સુરત: (Surat) કતારગામથી ઓલપાડ જતા એક ટેમ્પોમાં સરકારી અનાજ (Government Cereals) સગેવગે કરી દેવાના આક્ષેપ કરીને સરકારી અનાજના દુકાનદાર પાસેથી 1 લાખની માંગણી કરવામાં આવી હતી. આ મામલે દુકાનદાર તેમજ યુવકની વચ્ચે લાકડાના ફટકાથી મારામારી થઇ હતી. પોલીસે (Police) બંને પક્ષોની સામસામી ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અશ્વનીકુમાર રોડ ઉપર સમર્થ એપાર્ટમેન્ટમાં રહેતા હિંમાશુભાઇ પરેશભાઇ લિંબાચીયા કતારગામમાં જ પંડિત દિનદયાળ સરકારી અનાજની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હિંમાશુભાઇ દુકાનમાં કામ કરતા દિપક ખટીકને લઇને દુકાને ગયા હતા અને ગોડાઉનથી પશુને ખવડાવવા માટેનું ભુસુ ટેમ્પામાં ભરીને ઓલપાડ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિર પાસે નરેશ બારૈયા તથા તેની સાથે તેનો સાળો આવ્યો હતો. તેઓએ હિમાંશુ ભાઇને કહ્યું કે, ટેમ્પોમાં સરકારી અનાજ છે, અમારે ચેક કરવાનું છે કહીને માથાકૂટ કરી હતી. હિમાશુંભાઇએ ટેમ્પોમાં ભુસુ હોવાનું કહેતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી.
આ દરમિયાન નરેશ બારૈયાએ કહ્યું કે, ટેમ્પોને આગળ લઇ જવા દેવા અને સરકારી અનાજની દુકાન ચલાવવા 1 લાખ રૂપિયા આપવા પડશે, નહીંતર લાયસન્સ સસ્પેન્ડ કરાવી નાંખીશ, કહીને મારામારી કરી હતી. આ દરમિયાન હિંમાશુભાઇનો મિત્ર મયુર રબારી પણ ત્યાં આવી ગયો હતો. હિંમાશુ અને તેના મિત્રને લાકડાનો ફટકો વાગી જતા તેઓએ નરેશ બારૈયા અને તેના સાળાની સામે કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાલ આરટીઓ પાસે તાપી નદીમાં થતા ગેરકાયદે રેતીખનનને પીસીબીએ પકડી પાડ્યું
સુરત : પાલ આરટીઓની કચેરીની બાજુમાં જ તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનના કૌભાંડને પીસીબીએ પકડી પાડ્યું હતું. સ્થાનિક અડાજણ પોલીસ અને ભુસ્તર વિભાગને અંધારામાં રાખીને પીસીબીએ દરોડા પાડીને ગેરકાયદે રેતીખનન કરતા પકડી પાડ્યું હતું. પોલીસે તાપી કિનારેથી એક ટ્રક, 45 ટન રેતી, નાવડી સહિત કુલ્લે રૂા. 14.53 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અહીં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે રીતે ખનન ઉપર ભુસ્તરશાસ્ત્રી વિભાગï કચેરી દ્વારા કોઇ ચોક્કસ કાર્યવાહી કરાઇ ન હતી, આ ઉપરાંત આ કૌભાંડમાં સ્થાનિક અડાજણ પોલીસની પણ મીલિભગત હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યાં જ પીસીબીએ દરોડા પાડીને ગેરકાયદે રેતીખનને ખુલ્લુ પાડુ દીધું હતું.
પીસીબી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે પાલ-ઉમરા બ્રિજ પાલ આર.ટી.ઓ કચેરીની બાજુમાં તાપી નદીના પટમાંથી ગેરકાયદે રેતીખનનને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે અહીં એક ટ્રકમાં લોડીંગ કરવામાં આવતી રેતી સહિતનો સામગ્રી કબજે લીધી હતી. પોલીસને જોતાની સાથે જ ભૂમાફિયાઓ ભાગવા લાગ્યા હતા. પીસીબીએ એક ટીમ બનાવીને તાપી કિનારેથી 45 ટન રેતી, તેમજ ટ્રકના ચાલક કમલેશ તેજાજી વણજારાને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે અન્ય એક ટ્રકમાંથી 15 ટન રેતી, બે બાઈક અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૪,૫૩,૬૫૦નો મુ્દામાલ કબજે કર્યો હતો.