સુરત: પેટ્રોલપંપના કર્મચારીઓને માર મારી પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ

સુરત: (Surat) ભેસ્તાન ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ (Petrol Pump) ઉપર બાઈક ઉપર 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવવા આવેલા બે અજાણ્યાઓએ દિવાસળી ચાંપી પેટ્રોલ પંપ સળગાવી (Fire) નાખવાનો પ્રયાસ કર્યો હતો. મળસ્કે 5 વાગે બંને અજાણ્યાઓએ બાઈકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાના નામે રકઝક કરી પેટ્રોલ પંપના કર્મચારીને તમાચો મારી દીધો હતો. પેટ્રોલપંપ કર્મચારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપી ભાગી ગયા હતા. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

  • ભેસ્તાનમાં પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો
  • મળસ્કે 5 વાગે બંને અજાણ્યાઓએ બાઈકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરી આપવા કહ્યું હતું
  • બંને યુવકોએ પંપના કર્મચારીને માર મારી દિવાસળી સળગાવી ફેંકવા પ્રયાસ કર્યો હતો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

ડીંડોલી ખાતે મધુરમ સર્કલ પાસે રૂક્ષમણી પાર્કમાં રહેતા 45 વર્ષીય સોપાન રૂપસીંગ પાટીલ ભેસ્તાન ખાતે આવેલા સ્વસ્તિક પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 21 તારીખે બે અજાણ્યા બાઈક ઉપર આવ્યા હતા. આવીને અનિલ અને દેવેન્દ્ર સાથે પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરી ધમકી આપી ભાગી ગયા હતા. સોપાને આ અંગે સાંજે દેવેન્દ્રની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મળસ્કે 5 વાગે બંને અજાણ્યાઓએ બાઈકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરી આપવા કહ્યું હતું. દેવેન્દ્રએ પેટ્રોલ યુનીટમાં 100 રૂપિયા સેટ કરીને બાઈકની ટાંકીમાં નોઝલ નાખી પેટ્રોલ નાખવા જતા બાઈક ઉપર બેસેલા વ્યક્તિએ થોભી જવા કહ્યું હતું. અને ટોર્ચ ચાલુ કરી ટાંકીમાં જોવા દે તેવું કહેતા દેવેન્દ્રએ જલ્દી બોલવાનું કહ્યું હતું નહીંતર મશીન બંધ થઈ જશે.

આ વાતને લઈને બાઈક સવારે દેવેન્દ્રને તમાચો મારી ઝપાઝપી કરી હતી. બાદમાં બંને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાઈક સવાર બંને યુવકોએ પંપના કર્મચારી સાથે મારા મારી કરી દિવાસળી ચાંપી પંપને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે આરોપી અનવર ઉર્ફે રાજા ભીખન શાહ (ઉ.વ.20, રહે.ગોલ્ડન આવાસ) અને અમીતકુમાર જોગેન્દ્ર યાદવ (ઉ.વ.22, રહે.ગોલ્ડન આવાસ) ની ધરપકડ કરી વધારે પુછપરછ હાથ ધરી છે.

Most Popular

To Top