Gujarat

ગુજરાત સરકાર કોરોના સાથેની જંગ લડવા તૈયાર: 97,000 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ

ગાંધીનગર(Gandhinagar): રાજયમાં એક તરફ કોરોનાના (Corona) નવા કેસો 11,176 ને પાર કરી ગયા છે ત્યારે હવે રાજય સરકારે ત્રીજી લહેરમાં ઈમરજન્સી સ્થિતિને પહોચી વળવા માટે રાજય સરકારે 97,000 જેટલા બેડની વ્યવસ્થા ઊભી કરી દીધી છે. જયારે હોમ આઈસોલેશનના દર્દીને સરકારી કર્મચારીઓ દવા (Medicine) પહોંચાડે એવી વ્યવસ્થા ઊભી કરી છે.

  • હોમ આઈસોલેશનના દર્દીને સરકારી કર્મચારીઓ દવા પહોચાડે એવી વ્યવસ્થા ઊભી કરાય
  • કોવિડ રસીકરણના કારણે ડેલ્ટા વાયરસનું આ સ્વરૂપ વધુ નુકસાનકારક નહીં : ઋષિકેશ પટેલ

રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આજે સાંજે ગાંધીનગરમાં કહ્યું હતું કે રાજય સરકાર ગુજરાતમાં કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે લડત આપવા સજ્જ હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 43 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતાં હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો હોવાનું જણાવ્યું હતું. એટલે કે હોસ્પિટલાઇઝેશનો દર ખૂબ જ ઓછો છે. દેશના વિવિધ વાયરોલોજીસ્ટ, નિષ્ણાંતો અને આઇ.સી.એમ.આર.ના તબીબો સહિતના વિદેશી તબીબવિદોના મતે ઓમિક્રોન વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. પરંતુ કોવિડ રસીકરણના કારણે ડેલ્ટા વાયરસનું આ સ્વરૂપ વધુ નુકસાનકારક નહીં હોવાનું જણાયુ છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાની રસીના 9.42 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી વધુની વયના 98 ટકા લોકોને પ્રથમ ડોઝ જ્યારે 94.5 ટકા લોકોને બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે. રાજ્યના 1 કરોડ લોકોને ઘરે ઘરે જઇને રસીકરણના ડોઝ લગાવવામાં આવ્યા છે.

તાજેતરમાં શરૂ થયેલા 15 થી 18 ની વય જૂથના રસીકરણમાં 57 ટકા તરૂણોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ 43 હજાર જેટલા કોવિડ એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોવિટ ટેસ્ટિંગમાં અંદાજીત 9.5 ટકા પોઝિટિવિટી રેટ છે. રાજ્યમાં 138 ટેસ્ટિંગ લેબ કાર્યરત કરીને ટેસ્ટિંગ ફેસિલિટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આવનારા સમયમાં પટેલે કહ્યું હતું કે કોવિડની તમામ આકસ્મિક પરિસ્થિતીઓનો સામનો કરવા યુધ્ધના ધોરણે રાજયમાં 97,000 થી વધુ કોરોના સારવાર માટે ના અલાયદા બેડ ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરાઇ જેમાં 70,000 ઓક્સિજન બેડ અને 15,000 ક્રિટિકલ બેડ અને 8,000 વેન્ટિલેટરી બેડનો સમાવેશ થાય છે.

Most Popular

To Top