જનતાનાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ, ફરિયાદો, કાર્યો, સૂચનો હોય છે. સ્થાનિક સ્વરાજ સંસ્થા, રાજયો અને કેન્દ્ર સરકારના સંદર્ભમાં તે હોય છે. લેખિત કે મૌખિક સ્વરૂપે તે રજૂ કરવામાં આવે છે. શકય એટલી વહેલી તકે તેનો ઉકેલ થવો જોઇએ. મર્યાદિત કાર્યક્ષેત્ર પૂરતી સત્તા હોવા છતાં નિષ્ઠા અભાવ, આળસ, બેદરકારી, ઉપેક્ષા, પૂર્વગ્રહ, ભ્રષ્ટાચાર વગેરે પરિબળો ફરજપાલનની આડે આવે છે, વિલંબ કે અન્યાય પ્રગટે છે, તંત્રોની શિથિલતાનો કડવો અનુભવ થાય છે. હવે સત્તાધીશ નેતાઓ પણ ‘સેવા સેતુ’ના નામે આડકતરી રીતે સ્વીકારે છે કે તંત્રોમાં શિથિલતા હોય છે. ‘સેવા સેતુ’ના અનેક હેતુઓ દેખાય છે. ચૂંટણીલક્ષી પ્રચાર, જનસેવાનો દંભ, પ્રસિધ્ધિનો મોહ, ખોટી ખરી કે ભ્રામક સિધ્ધિઓની પ્રસિધ્ધિ મુખ્યત્વે નજરે ચઢે છે.
ખરેખર તો સત્તાધીશ નેતાઓએ તેમના શાસનકાર્યકાળમાં સતત તંત્રોની ખબર લઇ, ચેતનવંતુ અને નિષ્ઠાવંત, પ્રામાણિક, કાર્યદક્ષ રાખવું જોઇએ. સાચા દિલથી જનસેવાની ભાવનાથી અમલ કરવો જોઇએ. જો એમ થાય તો ‘સેવાસેતુ’ જેવા નાટકીય કાર્યક્રમો, માધ્યમોમાં પ્રચાર પ્રસિધ્ધિની આવશ્યકતા જ નહીં રહે. આવા પુલની જરૂરત ત્યારે જ રહે છે કે જયારે કાર્યક્ષેત્ર અને કર્તવ્યપાલન વચ્ચે ખીણ કે ખાઇ હોય અને જનસેવામાં અવરોધ હોય. લોકોએ આયોજિત ‘સેવાસેતુ’ કાર્યક્રમના સ્થળે દર્શાવેલ મર્યાદિત સમયસર પહોંચી જઇ રજૂઆત કરવાની તસ્દી લેવાની રહે છે, તેને બદલે ઘેર ઘેર, શેરીએ શેરીએ, અમલદારો પહોંચીને સેવા સંબંધી કામો જાણે અને ઉકેલે, ઝડપી ઉકેલ લાવે, માર્ગદર્શન આપે તે જ સાચી રીત કહેવાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.