Business

શિશ્નોત્થાન થવાની ક્રિયા પાછળ ઘણાં બધાં પરિબળો જવાબદાર છે

સામાન્ય રી તે એવું મનાય છે કે પુરુષને સેક્સ્યુઅલી ઉત્તેજિત થતાં સહેજ પણ વાર લાગતી નથી પરંતુ આ માન્યતા સંપૂર્ણ સાચી છે તેમ કહેવું યોગ્ય નથી. શિશ્નોત્થાન થવાની ક્રિયા પાછળ ઘણાં બધાં પરિબળો જવાબદાર છે. જ્યારે તમે કામોત્તેજના અનુભવો છો એટલે કે જ્યારે તમારું શિશ્ન ઉત્તેજિત અવસ્થા ધારણ કરે છે ત્યારે મગજમાં સક્રિય બનેલાં જ્ઞાનતંતુઓ કરોડરજ્જુના માર્ગે તમારા શિશ્નને સક્રિય બનાવે છે. શિશ્નના સ્નાયુઓ હળવા થાય છે અને રૂધિરવાહિનીઓમાં લોહીનો પ્રવાહ ભરાય છે. જો આ સમગ્ર ક્રિયા યોગ્ય રીતે થાય તો શિશ્ન મજબૂત રીતે ઉત્થાન પામે છે અને તમે સેક્સ માટે તૈયાર થાવ છો. મોટાભાગના લોકો એમ માને છે કે એકાદ રોમાંચક વિચાર શિશ્નને ઉત્તેજિત કરવા માટે પૂરતો છે. જો કે અગાઉ જણાવ્યું તેમ તે સંપૂર્ણ સત્ય નથી. ઘણા રોગો તથા કેટલાક કિસ્સાઓમાં તેની સારવાર શિશ્નોત્થાનની સમસ્યા માટે કારણભૂત હોય છે. આ ઉપરાંત કેટલાક પ્રકારની ઈજાઓ, જીવનશૈલી તથા અન્ય શારીરિક બાબતો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. શિશ્નોત્થાનની સમસ્યાની સારવાર મોટા ભાગે શક્ય છે અને યોગ્ય સમયે કરાયેલા નિદાનથી ઝડપી સફળતા હાંસલ થાય છે. 

અંતઃસ્ત્રાવોની સમસ્યા-

ટેસ્ટોસ્ટેરોન તથા અન્ય અંતઃસ્ત્રાવો પુરુષની કામેચ્છાને વેગ આપવા માટે કારણભૂત છે. આ અંતઃસ્ત્રાવોમાં સર્જાતા અસંતુલનને કારણે સેક્સ પ્રત્યે રસ ઘટી જવાની સંભાવના વધી જાય છે. તેમાં પિચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ, કિડની અને લિવરના રોગો, તણાવ તથા પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં અંતઃસ્ત્રાવોની સારવાર વગેરે જેવાં કારણો જવાબદાર હોઈ શકે છે.

નસમાં લિકેજ-

શિશ્નોત્થાન જાળવી રાખવા માટે તમારા શિશ્નમાં આવેલા લોહીનો પ્રવાહ તેમાં જળવાઈ રહે તે જરૂરી છે.  આ પ્રવાહના ઝડપથી પાછા ફરવાની સ્થિતિને વેનસ લીક કહે છે જેમાં તમારા શિશ્નની નસો યોગ્ય રીતે ચુસ્તતા જાળવી શકતી નથી. જેને પરિણામે તમારું શિશ્ન લાંબા સમય સુધી ટટ્ટાર રહી શક્તું નથી. ઈજા અને રોગ એમ બંને કારણોસર વેનસ લીકની સમસ્યા સર્જાઈ શકે છે.

ડાયાબિટીસ-

આ રોગને પગલે શિશ્નોત્થાન માટે જવાબદાર જ્ઞાનતંતુઓ તથા રૂધિરવાહિનીઓને નુકસાન પહોંચે છે. જો આ રોગને સમયસર નિયંત્રણમાં ના લેવામાં આવે તો તેનાથી શિશ્નોત્થાનની સમસ્યા બેવડી થવાનું જોખમ રહેલું છે.

રૂધિરવાહિનીને લગતાં રોગો-

લોહીનું પરિભ્રમણ કરતી નળીઓમાં થતી બીમારીથી લોહીનું પરિભ્રમણ અટકી જાય છે. જેને પરિણામે શિશ્નમાં લોહીના પ્રવાહમાં ઘટાડો થતાં શિશ્નોત્થાન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. એથરોસ્ક્લેરોસિસ (ધમનીઓ કડક થવી), હાઈ બ્લડ પ્રેશર તથા વધુ પડતું કોલેસ્ટેરોલ જેવી બીમારીઓ શિશ્નોત્થાનની સમસ્યા સર્જી શકે છે.

તમાકુ તથા આલ્કોહોલ –

આનાથી તમારી રૂધિરવાહિનીઓ પર માઠી અસર થઈ શકે છે. જેને કારણે તમારા શિશ્ન સુધી લોહીનો પ્રવાહ પહોંચવામાં અવરોધ સર્જાય છે. જો તમારી ધમનીઓ કડક થઈ ગઈ હોય તો (આર્ટરિયોસ્ક્લેરોસિસ) ધૂમ્રપાનને કારણે શિશ્નોત્થાનની સમસ્યા સર્જાવાની શક્યતા વધી જાય છે. શિશ્નોત્થાનની સમસ્યા હળવી બનાવવાનો એક ઉપાય જીવનશૈલીમાં ફેરફાર કરવાનો છે. ધૂમ્રપાનનો ત્યાગ, નિયમિત કસરત તથા તણાવમાં ઘટાડો કરવા જેવા જીવનશૈલીને લગતાં ફેરફારને અપનાવવાથી આ સમસ્યામાં ઘણી રાહત થાય છે. જે લોકો ગંભીર સમસ્યાથી પીડાતા હોય તેમના માટે સારવાર ઉપરાંત જીવનશૈલીમાં ફેરફારને તેઓ અપનાવે તો તેનાથી ઝડપી પરિણામ મળે છે.

Most Popular

To Top