SURAT

કોરોનાએ ચિંતા વધારી: સુરત મનપાએ 50 ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે મિટીંગ કરી, આ તાકીદ કરાઈ

સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી મનપા (SMC) તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથે સાથે પ્રાઈવેટ હોસ્પિટલોમાં (Private Hospitals) પણ તમામ તૈયારીઓ રાખવા માટે હોસ્પિટલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. મંગળવારે મનપા કમિશનર અને આરોગ્ય વિભાગના (Health Department) વડા અને અધિકારીઓેએ શહેરની 50 જેટલી હોસ્પિટલોના સંચાલકો સાથે મીટિંગ કરી હતી અને તેમાં ત્રીજી લહેર માટે તમામ તૈયારીઓ રાખવા માટે સૂચના આપી હતી. ખાસ કરીને કોરોનાની બીજી લહેર વખતે જે શોર્ટ સર્કિટના કારણે આગના (Fire) બનાવો બનતા હતા, એ માટે હોસ્પિટલોને ઈલેક્ટ્રિક ઓડિટ (Electric Audit) કરી લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થાઓ યોગ્ય છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરી લેવા માટે સૂચના અપાઈ હતી. ખાસ કરીને હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant), ફાયરની સેફ્ટી (Fire Safety), સ્ટાફની ટ્રેનિંગ વગેરે બાબતે તૈયારીઓ રાખવા માટે મનપા કમિશનરે સૂચના આપી હતી.

શહેરમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે માટે રાજ્ય સરકારના પોર્ટલ પર માહિત અપલોડ કરવા સૂચના

શહેરીજનોને શહેરમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની વિગતો જાણવી હશે તો તે માટે રાજ્ય સરકાર દ્વારા જર્મીસ પોર્ટલ પર માહિતીઓ ઉપલબ્ધ કરાશે. આ પોર્ટલ પર તમામ ખાનગી હોસ્પિટલોને પણ માહિતી અપલોડ કરવા માટે મનપા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલમાં તો હોસ્પિટલાઈઝેશન ઓછું છે. પરંતુ આવનારા દિવસોમાં દર્દીઓ વધશે અને હોસ્પિટલો પણ ભરાશે. ત્યારે શહેરીજનોને આ વિગતો આસાનીથી મળી રહે એ માટે અત્યારથી જ મનપા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરતમાં વધુ 2 સોસાયટી કલ્સ્ટર જાહેર કરાઈ

શહેરમાં નોંધાયેલા પોઝીટીવ આવેલા દર્દી પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના વેસુ વિસ્તારના શ્યામ પેલેસ સોસાયટીમાં નોંધાયા હતા. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવી હતી અને 9 વ્યક્તિઓ લિંબાયત ઝોનના નવાગામ ડીંડોલી વિસ્તારના પટેલ નગરના એક જ વિસ્તારમાં નોંધાતા તેને પણ ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરાવવામાં આવી છે.

વધુ 65 વિદ્યાર્થીઓ પોઝિટિવ: નાલંદા શાળામાં 7 કેસ આવતા શાળા બંધ કરાવાઈ

શહેરમાં નોંધાયેલા 1988 પોઝિટિવ કેસમાં 65 વિદ્યાર્થીઓ પોઝીટીવ નોંધાયા હતા. જે પૈકી નાલંદા શાળામાં 3 વિદ્યાર્થી, 4 શિક્ષક પોઝિટિવ આવતા શાળા બંધ કરાવવામાં આવી હતી. તે ઉપરાંત ઝડફિયા શાળા, રાયન શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, પી ટી સાયન્સ કોલેજ, એસ વી એન આઈ ટી, ડી આર બી કોલેજ, એસ ડી જૈન, સરસ્વતિ વિદ્યાલય, સંસ્કાર ભરતી, કનકપુર શાળા, હિલ્સ હાઈ સ્કુલ, વિવેકાનંદ કોલેજ, રિલાયન્સ શાળા, સ્વામી નારાયણ શાળા, પી આર ખાટીવાલા શાળા,મહેશ્વરી શાળા, એસ.ડી.જૈન શાળા,ડી પી એસ શાળા, રાયન ઈન્ટનેશન, રેડીયન્ટ શાળા, જે એચ અંબાણી, વશિષ્ઠ વિદ્યાલય તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં નોંધાયા હતા. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવવામાં આવ્યા હતા. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 846 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.

કયા ઝોનમાં કેટલા કેસ

  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 122
  • વરાછા-એ 120
  • વરાછા-બી 77
  • રાંદેર 594
  • કતારગામ 120
  • લિંબાયત 243
  • ઉધના 103
  • અઠવા 609

શહેરમાં વધુ 4245ને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવ્યા

તા.10 જાન્યુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં હતી. જે અંતર્ગત સુરત મનપા દ્વારા સોમવારથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. બીજા દિવસે મનપા દ્વારા વધુ 4245 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિડ રસીનો બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (જે કોમોર્બિડિટી ધરાવે છે અથવા ડોક્ટરની સલાહ અનુસાર), તમામ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. 1798 હેલ્થ વર્કર, 779 ફ્રન્ટલાઈન વર્કર અને 1668 સિનિયર સિટિઝનને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. તેમજ 15થી 18 વયના કુલ 10,528 વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી હતી.

Most Popular

To Top