ખંભાત : આ વખતે ઉત્તરાયણ પહેલા ઠંડીની સાથે સાથે સુસવાટા મારતા પવનોનો માહોલ જોતાં ખંભાતના આકાશમાં તેમજ રાજયભરમાં પણ પતંગોની રંગોળી રચાય તેવું લાગી રહ્યું છે. શહેરના મુખ્ય બજારો સ્ટેશન રોડ, ગવરા રોડ, ચકડોળ મેદાન, લાલ દરવાજા જેવા વિસ્તારો તો ઠીક સોસાયટીઓ સુધી પતંગ વેચતા સ્ટોલ ઊભા થયા છે. રાજયભરના પતંગ રસિકો ખરીદી માટે ઉમટી પડ્યા હોય ઠેર ઠેર ટ્રાફિક જમના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ખંભાત શહેરમાં રવિવારના દિવસથી ખરીદી જોર પકડ્યું હતું. જે અંતિમ દિવસોમાં ઘોડાપૂર જેવુ જોવા મળ્યું છે. ઠેર ઠેર મોડી રાત સુધી પતંગની ખરીદી જોવા મળી રહી છે. ખંભાતી પતંગની માંગ વિશ્વ ફલકે વિસ્તરી છે. દેશ-વિદેશ સહિત સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, જંબુસર, ભરૂચ, રાજકોટ, આણંદ, નડિયાદ જેવા શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ વધી છે. જેને કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થઈ રહી છે. ખંભાતના ઉત્પાદકો વર્ષે પાંચ કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા. આ વર્ષે આઠ કરોડથી વધુ પતંગો બનાવવામાં આવી છે.
જેનાથી ખંભાતમાં 50 કરોડ જેટલો ટર્ન ઓવર થશે. રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ 8થી 12 હજાર જેટલાં પતંગ રસિકો, ઉત્પાદકો ખરીદી માટે આવતા હોય છે. કલાત્મક પતંગ નિર્માણમા સમગ્ર ગુજરાતમાં ખંભાતી પતંગ ઊંચાઈએ ગણાય છે, જેના નિર્માણની કામગીરી ઉત્તરાયણના 15 દિવસ બાદ જ નવા પતંગો બનાવવાનું શરૃ થઈ જાય છે. ખંભાત ખાતે ચાલુ વર્ષે પતંગ સાહસિકોએ અનેકાનેક પ્રકારની કલાત્મક પતંગો વેચાણ અર્થે બજારમાં મુકેલ છે. જેમાં મુખ્યત્વે પડી પતંગ, ચાંદપડી, લાડવેદાર, દીલવડી, સમડી, પોપટ, કમળ, પ્લેન, પાનટોપેદાર, ચાંદદાર મુખ્ય રહેવા પામેલ છે. તેજ પ્રકારે મેટલ પતંગમાં પણ પડી, પોપટ, ચકલી જેવી અનેક વેરાયટીઝ બજારમાં આવી ચૂકેલ છે. ચાલુ વર્ષે ખંભાતમાં પતંગોની વેરાઇટીમાં વિવિધ પક્ષીઓના આકારો,ફિલ્મ કલાકારોના ફોટાવાળી તેમજ કલરીગ વિવિધ ડી જાઈન વાળી પતંગો ખરીદદારો માંગી રહ્યા છે.નોટબંધી પછી મોદી ક્રેજ ઘટી ગયો હોય અમે બનાવેલી મોદી બ્રાન્ડ પતંગો પડી રહી છે.નેતાઓ તેમજ પક્ષની પતંગો ખરીદવામાં રસિકોને કોઈ રસ નથી.
જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકુળ હોય છે
પતંગ ઉત્પાદક રવિ ચુનારા જણાવે છે કે, ખંભાતની પતંગ જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવી રહી છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે પતંગ નિર્માણમાં સક્રિય થયાં છે. હાલ ખંભાતમાં સાત હજાર જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે.
ખંભાતના પતંગની િવશેષતાઓ
# ખંભાતના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા પેઢી દર પેઢી વારસામાં મળી હોવા સાથે હર હંમેશ કાંઇક નવું કરવાની અને પતંગને અદ્યતન રૂપરંગ અને આકાર આપવામાં કારીગરો માહિર છે.
- ખંભાત બનાવટની પતંગો રાજ્યભરના વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યો સહિત સાત સમંદર પાર અમેરિકા, લંડન, આફ્રિકા જેવા દેશો સુધી જાય છે.
- ખંભાતમાં ઉતરાયણના દિવસે, બીજા દિવસે અને ઉતરાયણ પછીના રવિવારે ખંભાતવાસીઓ દરીયાદેવના સાનિધ્યમાં ઉતરાયણ મનાવે છે. આમ, ખંભાતમાં ત્રણ ઉતરાયણ મનાવવામાં આવે છે.
- અહીં વર્ષ દરમિયાન સાતથી આઠ કરોડ પતંગો બને છે. વાર્ષિક રૂપિયા 9 થી 10 કરોડ જેટલું ટર્નઓવર ખંભાતનો પતંગ ઉદ્યોગ ધરાવે છે.આ ઉદ્યોગ સાથે ચુનારા અને મુસ્લિમ સમાજના લોકો સંકળાયેલા છે.
- આ ઉદ્યોગ આજે 8 હજાર જેટલા કારીગરોને રોજગારીનો અવસર પૂરો પાડે છે.
- અહીંયા બે ઇંચથી લઇ અને ૧ર ફૂટ સુધીની પતંગો બે રૂપિયાથી માંડી બે હજાર રૂપિયાની કિંમતમાં બને છે.
- ખંભાતમાં વિવિધ પંદર જાતની પતંગો બને છે. એક પતંગ તૈયાર થતાં પહેલાં આઠ પ્રકારની વિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય છે.
એપ્રિલ પછી તો ડીલીવરી કરવાના કામો આરંભાઈ જતા હોય છે
ઉત્તારાયણ પર્વના પંદર દિવસ પછી તુરત જ નવા પતંગો માટેનું કાર્ય પ્રારંભાઈ જતું હોય છે. એપ્રિલ પછી તો ડીલીવરી કરવાના કામો આરંભાઈ જતા હોય છે. સૌરાષ્ટ્રથી પ્રારંભાઈને ઠેઠ મુંબઈ સુધી પહોંચતા હોય છે. હોલસેલ વેપાર કરવા સાથે આજ ઉત્પાદકો ઉત્તરાયણના પર્વ દરમ્યાન અમદાવાદ, વડોદરા, સુરત જેવા રાજ્યના મોટા સેન્ટરો સાથે નાના પ્રચલીત સેન્ટરો પર પણ છૂટક વેચાણ માટે ડેરાતંબુ તાણીને સીઝન સાચવી લે છે.