અંકલેશ્વર: ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાનનું પતંગના દોરાથી કપાળ કપાયું હતું. ઘાતક દોરાએ કપાળના બે ભાગ કરી 2 ઇંચ સુધી અંદર ઘૂસી જતાં તબીબે 30થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. અંકલેશ્વરના સુરવાડી રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહેલા નવી વસાહત ખાતે રહેતા જગદીશ વસાવાના કપાળના ભાગે અચાનક પતંગનો દોરો આવી ગયો હતો. આખું કપાળ દોરાએ ચીરી નાંખ્યું હતું. દોરો કપાળ પર એટલી હદે અંદર સુધી ઘૂસી ગયો હતો કે કપાળના બે ભાગ કરી 2 ઈંચ સુધી હાડકાં સુધી પહોંચી ગયો હતો. ચીરાયેલા કપાળ સાથે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં જગદીશ વસાવાને 30થી વધુ સ્ટીચ લેવામાં આવ્યા હતા. તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો.
બારડોલીમાં પતંગના દોરાથી મહિલાનું ગળું કપાયું
બારડોલીના મોતા ગામે રહેતાં ચંદ્રિકા મહેન્દ્ર પટેલ (ઉં.વ.52) બારડોલીમાં બ્યુટી પાર્લર ચલાવે છે. રવિવારે દુકાન બંધ કરી કામ અર્થે તેઓ મોપેડ પર આચાર્ય તુલસી માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક પતંગનો દોરો ગળામાં લાગી જતાં ગંભીર ઇજા થતાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં હાલ સારવાર ચાલી રહી છે.
ઓલપાડ કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખના પૌત્રનું પતંગની દોરથી ગળું કપાતાં મોત
ઓલપાડના ઇસનપોર ગામના અને ઓલપાડ કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનો ૧૮ વર્ષીય પૌત્ર ધ્રુવ અજય પટેલ (ઉં.વ.૧૮) સેલ્સમેન તરીકે નોકરી કરે છે. જે પરિયા ગામે રહેતા મિત્રોને મળી બાઈક નં.(જીજે-૦૫-એમએચ-૪૫૯૬) પર પરત ઘરે ફરતો હતો. ત્યારે સાયણ ઓલપાડ રોડ પર પતંગની દોરી પડતાની સાથે જ ગળામાં ભેરવાઇ જવાથી ગળું કપાઈ ગયું હતું. જેથી યુવાનનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્રનું મોત થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.