ભુવનેશ્વર કુમાર પોતાની વેધકતા ગુમાવી બેઠો છે. જ્યારે અશ્વિન પણ પહેલા જેટલો અસરકારક રહ્યો નથી. આ બંનેને વિકેટ મેળવવામાં ફાંફા પડી ગયા હતા.
પ્રવાસમાં દીપક ચાહર અને શાર્દુલ ઠાકુર કાળા વાદળની રૂપેરી કોર સમાન રહ્યા. જો ભારતીય ક્રિકેટ ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસની કોઇ હકારાત્મક બાબત રહી હોય તો તે અંતિમ વન ડેમા દીપક ચાહરનો ચમકારો અને બે વન ડેમાં શાર્દુલ ઠાકુરે કરેલું બેટિંગ પ્રદર્શન છે. ખુદ કોચ રાહુલ દ્રવિડે પણ સ્વીકાર્યું હતું કે દીપક ચાહર અને શાર્દુલ ટીમ માટે બેટ વડે પણ પોતાનો ફાળો આપી શકે છે. આ બંનેને ભવિષ્યમાં વધુ મેચ રમાડવાની પણ દ્રવિડે તરફેણ કરી હતી
કોહલી સ્વીકારે કે નહીં પણ તેની કેરિયરનો સૌથી કપરો કાળ ચાલી રહ્યો છે
ભારતીય ટીમના કેપ્ટનપદેથી રૂખસદ લેનાર વિરાટ કોહલી ભલે એ સ્વીકારે કે નહીં પણ એક ક્રિકેટર તરીકે તે પોતાની કેરિયરના સૌથી કપરા કાળમાંથી પાસ થઇ રહ્યો છે. ત્રણમાંથી બે ફોર્મેટની કેપ્ટનશિપ તેણે છોડી જ્યારે એકમાં તેને હટાવી દેવાયો. જો કે પોતાની આજુબાજુ વિવાદો વિંટળાયા હોવા છતાં તેણે ત્રીજી ટેસ્ટમાં 79 રનની ઇનિંગ રમી, જેનાથી તે કેમ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ થાય છે તે પુરવાર થયું. વન ડેમાં પણ તેણે બે અર્ધસદી ફટકારી પણ તે પોતાની ચિરપરિચિત રિધમમાં જણાયો નહોતો.

Most Popular

To Top