Business

પગે લાગ્યા પછી….!

મારા સુપુત્ર સાથે હું  એક સાહેબને તેમની ઓફિસે મળવા ગયો. સાહેબ ઓફિસમાં ખુરશીમાં બેઠા હતા.મેં મારા દીકરાને સાહેબને પગે લાગવાનું  (પ્રણામ કરવાનું) કહયું પણ તે પહેલા મેં દીકરાને પૂછ્યું કે સાહેબને પગે લાગતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. દીકરાએ કહ્યું, ઊભા થતી વખતે માથું ટેબલમાં ન ભટકાઈ જાય તે! અહીં પગે લાગવા બાબતે મને દીકરા પાસેથી અનોખું જ્ઞાન મળ્યું. અમારા એક વડીલે મને કહ્યું કે કોઈને પગે લાગવાથી આપણા અહમ્ ઘટે છે. મેં કહ્યું,પણ સામેવાળાનો વધે એનું શું ? અમુકને તો પગે લાગવાને બદલે પગે મારવા જેવા હોય છે. હવે પગે લાગવાનું ચલણ ઘણું ઓછું થતું જાય છે.

બાકી અમે નાના હતા ત્યારે બા-બાપુજી સાથે કોઈ સગાસંબંધીને ઘેર ગયા હોઈએ કે સારા-માઠા પ્રસંગે તેમની સાથે ગયા હોઈએ ત્યારે તો વડીલોને પગે લાગી લાગીને કમર દુઃખી જતી. જે કોઈ વડીલને પગે લાગીએ એટલે તેઓ રોકડા આશીર્વાદ આપતા, બેટા સો વર્ષનો થજે, સુખી થજે. પણ સુખી થવાના આશીર્વાદ મેળવવામાં જ દુઃખી થઈ જતા.કિશોરાવસ્થામાં અમે બાપુજી ને પૂછેલું કે કોને કોને પગે લાગવું જોઈએ.તો બાપુજીએ સરળતાથી સમજાવ્યું કે જેના માથામાં અને મૂછમાં થોડા ઘણા ધોળા વાળ દેખાતા હોય તેમને પગે  લાગવું. તે વડીલ કહેવાય. તેથી અમે આખો દિવસ વડીલોની મૂછો અને વાળ જ જોયા કરતા. ત્યારે કેશમાં કાળા ધોળા કરવાનો કુરિવાજ વડીલોમાં  વકર્યો નહોતો. અલબત્ત શરૂઆત થઇ ચૂકી હતી. તેથી કોઈક કોઈક વડીલ કાળાધોળા કરતા. તેથી કોઈક કોઈક વડીલો કાળા વાળ અને કાળી મૂછોવાળા જોવા મળતા. અમે તેમને પગે ન લાગતા તેથી તેમને માઠું લાગી જતું.

તેઓશ્રી કહેતા, અત્યારના છોકરાઓમાં વિવેક જેવો છાંટો નથી. કેટલાક વડીલો આશીર્વાદ આપવા માટે એટલા બધા ઉત્સુક રહેતાં કે આપણા ખિસ્સામાંથી બે’ક સિક્કા કે બોલપેન નીચે પડી જાય અને તે લેવા નીચા નમીએ તો ય ત્રણ-ચાર વડીલો યુદ્ધના ધોરણે હાથ ઊંચા કરી આશીર્વાદના અમી વરસાવી દેતા. કેટલાક વડીલોને પગે લાગીને આપણે પુન: મૂળ સ્થિતિમાં આવીએ એટલે કે ઊભા થઈએ કે તરત જ  ભાવપૂર્વક ભેટી પડતા. એમનો ભાવવધારો એટલો બધો રહેતો કે અમારાથી ખમી ન શકાતો કારણ કે એક વાર ભેટી પડ્યા પછી તેઓ ઘડીકમાં છોડતા નહીં.

એમની લાગણી, ‘સર આંખો પર’ પણ તકલીફ એ થતી કે ગામડા ગામમાં પ્રસંગમાં ગયા હોઈએ ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જેમ પાણી ભરેલું નવું માટલું ઝમે એમ વડીલશ્રીઓ પરસેવાથી નિતરતા હોય તેમાંના કોઈ અતિ પ્રેમાળ વડીલને પગે લાગીએ ત્યારે તે બાથ ભરીને ભેટી પડતા. એટલું જ નહીં પણ ઘણી વાર સુધી બાથ ભરી રાખતા ત્યારે ‘ખુશ્બૂ ગુજરાત કી’ ને કારણે લગભગ ચક્કર આવી જતા. તે ખુશ્બુ સીધી જ મગજમાં ચડી જતી અને આખો દિવસ તે વાસ જ આવ્યા કરતી તેથી માથું ચડી જતું. કેટલાક આનાથી ય આગળ વધીને બૃહદ બાથ ભરીને ઉપરથી અમારા વાંસામાં પ્રેમપૂર્વક ધબ્બા મારતા.

