વલસાડ(Valsad): વલસાડ જિલ્લામાં પ્રતિદિન કોરોના (Corona) વિકરાળ રૂપ લઈ રહ્યો છે. બુધવારે અત્યાર સુધીના એક જ દિવસમાં હાઈએસ્ટ 218 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સૌથી વધુ 124 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. વલસાડ અબ્રામાના 61 વર્ષના પુરુષ દર્દીનું મોત નીપજ્યું હતું. જોકે મરણનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ જાહેર કરાશે, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
નવા નોંધાયેલા કેસોમાં 135 પુરુષ અને 83 મહિલાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 7668 કેસ નોંધાયા છે જે પેકી 6069 સાજા થયા છે જ્યારે 1131 દર્દીઓ સારવાર હેઠળ છે. તો બુધવારે નોંધાયેલા કેસમાં 2, 6, અને 7 વર્ષના 4 બાળકો મળી 17 વર્ષની વયજુથના 6 બાળકોને પણ કોરોના સંક્રમણ લાગ્યું છે. તો છેલ્લા પાંચ દિવસમાં નોંધાઈ રહેલા કેસોમાં આખોને આખો પરિવાર પણ સંક્રમિત થઈ રહ્યો છે એ જોતાં હવે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું અનિવાર્ય થઈ પડ્યું છે. અગાઉની બે લહેરમાં કોરોનાથી બચાવ માટે આરોગ્ય વિભાગ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ઉકાળા પીવડાવ માટેના કાર્યક્રમો યોજવામાં આવતા હતા સાથે વિટામિન યુક્ત ગોળીઓ પણ આપવામાં આવતી હતી. જોકે હાલે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર હોવા છતાં પણ સરકારી તંત્ર આ મુદ્દે નિષ્ક્રિય રહ્યું છે તે આશ્ચર્ય પમાડે તેવું છે.
આખો પરિવાર, તબીબો, પોલીસ કર્મચારીઓ સંક્રમિત
બુધવારે નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકાના કલવાડામાં દંપતી અને બાળકો, વલસાડ સિવિલ મેડિકલ કોલેજના 2 તબીબ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલનો કર્મચારી, કાપરિયામાં દંપતી, વલસાડ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કર્મચારી, સરકારી વસાહત વલસાડ, ઉમરગામ પોલીસ મથક 2 પોલીસ કર્મચારી, વાપી કંપની કર્મચારી, ધરમપુર પોલીસ લાઈન કર્મચારીને પણ કોરોના સંક્રમણ લાગ્યું છે.
વલસાડ જિલ્લામાં 12 દિવસમાં કોરોનાના 1283 કેસ નોંધાયા, ત્રણના મોત
વલસાડ જિલ્લામાં 12 દિવસમાં કોરોનાના 1283 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 782 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. તો 222 લોકો સાજા થયા છે. જ્યારે નોંધાયેલા કેસોમાં 442 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમ મહિલાઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહી છે. આકડાઓ જોતા પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો ચિતાર આવી જાય છે. ત્યારે હવે જિલ્લામાં વિક એન્ડ અથવા મીની લોકડાઉન જેવા નિયંત્રણો આવી શકે છે. વલસાડ જિલ્લામાં 3 જાન્યુઆરીએ તિથલ રોડ વલસાડના 77 વર્ષના વૃદ્ધનું, ત્યાર બાદ 11 જાન્યુઆરીએ વલસાડ ટેકરા ફળિયાની 29 વર્ષની મહિલાનું અને 12 જાન્યુઆરીએ ફરી 61 વર્ષના પુરુષ દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે.
નવસારી જિલ્લામાં ફરી કોરોનાના કેસોમાં વધારો
નવસારી જિલ્લામાં ફરી કોરોનાના કેસોમાં વધારો થયો હતો. જિલ્લામાં રેકોર્ડ બ્રેક નવા 147 કેસો કોરોનાના નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંકડો 8 હજારને પાર થયો છે. જેમાં 25 વિદ્યાર્થીઓ અને 3 બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે આજે 45 દર્દીઓ સાજા થતા હાલ જિલ્લામાં 520 એક્ટિવ કેસો છે.
નવસારી જિલ્લામાં હાલ દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. ગત સોમવારે કોરોનાનાએ સદી મારી હતી. જયારે ગત મંગળવારે કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ બુધવારે ફરી કોરોનાએ સદી મારી છે. આજે કોરોનાના નવા રેકોર્ડ બ્રેક 147 કેસો નોંધાયા છે. જેમાં 11 થી 20 વર્ષના 25 વિદ્યાર્થીઓ અને 5 થી 10 વર્ષના 3 બાળકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના નોંધાયેલા 147 કેસો પૈકી નવસારીમાં 46, જલાલપોર તાલુકામાં 36, ગણદેવી તાલુકામાં 23, ચીખલી તાલુકામાં 19, વાંસદા તાલુકામાં 15 અને ખેરગામ તાલુકામાં 8 કેસ નોંધાયા છે.
નવસારી જિલ્લામાં કોરોનાના કુલ 8064 કેસો નોંધાયા છે. જ્યારે આજે જિલ્લામાં 45 કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા હમણાં સુધીમાં કુલ 7346 દર્દીઓ સાજા થયા છે. તો જિલ્લામાં હમણાં સુધી 198 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જેથી હાલ જિલ્લામાં 520 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
નવસારી જિલ્લામાં 1168 બેડના 254 આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા
નવસારી જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગત 5મી જાન્યુઆરીથી કોરોનાએ જિલ્લામાં રફ્તાર પકડી છે. જિલ્લામાં નાના બાળકોથી લઈ વૃધ્ધો સહિતના લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ગત 5મી જાન્યુઆરીથી આજે 12મી જાન્યુઆરી સુધીમાં 536 કોરોનાના કેસો નોંધાયા છે. જેથી નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર સહિત વહીવટ તંત્ર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સજ્જ બની ગયું છે. હાલ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 273 આઇસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના 13 વોર્ડમાં 13 આઇસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જયારે તાલુકા મુજબ જોઈએ તો નવસારી તાલુકામાં 185 બેડના 37 આઇસોલેશન સેન્ટરો, જલાલપોર તાલુકામાં 200 બેડના 22 આઇસોલેશન સેન્ટરો, ગણદેવી તાલુકામાં 128 બેડના 65 આઇસોલેશન સેન્ટરો, ચીખલી તાલુકામાં 340 બેડના 68 આઇસોલેશન સેન્ટરો, વાંસદા તાલુકામાં 60 બેડના 11 આઇસોલેશન સેન્ટરો અને ખેરગામ તાલુકામાં 255 બેડના 51 આઇસોલેશન સેન્ટરો સેન્ટરો ઉભા કરાયા છે.