Comments

તે કાકાનો હનુમાન હતોઃ કાકા ઊઠે તે પહેલાં બંગલે હાજર, સૂઈ જાય પછી બંગલો છોડવાનો

આપણે ત્યાં મોટા માણસની વાતો ખૂબ લખાય છે અને તેની ચર્ચા પણ થાય છે, પરંતુ દરેક મોટા માણસને મોટો બનાવવામાં અને તેમને મોટા રાખવા માટે એક સામાન્ય માણસ હોય છે,  તેની નોંધ ભાગ્યે જ લેવાય છે. આવું જ એક નામ છે શેતલ પંડયા. મૂળ કલોલની વતની, નાનપણથી રાષ્ટ્રીય સેવક સંઘ સાથે લગાવ, જેના કારણે વિવિધ પ્રસંગે કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને મળવાનું થતું. શેતલના ઘરની સ્થિતિ સામાન્ય, 1995 માં ભાજપની પહેલી વખત સરકાર બની, મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ આવ્યા, તેમનો અંગત સ્ટાફ લેવાનો હતો, નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આવ્યું કે શેતલને નોકરીની જરૂર છે. તેમણે શેતલ પંડયાને કેશુભાઈ પટેલના અંગત સ્ટાફમાં કલાર્ક તરીકે નિયુકિત કરી. મુખ્યમંત્રી સાથે એકસો કરતાં વધુનો સ્ટાફ હોય છે, પણ કોણ જાણે કેશુભાઈ પટેલને શેતલનું કામ જચી ગયું. કેશુભાઈ પટેલની નાની નાની બાબત શેતલના ધ્યાનમાં હોય, તેમની આંખ ફરે અને શેતલ તેમના મનને કળી જતો.શેતલ પંડયા 1995 થી 2021 સુધી કાકાના નિધન સુધી તેમનો અંગત સહાયક રહ્યો.

કલાર્ક તરીકે જોડાયેલા શેતલને હવે કેશુભાઈ પટેલના અંગત સહાયક તરીકે મૂકવામાં આવ્યો અને શેતલ કેશુભાઈના જીવનનું અભિન્ન અંગ બની ગયો. તે તમામ સ્થળે કેશુભાઈના પડછાયાની જેમ જોવા મળે છે. થોડીક ક્ષણ માટે પણ જો શેતલ પોતાની દૂર થાય તો તે કેશુભાઈ પટેલને પણ પસંદ ન્હોતું કદાચ પરિવારના કોઈ એક સભ્ય કરતાં પણ વધુ શેતલ કેશુભાઈને સમજવા લાગ્યો હતો, કેશુભાઈ પટેલને નજીકના લોકો કાકા કહી સંબોધતા હતા. શેતલ કહે, કાકા મુખ્યમંત્રી હોવા છતાં તેમનો જીવ તો નાના માણસમાં હતો., એક દિવસ જનસંપર્કમાં એક 70 વર્ષના માજી આવ્યાં. તેમની ફરિયાદ હતી કે તેમના દીકરાઓએ તેમની સહી લઈ માજીનું મકાન પોતાના નામે કરાવી લીધું અને માજીને કાઢી મૂકયાં, ત્યાં હાજર અધિકારીઓએ માજીની ફાઈલ જોઈ મુખ્યમંત્રીને કહ્યું, સાહેબ, આમાં કંઈ થઈ શકે નહીં. કાયદેસર હવે માજીનાં સંતાનો જ ઘરના માલિક છે. કેશુભાઈનો પીત્તો ગયો. તેમણે કહ્યું, અરે ભાઈ, માણસ કાયદા માટે છે કે કાયદો માણસ માટે કંઈ પણ કરો આ માજીને પોતાનું ઘર પાછું મળે કે નહીં પણ તેમના રહેવાની વ્યવસ્થા થાય તે જોવાની જવાબદારી આપણી છે, આખરે સંબંધિત કલેકટર દ્વારા માજીને પોતાનું ઘર પાછું મળ્યું.