એવા સમયે અમે કિશોરાવસ્થામાં હોઈએ, શરીર નાજુક હોય અને વડીલનું  શરીર ઊર્જાથી ફાટફાટ થતું, વધીને વટવૃક્ષ બની ચુક્યું હોય. આવા ખાધેલપીધેલ વડીલના હાથ દ્વારા  અમારા વાંસામાં પ્રેમપૂર્વક પડતા ધબ્બા અમને પ્રહાર જેવા લાગતાં અને વાંસો સમીસમી ઉઠતો. આ સમયે અમારા વાંસામાં ધબ્બા-ધબ્બી કરનાર વડીલને અમે ઊંચા અવાજે રડીને કહી શકતા નહીં કે કાકા/દાદા મૂકી દયો..ઓ..ઓ. ઓ…,  હવે પછી કોઈ દી’  પગે નહીં લાગુ..ઉ..ઉ. ,મૂકી દ્યો..ઓ..ઓ.. ,કોઈ દી..ઈ..ઈ.. નહીં કરું…..  આવા માઠા અનુભવોને કારણે કેટલાક વડીલની કાળમીંઢ જેવી કાયા જોઈને અમે પગે લાગવામાં પીછેહઠ કરતા. ત્યાં તો બાપુજી જાતે અમારો હાથ પકડીને તેની પાસે લઈ જતા અને કહેતા,આમને ઓળખ્યા બેટા..આ,આ બળવંતકાકા. આટલું સાંભળીએ એટલે અમને ખ્યાલ આવી જતો કે બળવંતકાકાનો ચરણ સ્પર્શ કરવાની વસમી ઘડી આવી પહોંચી છે છતાં અમે આંખ આડા કાન કરતા, જેટલું થાય તેટલું કરતા પણ ચરણસ્પર્શ ન કરતા.

ત્યારે બાપુજી કહેતા, અરે બેટા બળવંતકાકાને પગે લાગ. અમે પિતાજીની આજ્ઞા માનીને પગે લાગતા. જેવાં પગે લાગીને ઉભા થતા કે બળવંતકાકા બમણા ભાવ વધારા સાથે એવા ભેટી પડતા અને વાંસામાં ચાર પાંચ ધબ્બા મારતા ત્યારે અમારી કરોડરજ્જુ અને ચેતાતંત્ર વચ્ચેનો સંદેશાવ્યવહાર ખોરવાઈ જતો. અમારી દશા એવી કફોડી થઈ જતી કે વખત આવ્યે આભને પણ ટેકો દયે એવા બાપુજી પણ દીકરાને બળવંતકાકાની બાથમાંથી છોડાવી શકતા નહીં. આવા વડીલને ઉનાળામાં પગે લાગ્યા પછી તરત જ નહાવું પડતું. તેઓ જ્યારે વધારે પડતા ભેટી પડતા તેને કારણે કેટલીકવાર અમે માંદા પડી જતા. અઠવાડિયું તાવ આવતો અને ભલભલા ડોક્ટરો, સર્જનો પણ નિદાન કરી શકતા નહીં કે આ તાવનો વાયરસ ક્યો છે. અમારી ઉંમરનાને કોરોના કાંઈ નથી કરી શક્યો તેનું એક કારણ આ પણ છે કે  કિશોરાવસ્થામાં વડીલોના વાઇરસ સામે લડ્યા પછી અમારી રોગપ્રતિકારક શક્તિ એટલી બધી વધી ગઈ છે કે ઓમિક્રોનના બાપને ય મચક ન આપે.      

