ગુજરાતમાં (Gujarat) આપની (AAP) પાર્ટીને મોટો ઝાટકો મળ્યો છે. મહેશ સવાણીએ (Mahesh Savani) આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા અંગે મહેશ સવાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફ્રન્સમાં તેઓ ભાજપ (BJP) સાથે જોડાશે એવા પણ સંકેત આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે મેં રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી છે. જે પાર્ટી લોકસેવા કરશે તે પાર્ટીમાં હું જોડાવા તૈયાર છું. આ સાથે કહ્યું કે સેવા માટે જો ભાજપ તક આપશે તો હું પાર્ટીમાં જોડાવા તૈયાર છું. આ ઉપરાત તેઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસ પછીના મનોમંથન બાદ મેં આ નિર્ણય લીધો છે. આપ માટે કોઈ નારાજગી નથી.
મહેશ સવાણીની વાત કરીએ તો તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારું એવું પ્રભુત્વ ધરાવતી વ્યકિત છે. તેઓએ ગાંધીનગરમાં ઘટિત ઘટના સમયે અનશન પર ઉતરી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક દીકરીઓના પાલક પિતા ગણાતા સવાણીના રાજીનામાથી સૌથી મોટો ફટકો સુરતને પડશે. આપને વિધાનસભાની ચૂંટણી પહેલા મહેશ સવાણીના રાજીનામાથી મોટી અસર થવાની શક્યતા છે.
આ અગાઉ આજે સવારે વિજય સુંવાળા અને નીલમ વ્યાસે આપ પાર્ટીનેમાંથી રાજીનામુ આપી દીઘુ હતું. વિજય સુંવાળાએ ભાજપ સાથે પોતાની કામગીરીની શરૂઆત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીને આજે ત્રીજો સૌથી મોટો ઝાટકો મળ્યો છે. વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવી પોતાની પાર્ટી ભાજપમાં આવકાર આપ્યો હતો. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છેઃ વિજય સુવાળા
ગુજરાતના જાણીતા ગાયક વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ભાજપ સાથે જોડાયા. વિજય સુવાળાએ જણાવ્યું કે આજે હું પોતાના ઘરે પાછો આવ્યો છું. આજનો દિવસ મારા માટે યાદગાર છે. છેલ્લી 3 પેઢીથી મારો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું હંમેશા તત્પર રહીશ.
વિજય સુવાળાએ ઘરવાપસી કરીઃ સી.આર. પાટીલ
વિજય સુવાળા ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, કેટલાક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે વિજય સુવાળાએ ભાજપમાં પ્રવેશ કર્યો, પરંતુ વિજય સુવાળાએ તો ઘરવાપસી કરી છે. તેઓએ પાર્ટીમાં પરત ફરવાનો પ્રસ્તાવ મૂક્યો અને અમે તેમને આવકાર્યા છે.