નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં કોરોના (corona) કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હજી પણ નવસારી અને વિજલપોરના શાક માર્કેટમાં લોકો માસ્ક (Mask) વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distance) જાળવ્યા વિના ફરી રહ્યા છે. ત્યારે લોકો કાતિલ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.
નાના બાળકોથી લઈ વૃધ્ધો સુધીના લોકોને કોરોના તેની ચપેટમાં
નવસારી જિલ્લામાં કોરોનાના કેસો આડેધડ વધી રહ્યા છે. નાના બાળકોથી લઈ વૃધ્ધો સુધીના લોકોને કોરોના તેની ચપેટમાં લઈ રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં જિલ્લામાં 2500થી વધુ લોકોને કોરોનાએ ચપેટમાં લેતા જિલ્લામાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે નવસારી અને વિજલપોર શહેરમાં રાત્રી કરફ્યુ અમલમાં મૂકી દીધું છે. પરંતુ દિવસે લોકોની ભીડ વધુ જોવા મળી રહી છે. જેમાં નવસારી શહેરમાં આવેલા 4 શાકભાજી માર્કેટો તેમજ વિજલપોરના 2 શાકભાજી માર્કેટોમાં લોકો વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. તેઓ ભર બજારમાં માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવ્યા વિના બિન્ધાસ્ત ફરી રહ્યા છે.
શાકભાજી માર્કેટમાં લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી
જેથી સરકારના ગાઈડ લાઈનની ખુલ્લેઆમ ધજીયા ઉડી રહી છે. તો બીજી તરફ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસ પણ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડી છે. જેમાં વિઠ્ઠલ મંદિર માર્કેટ, જલાલપોર માર્કેટ, શાંતાદેવી રોડ માર્કેટ અને નગરપાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જેમાં જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ પણ ઢીલી નીતિ દાખવી રહ્યું છે.
નવસારી જિલ્લામાં કોરોનાના નવા 240 કેસ : 28 વિદ્યાર્થીઓ અને 8 બાળકો સંક્રમિત
નવસારી : નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાના 240 કેસો નોંધાયા છે. જેમાં 28 વિદ્યાર્થીઓ અને 8 બાળકો કોરોના સંક્રમિત થયા છે. જોકે આજે 94 દર્દીઓ સાજા થતાં હાલ જિલ્લામાં 1616 એક્ટિવ કેસો છે.
નવસારી જિલ્લામાં કોરોનાના કેસો આડેધડ વધી રહ્યા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઓછા કેસો નોંધાઈ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ કોરોનાના કેસો સ્પ્રિંગની જેમ ઉછળતા હાલ રોજના 200થી 300 કેસો નોંધાઈ રહ્યા છે. જેથી માત્ર થોડા જ દિવસોમાં જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે.
આજે શનિવારે કોરોના કેસોમાં ઘટાડો થતાં 240 નવા કેસો નોંધાયા હતા. જેમાં 11 થી 20 વર્ષના 28 વિદ્યાર્થીઓ અને 2 થી 10 વર્ષના 8 બાળકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના નોંધાયેલા 240 કેસો પૈકી નવસારીમાં 94, જલાલપોર તાલુકામાં 39, ગણદેવી તાલુકામાં 34, ચીખલી તાલુકામાં 32, વાંસદા તાલુકામાં 29 અને ખેરગામ તાલુકામાં 12 કેસ નોંધાયા છે.
નવસારી જિલ્લામાં કોરોનાના કુલ 10,242 કેસો નોંધાયા છે. જ્યારે આજે જિલ્લામાં 94 કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા હમણાં સુધીમાં કુલ 8425 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં હમણાં સુધી 201 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જેથી હાલ જિલ્લામાં 1616 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.