તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીની પંજાબ યાત્રાના નામે મોદીએ સ્વયમ્ અને ભાજપે દેશભરમાં હોબાળો મચાવ્યો છે. સંપૂર્ણ બહુમત ધરાવતી સરકાર હોય અને પ્રધાનમંત્રીને ચૂંટણી સભા સંબોધ્યા વિના જ અડધેથી પાછા ભાગવું પડે એવું તો મોદીના શાસનમાં જ બની શકે! મોદી ત્રાગડા અને નાટકો કરવામાં નં. ૧ છે એ હવે આખી દુનિયા જાણે છે. એમણે ખેડૂતોએ રસ્તો અવરોધ્યો હોવાનું જે નાટક રચ્યું તેનો પૂરો પર્દાફાસ ગુ.મિત્રમાં સમકિત શાહે તા. 7.1.22 ના લેખમાં કર્યો છે. દેશના લોકો પણ એમની મેલી મથરાવટી પામી ગયા છે. એમણે દોષનો આખો ટોપલો પંજાબ (કોંગ્રેસ)ની રાજય સરકાર ઉપર ઠાલવ્યો છે. આપણા દેશમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પ્રધાનમંત્રીના હાથ નીચેનું સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ કરતું અને રાખતું હોય છે. જે રાજયની મુલાકાતે તેઓ જાય ત્યાંની પોલીસ અને રાજય સરકાર માત્ર સહાયકની ભૂમિકા ભજવે છે. આવા વીઆઇપીઓની સુરક્ષા ત્રિચક્રીય સ્તરની હોય છે. એમની આજુબાજુ હરપલ 200 થી વધુ કમાન્ડો જવાનો હાજર રહે છે.
એમના ઘેરામાં ચકલુંયે ફરકી શકે નહીં એવી જડબેસલાક વ્યવસ્થા હોય છે એ જોતાં મોદીના કાફલા સાથે બનેલી ઘટના ગોઠવેલું નાટક લાગે છે. જે બન્યું તે સત્ય હોય તો એના માટે મોદી અને ભાજપ જવાબદાર છે. એમણે ખેડૂત આંદોલનકારીઓ માટે વાપરેલા શબ્દો ગદ્દાર ખાલીસ્તાનવાદી,દેશદ્રોહી વિ. પંજાબીઓ ભૂલે ખરા? અને દોઢ વર્ષ ચાલેલા ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતો મર્યા એમના પ્રત્યે મોદીએ કે ભાજપે કોઇ સંવેદના બતાવી નથી કે વળતર આપ્યું નથી તેથી પંજાબીઓ એમને માફ કરે એમ નથી. મોદી પ્રજાના દિલ જીતવાનાં પગલાં ભરે એ જરૂરી લાગે છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.