સુરત: (Surat) અઠવાડિયા પહેલા કાપોદ્રાના કારખાનામાંથી ચોરાયેલા હીરા (Diamond) પુણાગામમાં વેચવા માટે આવેલા આધેડને કાપોદ્રા પોલીસે (Police) પકડી પાડ્યો હતો. પકડાયેલો આ ચોરની (Thief) ઉંમર 55 વર્ષની છે અને તે 28 વાર ચોરીના કેસમાં પકડાઇ ચૂક્યો છે. પોલીસે ચોરીના હીરા ખરીદ કરનારની પણ ધરપકડ બતાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોરની દેવપ્રયાગ રેસિડેન્સીમાં રહેતો સાગર મહેશ ઠક્કર કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટીમાં ‘યાના ડાયમંડ’ના નામથી ભાગીદારીમાં હીરાનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં તા. 18મીની રાત્રીએ રૂા. 1.80 લાખથી પણ વધુના હીરાની ચોરી થઇ હતી. જે અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બારડોલીના ફૂટપાથ ઉપર રહીને ભીખારી જેવું જીવન જીવતા અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપર ગામના વતની ભુપત ઉર્ફે ભરત કરશનભાઇ વડાલીયા (ઉ.વ.55)ને પકડી પાડ્યો હતો.
ભુપત પુણાગામ સાંઇનગર સોસાયટીમાં રહેતા મનોજ જેઠાભાઇ બાંભણીયાને ચોરીના હીરા વચવા માટે આવ્યો હતો. પોલીસે ભુપત તેમજ મનોજ બાંભણીયાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ભુપત આ અગાઉ 28 વાર ચોરીના કેસમાં વિવિધ પોલીસ મથકે પકડાઇ ચૂક્યો છે, ચોરી કરીને મોજખોશ કરતા આ ચોરની ઉંમર 55 વર્ષની છે અને તે 28 વાર ચોરીમાં પકડાયો છે. પોલીસે તેની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.
અંકલેશ્વર-વડોદરા વચ્ચે ચાલુ ટ્રેને ₹3.89 લાખની ચોરી
અંકલેશ્વર: ગોવાથી અમદાવાદ લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં સીટ નીચે મૂકેલી 3 બેગમાં રહેલાં સોના-ચાંદીના દાગીના, કપડાં અને રોકડા મળી કુલ ₹3.89 લાખની મત્તાની ચોરીની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસમથકે નોંધાવાઈ છે. મૂળ રાજસ્થાનના અને હાલ ગોવાના મડગાવ ખાતે શ્રી રામ ચેમ્બર ખાતે રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિની ચંચળ મુકેશ ખત્રીએ અમદાવાદ લગ્નપ્રસંગ હોવાથી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ગોવાથી માતા પરમેશ્વરી અને ભાઈ વિશાલ સાથે મેરેજ માણવા ત્રણેય સ્લીપર કોચમાં 3 બેગ સાથે યાત્રા કરી રહ્યા હતા.
નાગરકોઈન-ગાંધીધામ ટ્રેને અંકલેશ્વર સ્ટેશન પસાર કરતા પહેલાં રાતે તેઓ SA કોચમાં સૂઈ ગયા હતા. વડોદરા આવતાં યુવતી ચંચળની આંખ ખૂલી ગઈ હતી. તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જોતાં VIP, અમેરિકન ટુરિસ્ટ સહિતની ₹8000 કિંમતની 3 બેગ ગાયબ હતી. આ બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતાં તેઓ પણ દોડી આવી શોધખોળ કરતાં બેગો મળી આવી ન હતી. ગોવાની વિદ્યાર્થિનીએ આ અંગે ભરૂચ રેલવે પોલીસમથકે ₹3.89 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા, કપડાં ભરેલી 3 બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. આ બેગમાં 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીના હતા. રેલવે પોલીસે સ્ટેશન ઉપર લગાવેલા CCTV અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરકતના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે.