જળ પ્રદુષણ મુદ્દે નર્મદા ધારીખેડા સુગરમાં GPCBનું આકસ્મિક ચેકિંગ

રાજપીપળા: નર્મદા (narmada) ધારીખેડા (Dharikheda) સુગર ફેક્ટરીનું કેમિકલયુક્ત (Factory chemical) પાણી ખાડી દ્વારા આસપાસનાં ગામોમાં ફેલાઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી (Sugar factory) આસપાસનાં ગામોની ખાડીમાં આ ગંદું પાણી ફેલાતાં લોકોને ચામડીના રોગ (Skin diseases) થાય છે અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જી.પી.સી.બી. (GPCB) આ બાબતે આંખ આડા કાન કરે છે? જી.પી.સી.બી. આ મામલે યોગ્ય કાર્યવાહી કરે એવી લોકોની માંગ છે. આ બાબતનો ગ્રામજનોની ફરિયાદ સાથેનો એક વિસ્તૃત એહવાલ ગુજરાતમિત્રમાં 20મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થતાં જી.પી.સી.બી.ની ટીમોએ ધારીખેડા સુગર ફેક્ટરી પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.

નર્મદા નદીના પાણીના વિવિધ સેમ્પલ લીધાં
જી.પી.સી.બી. અંકલેશ્વરની ટીમના સભ્યોએ નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી, નિકોલી ગામની ખાડી તથા કાંદરોજ-સિસોદરા વચ્ચેથી પસાર થઈ રહેલી નર્મદા નદીના પાણીના વિવિધ સેમ્પલ લીધાં હતાં. અચાનક જી.પી.સી.બી.ની ટીમના ચેકિંગને પગલે નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

અધિકારીઓએ ગંદા પાણીની સ્થળ પર પી.એચ. ચેક કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જી.પી.સી.બી.ના અધિકારીઓએ જ્યારે ગંદા પાણીની સ્થળ પર પી.એચ. ચેક કરી ત્યારે એસિડિક પી.એચ. આવી હતી. જ્યારે નિયમ એવું કહે છે કે, ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ડ્રેનેજ પાણીની પી.એચ. 6.5થી 8.5ની વચ્ચે હોવી જોઈએ, બાકી કાયદેસરની કાર્યવાહી થઈ શકે. જી.પી.સી.બી. પણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તટસ્થ નિર્ણય કરે એવી લોકોની માંગ છે.

એરિયા મોટો છે એટલે તપાસમાં વાર લાગશે: આર.આર.વ્યાસ
આ બાબતે અંકલેશ્વર જી.પી.સી.બી.ના અધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે, ધારીખેડા સુગર ફેક્ટરીનો એરિયા મોટો છે. એટલે સેમ્પલ કલેક્ટ કરવામાં અને તપાસ કરવામાં વાર લાગશે. અમને જો કોઈ ખેડૂતે ફરિયાદ કરી હોત તો અમે તપાસ કરી દીધી હોત, મને પહેલીવાર આ ફરિયાદ મળી એટલે મેં તુરંત મારી ટીમને રવાના કરી દીધી છે.

Most Popular

To Top