ગાંધીનગર(Gandhinagar): ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાને (Snowfall) પગલે ગુજરાતમાં (Gujarat) તેની અસર જોવા મળી રહી છે. ગુજરાત હાલમાં કોલ્ડ વેવની (Coldwave) ઝપેટમાં આવી ગયું છે. હજુયે આગામી 24 કલાક માટે ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર રહેશે. બુધવારે (Wednesday) કચ્છના નલિયામાં ગાત્રો થીજાવતી 5 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. કાતિલ ઠંડીની અસર હેઠળ ગુજરાતમાં તીવ્ર ઠંડીના કારણે જનજીવનને અસર થઈ છે.
નલિયામાં 5 ઉપરાંત ગાંધીનગરમાં 8 તેમજ ડીસા તથા વડોદરામાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. કચ્છ, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીની અસર વર્તાઈ રહી છે. 24 કલાક બાદ ઠંડીના પ્રમાણમાં 2થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 10.1 ડિ.સે., ગાંધીનગરમાં 8 ડિ.સે., ડીસામાં 9 ડિ.સે., વડોદરામાં 9 ડિ.સે., સુરતમાં 11 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 10માં ડિ.સે., નલિયામાં 5 ડિ.સે., અમરેલીમાં 10 ડિ.સે., ભાવનગરમાં 10 ડિ.સે., રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 9 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
નવસારીમાં પારો દોઢ ડિગ્રી ગગડીને 11 ડિગ્રી, હાડ થીજવતી ઠંડી યથાવત
નવસારીમાં બુધવારે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાતા 11 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ નવસારીમાં હાડ થીજવતી ઠંડી પડી છે. નવસારીમાં ગત રવિવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા સાથે ઠંડીમાં વધારો થયો હતો. ત્યારે ગત સોમવારે લઘુત્તમ તાપમાન વધુ 6 ડિગ્રી ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થયો હતો. જેથી ઠંડીનો પારો 12.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ નવસારીમાં થીજવતી ઠંડી યથાવત જ રહી હતી. ત્યારે બુધવારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો થયો હતો. તો બીજી તરફ દિવસ દરમિયાન ફુંકાતા પવનોને લીધે લોકો સ્વેટર પહેરી ફરી રહ્યા હતા. દિવસ દરમિયાન તો ઠંડીનો અનુભવ થતો હોય છે. જ્યારે રાત્રી દરમિયાન સુસવાટા ભર્યા પવનો ફુંકાતા હોવાથી લોકો ઘરમાં પણ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. જ્યારે યુવાનો તાપણુનો સહારો લઇ ગરમાટો લેતા હોય છે.
બુધવારે મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધતા 26.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી ગગડતા 11 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 93 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 48 ટકા જેટલું નીચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 7.1 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.