બારડોલી: (Bardoli) બારડોલીમાં દસ દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ (Temptation) આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર બંટી બબલી એવા દંપતી સામે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે કરોડો રૂપિયાની હેરાફેરી (Manipulation of rupee) કરનાર દંપતી પૈકી પતિ અંકિત નાયકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલીમાં એકના ડબલ કરવાની લાલચમાં દંપતીએ લોકોના કરોડો ચાઉં કરી લીધા
- હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઇટના માધ્યમથી બારડોલીના અંકિત નાયક અને પત્ની અંકિતાએ જાળ બીછાવી હતી, અંકિતની ધરપકડ
દસ દિવસમાં રૂપિયા ડબલ કરી કરોડપતિ બનાવવાની લાલચનો ભોગ બનનાર વિજય સાહેબરાવ હરિશ્ચંદ્ર પાટીલ (રહે.,રણુજાનગર સોસાયટી, ધામડોદ જકાતનાકા, બારડોલી)એ આપેલી ફરિયાદ અનુસાર પાંચ છ મહિના અગાઉ તેના મિત્રો સંજય પટેલ અને યશ ગાંધી સાથે ચા પાણી કરવા બારડોલીના ધુલિયા ચાર રસ્તા પાસે રંગોળી હોટલ પર ગયા હતા. જ્યાં તેમની ઓળખાણ અંકિત નાયક સાથે થઈ હતી. અંકિત નાયકે ત્રણેક મહિના અગાઉ હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઇટ અંગે માહિતી આપી હતી, જેમાં દસ દિવસમાં રૂપિયા ડબલ થતા હોવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી જઈ વિજય સાહેબરાવ પાટીલે હેલ્પ ટુ અધર્સ વેબસાઈટ પર અલગ અલગ આઈડીના માધ્યમથી 16000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિજયને વિશ્વાસમાં લઈ વધુ આઠ આઈડીમાં કુલ 4.48 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાંથી અમુક આઈ.ડી.ના રૂપિયા વિજયભાઈને પરત મળી ગયા હતા. જ્યારે અમુક આઈ.ડી.ના રૂપિયા તેમના ખાતામાં જમા થયા ન હતા.
આ સ્કીમમાં તેના મિત્રો યશ ગાંધી, અંકિત પટેલ, સંજય પટેલ અને રાહુલ પારેખે પણ રોકાણ કર્યું હતું. જેમના પણ રૂપિયા પરત આવ્યા ન હતા. અને એકાદ મહિનામાં જ વેબસાઈટ બંધ થઈ ગઈ હતી. જે-તે સમયે વેબસાઈટ અપડેટમાં હોવાનું જણાવી અંકિત અને તેની પત્ની અંકિતાએ બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાંબા સમય સુધી કોઈ જવાબ નહીં આપતાં ગ્રાહકોને તેમના રૂપિયા ડૂબી ગયા હોવાની હકીકત સમજાય હતી. આથી વિજય પાટીલ સહિત અન્ય ભોગ બનનારાઓએ પણ બારડોલી પોલીસમથકમાં ફરિયાદ આપી હતી. જે પૈકી હાલ પોલીસે વિજયની ફરિયાદના આધારે અંકિત નિલેશ નાયક, અંકિતા અંકિત નાયક (બંને રહે., રોઝ પ્લાઝા, સ્ટેશન રોડ, બારડોલી) અને વેબસાઈટ બનાવનાર વડોદરાની કંપની ટી.વાય.એમ.કે. સોફ્ટવેર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલી પોલીસ સ્ટેશનમાં વેબસાઈટ સંચાલકો સામે 9 અરજી પેન્ડિંગ !
બારડોલી પોલીસ મથકમાં હેલ્પ ધ અધર્સ નામની વેબસાઈટના સંચાલકો સામે ભોગ બનનારાઓ પૈકી 9 અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજિત 4 કરોડ જેટલા રૂપિયા ડૂબાડ્યા હોવાની જાણકારી પણ સૂત્રો પાસેથી મળી રહી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અંકિત અને અંકિતા નામના બંટી બબલીએ અંદાજિત 15 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી રૂપિયાની હેરાફેરી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મોટા ભાગે મધ્યમ વર્ગના યુવાનો આ સ્કીમનો ભોગ બન્યા હોય કેટલાક પરિવારની જિંદગીભરની કમાણી પણ ડૂબી ગઈ છે. આ
આ રીતે કરવામાં આવતું હતું રોકાણ
સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે ગૂગલ એપમાં જઈ હેલ્પ ટુ અધર્સ (help2others) વેબસાઈટ ઓપન કરી તેમાં સ્પોન્સર આઈડી ઓપરેટ કરવાનું હતું. આ આઈડીમાં 4000, 8000, 16000 અને 20000 રૂપિયાના પેકેજ હતા અને તે પ્રમાણે રોકાણ કરવાનું હતું. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ એક લિંક આપી તેમાં આવતાં અલગ અલગ નામોમાં 1000થી લઇ 4000 રૂપિયા ગૂગલ પેથી ટ્રાન્સફર કરવાના હતા. જેનો સ્ક્રીનશોર્ટ લઈ તે પણ અપલોડ કરતા સામે વાળી આઈડીમાં તે અપલોડ થતો અને ત્યારબાદ રિસીવનો ઓપ્શન આવતો જેના માધ્યમથી સામેથી પણ પૈસા આવી જતા. આમ, ગ્રાહકોની સાંકળ બનાવી અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
અંકિતની પત્ની અંકિતા નાયક વેબસાઈટ ઓપરેટ કરતી હતી
અંકિત નાયકે પોતે જ હેલ્પ ટુ અધર્સના નામની વેબસાઈટ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આર.સી.દત્ત રોડ પર શ્રી રામ ચેમ્બર્સના છઠ્ઠા માળે આવેલી ટી.વાય.એમ.કે. નામની સોફ્ટવેર કંપની પાસે બનાવડાવી હતી. અને વેબસાઈટ તેની પત્ની અંકિતા નાયક ઓપરેટ કરતી હતી.