SURAT

નવસારીની પૌંઆ મિલના માલિકો અને પાલ કોટનના માજી પ્રમુખ જયેશ પાલ સામે ગુનો દાખલ કરવા માંગ

સુરત: (Surat) સુરતની એક સમયની સૌથી સમૃધ્ધ મંડળી ગણાતી પાલ ના અગાઉના વહિવટકર્તાઓ દ્વારા નવસારીની પૌંઆ મિલના (Mill) માલિકને આપેલા 24 કરોડના ડાંગરની રકમ વસૂલવા સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) ધ્રુવીન પટેલ દ્વારા પાલ કોટનમાં ઇન્સ્પેકશન કરાવવાનો ઓર્ડર (Order) કરવામાં આવ્યો છે. ખેડુતોએ મંડળીમાં ભરેલા ડાંગરના 24 કરોડની વસુલાતની જવાબદારી ફિક્સ કરવા કલમ ૮૮ હેઠળ જિલ્લા રજિસ્ટ્રાર એ તપાસ શરૂ કરાવી છે.

આ ઇન્સ્પેકશન દરમિયાન આજે પાલ કોટન (Cotton) મંડળીના મેનેજર સુરેશ ભવન પટેલે મંડળી પાસેથી 24 કરોડનું ઉધાર ડાંગર લઈ બે વર્ષ કરતા વધુ સમય થી ચૂકવણું નહીં કરનાર સાઈ હસ્તી પ્રોડક્ટ પૌંઆ મિલના માલિકો પ્રેગ્નેશ રમેશચંદ્ર નાયક (રહે.સુપા-કુરેલ બારડોલી-નવસારી રોડ,નવસારી),મોના પ્રગનેશ નાયક અને પાલ કોટનના માજી પ્રમુખ જયેશ શંકરભાઇ પટેલ સામે મંડળીના 25 કરોડ અને વ્યાજ સાથે 27 કરોડ ડૂબાડવા માટે ઇપીકો કલમ 406,420,409,120(બી),અને 34 હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે. પાલ કોટનના ગત ટર્મના શાસકો દ્વારા નવસારીની એક જ પૌંઆ મિલના માલિકને 24 કરોડની ડાંગર આપવામાં આવી હતી. જેને પૌઆમાં તબદીલ કરી મિલ માલિકે ડીલરોને ક્રેડિટ પર વેંચતા 2020માં કોરોનાને લીધે પૌઆ મિલનો માલિક રિકવરી કરી શક્યો ન હતો.તેને લીધે પાલ કોટન મંડળીના ખેડૂતોની 24 કરોડની રકમ ફસાઈ છે. જેને લીધે મંડળી ખેડૂતોએ નાખેલા ડાંગરના નાખેલા રૂપિયા ચૂકવી શક્તી નથી.

ઓલપાડ વિસ્તારના ખેડૂતો ઉનાળુ અને શિયાળું ડાંગરનું જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે આવેલી મંડળીઓમાં વેચાણ કરે છે. અત્યાર સુધી પાલ કોટન મંડળીમાં સૌથી વધુ ડાંગરની આવક થતી હતી, પરંતુ બે વર્ષે પહેલા પાલ કોટન મંડળીના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ એક જ વેપારીને મોટા પ્રમાણમાં ડાંગરનો જથ્થો આપી દીધો હતો.તે પછી ખેડૂતોનો વિશ્વાસ તૂટતાં હવે ડાંગરની આવક પણ 70 ટકા ઘટી છે. ડાંગરના બદલામાં વેપારીએ ચેક પણ આપ્યા હતા અને ડાંગરનું પેમેન્ટ આપવા માટે જે વાયદો કર્યો હતો તે પૂરો કરી શક્યો નથી.

જયેશ પાલ ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ હોવાથી રાજકીય વેરઝેર હેઠળ તેમનો હિસાબ ચૂકતે કરવા આ કેસમાં ચાર્જ ફ્રેમ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઇ ફ્રેડ કોરિડોર, એક્સપ્રેસ હાઇવે સહિતના જમીન સંપાદન મામલામાં ખેડૂતો તરફી આંદોલન તેઓ લાંબા સમયથી ચલાવતા આવ્યા છે. તેને લીધે સરકારની નજરમાં તેઓ લાંબા સમયથી ખટકતા હતા. તે જોતા તેમને સંદીપસિંહ મંગરોલાની જેમ કાનૂની ડાવપેચમાં ખેંચવા રાજકીય દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે.સહકારી અધિનિયમ 1976 હેઠળ સહકારી મંડળીઓના કોઈપણ નીતિ વિષયક નિર્ણય માટે સમગ્ર બોર્ડ જવાબદાર ઠરે છે છતાં માત્ર એક ડાયરેક્ટર જયેશ પાલ વિરૂદ્ધ ફરિયાદ મેનેજરે આપી છે.

Most Popular

To Top