સુરત: (Surat) સુરતમાં કામરેજ (Kamrej) નેશનલ હાઈવે (National Highway) ઉપર 2 દીપડા (Leopard) મૃત (Died) હાલતમાં મળી આવ્યા છે. કોઈ ટ્રકની અડફેટે (Truck Accident) દીપડા મૃત્યુ પામ્યા હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં ચિંતાજનક બાબત એ છે કે અંતરિયાળ ગ્રામીણ અને જંગલ વિસ્તારમાં જોવા મળતા દીપડા હાઈવે સુધી કેવી રીતે પહોંચી ગયા? સ્થાનિક ગ્રામજનો ચિંતામાં મુકાઈ ગયા છે અને વનવિભાગે (Forest Department) સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
- રાત્રિના 2 વાગ્યા આસપાસનો બનાવ, પારડી નજીક હાઈવે પર ટ્રક અડફેટે બે દીપડાં મૃત્યુ પામ્યા
- છેલ્લાં કેટલાંય દિવસથી બે મોટા ખૂંખાર દીપડા ઘલા ગામ આસપાસ ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો
- વન વિભાગ અને પોલીસે દીપડાંના મોતની ઘટનાની તપાસ હાથ ધરી
આજે ગુરુવારે સવારે કામરેજ નજીક નવી પારડી પર નેશનલ હાઈવે ક્રોસ કરતી વખતે ટ્રક અડફેટે બે મોટા દીપડાના મોત થયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક દિવસથી એક વીડિયો ફરતો હતો, જેમાં બે દીપડા આ વિસ્તારમાં ફરતા હોવાનું જણાવાયું હતું. અકસ્માતની ઘટના રાત્રિના 2 વાગ્યા આસપાસ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી દીપડાના મૃતદેહ ખસેડવા સાથે ઘટના કઈ રીતે બની તેની તપાસ હાથ ધરી છે.
છેલ્લાં કેટલાંય દિવસથી આ વિસ્તારમાં બે ખૂંખાર મોટા દીપડા ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ખાસ કરીને મોડી રાત્રે અહીંના ગામડાઓના ખેતરમાં દીપડા જોવા મળ્યા હોવાની વાતો થતી હતી. વીડિયોમાં પણ બે દીપડા દેખાતા હોય આસપાસના ગ્રામજનોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ખાસ કરીને દીપડાઓ શેરડીના ખેતરમાં જોવા મળતા હતા, તેથી ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં જતા ડર અનુભવી રહ્યાં હતાં.
આ દીપડાઓ ઘલાથી બૌધાન રોડ પર લટાર મારતા વીડિયોમાં જોવા મળ્યા હતા. વનવિભાગે આ દીપડાઓને શોધવા પ્રયાસ શરૂ કર્યાં હતાં, પરંતુ વનવિભાગને દીપડા મળે તે પહેલાં તેઓના મૃતદેહ મળી આવ્યા છે. રાત્રિના અંધકારમાં નેશનલ હાઈવે ક્રોસ કરતી વખતે કોઈ ટ્રકની અડફેટે બંને દીપડા મૃત્યુ પામ્યા છે. હાલ વનવિભાગ અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. જોકે, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે જંગલમાં વસતા દીપડાં ચિક્કાર વસ્તી ધરાવતા હાઈવે પર કેવી રીતે પહોંચી ગયા? આ ચિંતાનો વિષય છે.