સુરત: (Surat) સુરત શહેર નજીક પલસાણા (Palsana) વિસ્તારમાં આવેલી એક મિલમાં (Mill) મોડી રાત્રિએ ભીષણ આગ (Fire) લાગી હતી. લગભગ સવારે 3 વાગ્યે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડે મેજર કોલ (Major Call) જાહેર કરવો પડ્યો હતો. પલસાણા ઉપરાંત બારડોલી, સચિન, સુરત, વ્યારાથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખાનગી કંપનીઓની ફાયર ટીમ પણ દોડી આવી હતી. આગ પર કાબુ મેળવી લેવાયા બાદ કુલિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જોકે, આ આગજનીની ઘટનામાં 3 કર્મચારીઓ અંદર ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં પલસાણા ખાતે આવેલી સૌમીયા પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમીટેડ (Soumia Processing Pvt) નામની ડાઈંગ મિલમાં આગ લાગી હતી. મિલમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો અને કેમિકલ હોય આગ લાગતા વેંત જ આખીય મિલમાં પ્રસરી ગઈ હતી અને જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. બોઈલર પાસે આગ લાગી હતી અને સિલિન્ડરો પણ ફાટ્યા હોવાની માહિતી મળી છે. આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોવા મળ્યા હતા. આગ લાગતા જ આસપાસની મિલો પણ બંધ કરી દેવી પડી હતી.
ફાયર બ્રિગેડને જાણ થતાં જ લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અંદાજે 5 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેઈ લેવામાં આવી હતી, ત્યાર બાદ કલાકો સુધી કુલિંગની કામગીરી ચાલુ રહી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કેટલાંક કર્મચારીઓએ એવુ કહ્યું હતું કે, મિલમાં લાગેલી આગમાં 3 જણા ફસાઈ ગયા હતા જેનો કોઈ અત્તોપત્તો નથી. જોકે, આ વાતને અધિકૃત સમર્થન મળ્યું નથી.
ફાયરના સૂત્રોએ કહ્યું કે સૌમિયા પ્રોસેસિંગ મિલમાં કલર બનાવવાનું કામ મોટા પાયે ચાલે છે, તેથી મોટી માત્રામાં કેમિકલનો જત્થો હતો. બોઈલરની આસપાસ આગ લીગ હતી જે બાદમાં ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. કોલ મળતા જ લાશ્કરો પહોંચી ગયા હતા પરંતુ આગ ભીષણ હોય મેજર કોલ જાહેર કરાયો હતો અને તરત જ આસપાસના જિલ્લામાંથી ફાયર ફાઈટરની ટીમ દોડી આવી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી.