Madhya Gujarat

નડિયાદમાં ઉત્તરાયણની ખરીદી ન નિકળતાં વેપારીઓ ચિંતીત

નડિયાદ: ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે નડિયાદ શહેરનું પતંગ માર્કેટ હજી ઠંડુ છે. હવે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ – મોડી રાત સુધી પતંગ અને દોરીની ખરીદીનો ટ્રેન્ડ જોવા મળે છે. અગાઉ લોકો વહેલી પતંગ ખરીદી અને કિન્ના બાંધવા સહિતનું કામ ઘરે જ કરતાં. હવે બજારમાં કિન્ના બાંધેલી પતંગો તૈયાર મળતી હોવાથી છેલ્લી ઘડીએ જ ખરીદી જામે છે. આકાશને વિવિધ રંગોથી ભરી ઉજવણી કરતાં ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આવી ગયો છે. પખવાડિયા અગાઉથી જ ધાબા પર લોકો પતંગ ચગાવતાં જોવા મળે છે. ઉત્તરાયણને દિવસે મોડી સવારથી તે સાંજ સુધી પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણશે.

રાત્રિના સમયે કંદિલથી આકાશ ઝગમગી ઉઠશે. ઉંધિયા – જલેબીની જયાફતની સાથે સાથે ચીકીની મીઠાશ પણ મોંમા ભળશે. જોકે, આ વખતે કોવિડ ગાઇડ લાઇનને પગલે પહેલાંની જેમ મિત્રો અને સ્વજનોના મેળાવડા નહીં કરી શકાય. પવનની ગતિ હાલમાં સારી હોવાની ઉત્તરાયણે પણ સારો પવન રહે તેવી આશા પતંગ રસિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં બજારમાં પતંગની છૂટીછવાઇ ખરીદી જોવા મળી રહી છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણની પૂર્વ સંધ્યાથી લઇને મોડી રાત્રિ સુધી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. આ વર્ષે ફરી કોરોનાકાળ હોવાછતાં પણ પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુરૂવારે ઘરાકી જામવાની આશા
દોરી-પતંગના વેપારી હિતેશભાઈ જણાવે છે કે, નાના બાળકોથી લઈ યુવાનો, વૃધ્ધો તેમજ મહિલાઓ ઉત્તરાયણ પર્વના શોખીન હોય છે. પતંગ રસિકો મોંઘવારી અને ભાવવધારાને નજર અંદાજ કરી દોરી-પતંગની ધુમ ખરીદી કરતાં હોય છે. બજારમાં હજી જોઈએ એવી ઘરાકી જામી નથી. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પૂર્વ દિવસે ખરીદી માટે બજારમાં ગ્રાહકો ઉમટી પડશે અને દુકાનોમાં દોરી-પતંગનો માલ ખુટી પડશે.

દોરીની કિંમતમાં પણ ૫૦ થી ૧૦૦ રૂપિયાનો વધારો
પતંગ રસિકો માટે બજારમાં બરેલી, ગ્લાઈડર, ટીપુ સુલ્તાન સહિત વિવિધ વેરાઈટીની દોરીઓ વેચાઈ રહી છે. જેમાં ૬ તાર, ૯ તાર, ૧૨ તારની દોરીના ભાવ અલગ-અલગ હોય છે. આ વર્ષે આ તમામ વેરાઈટીની તૈયાર દોરીઓમાં ૧૦૦ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ દુકાનોમાં પીવડાવવામાં આવતી દોરીના ભાવમાં પણ પચાચેક રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

પતંગ દીઠ રૂ.બે થી પાંચનો ભાવ વધારો
ગતવર્ષોમાં કોરોના કાળમાં તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા. ફરીથી કોવિડ સંક્રમણની ભિતી ઉભી થઇ છે. જોકે, વિક્રેતાઓના જણાવ્યાનુસાર, કોઇપણ પરિસ્થિતી હોય – ગુજરાતીઓ ઉત્તરાયણ તો કરે જ. ૨૦૨૧ માં કોરોના કાળમાં પણ ઉત્તરાયણની તો ઉજવણી લોકોએ મનભરીને કરી જ હતી અને આ વર્ષે પણ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ખરીદી જામશે. જોકે, આ વર્ષે પતંગના ભાવમાં બે થી પાંચ રૂપિયાનો વધારો છે.

પક્ષીની સારવાર માટે હેલ્પલાઈન
ડાકોર સંકેત સુથાર ૭૦૧૬૪ ૧૬૮૮૨
જીગ્નેશ પંડ્યા ૯૮૯૮૮ ૮૫૩૧૩
ભાવેશભાઈ બાપટ ૯૮૯૮૭ ૪૮૯૩૮
પ્રફુલભાઈ ૯૦૩૩૨ ૩૬૫૬૧
કમલેશભાઈ પારેખ ૮૩૦૬૩ ૧૦૧૦૧
નેચર હેલ્પ ફાઉન્ડેશન ૭૫૬૭૭ ૨૮૯૮૬
નડિયાદ ગણપત તળપદા ૯૬૩૮૦ ૬૬૫૭૬
મુકેશ પાટીલ ૯૮૯૮૩ ૧૯૭૮૭
અતુલ પિત્રોડા ૯૪૦૯૫ ૮૧૮૭૫
પ્રકૃતિ યુથ ક્લબ ૯૪૦૯૫ ૮૧૮૭૫
જૈન એલર્ટ ગ્રુપ ૯૪૨૬૭ ૪૭૪૧૦

ખંભાતના પતંગની માંગ
ખંભાતી, ચીલ, ઢાલ, જયપુરી, ધડિયાલી સહિતની વિવિધ વેરાઈટીની પતંગોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે રૂ.૩૦માં પંજો વેચાતો હતો, તે આ વર્ષે રૂ.૪૦નો થયો છે.


સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ
પતંગ રસિયાઓ વહેલી સવારથી મોડી સાંજ સુધી પતંગો ચગાવતાં રહે છે. જોકે, પક્ષીઓ જે સમયે ખોરાકની શોધમાં નીકળે છે કે પરત જતાં હોય તે સમય દરમિયાન પતંગ ન ચગાવવા માટે અપીલ કરવામાં આવી છે. જો કોઇ ઘાયલ પક્ષી મળી આવે તો તુરંત જ જીવદયા સંસ્થાઓનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.


મોદી-યોગીના ફોટાવાળી પતંગોની ભારે માંગ
આ વર્ષે મોદી-યોગીના ફોટાવાળી પતંગોનું વેચાણ પણ ખુબ જ થઈ રહ્યું છે. તદુપરાંત આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન સહિતના સુત્રો દર્શાવતી પતંગોની પણ માંગ વધારે છે. તો વળી છોટાભીમ, મોટુ-પતલું, શીનમેન જેવા કાર્ટુનના ચિત્રોવાળી અને ફિલ્મોના કલાકારોવાળી પતંગો બજારમાં વેચાઈ રહી છે.


પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પોલીસ દ્વારા એકાદ નાનો- મોટો કેસ કરીને કામગીરીનો સંતોષ માનવામાં આવી રહ્યો છે. જોકે, જાહેરમાં નહીં પણ છાનેછપને વિક્રેતાઓ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top