શેતલ કહે છે મુખ્યમંત્રીના રસાલામાં અંગત સ્ટાફ સહિત મોટો પોલીસ કાફલો હોય છે, પણ કાકા તેમની પણ ચિંતા કરતા હતા. એક દિવસ અમે પ્રવાસમાં હતો, સતત સભાઓ ચાલી રહી હતી, જેના કારણે એક સ્થળે બીજા સ્થળે ભાગવું પડતું હતું. હું કાકાની કારમાં હતો. રાતના 11 વાગી રહ્યા હતા, તેમણે મને પૂછયું, શેતલ તમે બધા જમ્યા કે નહીં. મેં કહ્યું ના હવે રાતે ઘરે જઈને જમીશું,  તેમણે તરત કારના ડ્રાઈવરને કહ્યુ હાઈવે ઉપર પહેલી હોટલ આવે ત્યાં કાર ઊભી રાખજો અને હાઈ વે ની હોટલમાં અમારો રસાલો રોકાયો. કેશુભાઈએ કહ્યુ હું કારમાં જ બેઠો છું, તમે બધા જમી લો અને તમામ સ્ટાફ અને સલામતી રક્ષકો હોટલમાં જમ્યા હતા, શેતલ કહે છે લીલાબાના અવસાન પછી કાકા માનસિક રીતે એકલા પડી ગયા હતા, બે દાયકાથી રાજકારણ સાથે સીધો સંબંધ તૂટી ગયો હતો પણ કોરાનો આવ્યો ત્યારે તેમણે શેતલને બોલાવી કહ્યું, ગાંધીનગરની હોસ્પિટલમાં કેટલા આઈસીયુ-ઓકસીઝન અને વેન્ટીલેટર બેડ છે તેની તપાસ કરી મને કહે કારણ કોઈ માણસ આપણી પાસે મદદ માંગવા આવે ત્યારે આપણી પાસે પૂરતી વિગત હોવી જોઈએ.

લીલા બા સાથે તેમનો દિવસ સવારની પહેલી ચ્હાથી શરૂ થતો, સવારે કાકા અને બા એક જ ચ્હામાંથી અડધી અડધી ચ્હા સાથે પીતા, પણ બા ગયા પછી કાકા અંદરથી ભાંગી ગયા હતા, જેના કારણે મારે તેમની સાથે સતત રહેવું પડતું હતું, કાકા સવારે ઊઠે તે પહેલાં બંગલે હું પહોંચી જતો અને રાતે સૂઈ જાય પછી જ હું નીકળતો હતો, સવારના નાસ્તામાં તેમના માટે ઓલ ટાઈમ ફેવરીટ ગાંઠિયા હતા અને જમવામાં દાળ તેમની પ્રિય હતી, કયારેક શેતલ કોઈની   પણ સાથે ગુસ્સામાં વાત કરે તો તે શેતલને સમજાવતા કે આપણે આપણું સારાપણું નહીં છોડવાનું કોઈ માણસ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે અને તેવો જ વ્યવહાર આપણે તેની સાથે કરીશું તો જગતમાં સારા માણસોની સંખ્યા ઘટતી જશે, જયારે કોઈ માણસ તેમની સાથે ખોટું બોલે ત્યારે પહેલાં તો નારાજ થતાં અને થોડી વાર પછી તેને બોલાવી સમજાવતા કે ખોટું લાંબો સમય ટકતુ નથી એટલે જુઠને ટાળી શકાય તો તેવો પ્રયત્ન કરવો

કેશુભાઈ સાથે શેતલનો નાતો ભગવાન અને હનુમાન જેવો હતો. 25 વર્ષ સુધી કેશુભાઈ પટેલના અંગત સહાયક તરીકે કામ કરનાર શેતલ પંડયાએ કયારેય કેશુભાઈના સહાયક તરીકે નોકરી કરે છે તેવો ભાવ આવવા દિધો નથી, કાકાના અનેક સારા માઠા પ્રસંગનો શેતલ સાક્ષી છે, પણ કયારેય કોઈની સામે મોઢું ખોલ્યું નથી. કેશુભાઈ નારાજ થાય તો કયારેય તેને માઠુ લાગ્યુ નથી. ઓકટોબર 20 માં કેશુભાઈનું નિધન થયું, શેતલ પંડયાએ જાણે પોતાનું સ્વજન ગુમાવ્યુ તેવો ભાર તેના મન ઉપર હાવી થયો આજે કાકાની વિદાયને બે વર્ષ થાય શેતલ પોતાની મુળ સરકારી નોકરીના સ્થળે પરત ફર્યો છે, પણ શેતલ કહે છે કાકા નથી તેની સૌથી મોટી ખોટ મને પડી છે, કાકાની સાથેની જીંદગીમાં શીડયુલ ટાઈટ હતું આજે મને લાગે છે કે મારી જિંદગી  ખોરવાઈ ગઈ છે. આવા અનેક શેતલ પંડયાઓ આપણા નેતાઓની આસપાસ હોય છે પણ નેતાઓને નજીકથી જોનાર પત્રકારો પણ તેમની અને તેમના કામની ભાગ્યે જ નોંધ લેતા હોય છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top