 કેટલાક વડીલો એવા પણ હતા કે તેમના શરીર ઉનાળામાં પણ પરસેવાને કારણે હિમાલયની જેમ નિતરતા નહોતા. પરસેવાનું પ્રમાણ બહુ ઓછું રહેતું પણ તેમાંથી કેટલાક એવા હતા કે આપણે પગે લાગીને ઊભા થઈએ એટલે લાગણીઓ પરનો કાબૂ ગુમાવીને જેમ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર ભીમના લોખંડી પૂતળાને ભેટી પડયા’તા એવા ઉત્સાહથી ભેટી પડતાં. તેથી અમારા મોંમાંથી ‘ઓય માડી..ઈ..ઈ.. ‘ એવી ચીસ નીકળી જતી એમની સાથેની ભેટ પૂરી થયા પછી લગભગ ત્રણ-ચાર દિવસ હાડકા દુખતા. પણ આ દુ:ખ એવા હતા કે કોઈને કહી શકાતા નહીં. ત્યારે પેલું ભજન યાદ આવી જતું……. રોઈ રોઈ કોને સંભળાવું તોળાદે, આવા દુઃખ કોની આગળ ગાઉ, એમ જાડેજો કહે છે, રુદિયો રુવે ને માંહ્યલો ભીતર જલે….તે જમાનામાં પગે લાગવું એ કાંઈ કાચા પોચાનું કામ નહોતું. એમાં તો છપ્પનની છાતી જોઇએ. કિશોરાવસ્થામાં આપણે છપ્પનની છાતી હોય નહીં ને તેમાં સામે છપ્પનની છાતીવાળા ભેટે એટલે અમારી છાતીના પાટિયા બેસી જતા.

તે સમયે આજની જેમ કોઈ વડીલ સાથે હાથ મિલાવીને અથવા દૂરથી વેવીંગ કરીને ‘હાય હેલ્લો’ કરીએ એવું ન ચાલતું. એ તો અવિવેક ગણાતો. તેથી વિવેકના વાવેતર કર્યા વિના છૂટકો નહોતો પણ વિવેકના વાવેતર કરવામાં આ દેહરૂપી ખેતર ધોવાઈ જતું. આ સમસ્યાથી છૂટકારો મેળવવા ઘણી વાર મજબૂત વડીલને જોઈએ એટલે દૂરથી નીચા નમી તેમના ચરણને અમારી આંગળીઓ અડે ન અડે ત્યાં તો હાથ પાછો ખેંચી ઝડપથી ઊભા થઈ સોશિયલ ડિસ્ટન્સ સાધી લેતાં. તેને કારણે આ સમસ્યામાંથી આંશિક છુટકારો મળતો પણ કેટલાક વડીલો તો આપણે દૂર ઊભા હોઈએ તો હાથ પકડીને ખેંચી લેતા અને કહેતા, અરે બેટા, આઘો કેમ ઊભો છે, અહીં આવ, અહીં આવ, મારો દીકરો અહીં આવ. 

તેમ છતાં આપણે નજીક ન જઈએ તો તેઓ નજીક આવતાં અને જેમ ગ્રહણ વખતે રાહુ ચંદ્રને ગળી જાય એમ બાથ ભરી અને ભેટતા. ઘણી વાર કોઈ વડીલ અમને અહીં આવ બેટા, અહીં આવ એવું કહેવા છતાં અમે તેના તરફ ધ્યાન ન દેતા ત્યારે ફરી પાછા બાપુજી હાથ પકડીને કહેતા, જો બેટા, ઓલા ઘેલાદાદા તને ક્યારના બોલાવે છે એટલે આપણે  ઘેલાદાદા સામે ફરજિયાત હસવું પડતું. તે સાથે જ ઘેલાદાદા ઘેલા થઇ ને ભેટી પડતાં અને કહેતા, અરે બેટા, કેવડો મોટો થઈ ગયો! વખતને જતા ક્યાં વાર લાગે છે. છ મહિનાનો હતો ત્યારે તને જોયો હતો ને હવે તો તેર વર્ષનો થઈ ગયો. આમ કહી ભારપૂર્વક(હા, ભારપૂર્વક) ભેટી પડતાં. તેથી અમારા શરીરમાં દર ચો.સેમી પર સો સો કિલોનું દબાણ સર્જાતું. ત્યારે મનોમન કહેવાય જતું કે દાદા આ રીતે ભેટશો તો હું તેરનો થયો પણ ચૌદનો નહીં થાઉ. એ સમય વડીલોને પગે લાગવાનો હતો અને વડીલો ભેટી પડતા. આજની પેઢી વડીલોને સામા પગે લગાડે એવી છે એટલે જ કહ્યું છે ને; ‘સમય સમય બળવાન હે, નહીં વડીલ બળવાન.’

ગરમાગરમ:-

આપણા સાયન્ટિસ્ટસ બહુ ભલા! એમણે આપણી ખૂબ કાળજી રાખી છે. ‘આપણું હૃદય કેટલું અને કેવું ધબકે છે’ તે જાણવા માટે કાર્ડિયોગ્રામ મશીનની શોધ કરી પણ કોના માટે ધબકે છે એ બતાવતા મશીનની શોધ ન કરી.( નહિ તો આપણા વાંહા ભાંગી જાત.)જય હો સાયન્ટિસ્ટસ.

Most Popular

To Top