National

યૂપીમાં રાજકીય હલચલ: સ્વામી મૌર્ય બાદ ભાજપમાંથી અન્ય ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું

યુપીમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હવે ગરમ થઈ રહ્યો છે. એક તરફ ભાજપ આગામી સમયમાં પ્રથમ ત્રણ તબક્કાના ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ પક્ષ છોડનારા ધારાસભ્યોની લાઇન લાગી છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યા બાદ વધુ ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. સ્વામી પ્રસાદના સમર્થનમાં ધારાસભ્યો બ્રિજેશ પ્રજાપતિ, ભગવતી પ્રસાદ સાગર અને રોશન લાલ વર્માએ પણ ભાજપ છોડી દીધું છે.

સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના સમાચાર બાદ કાનપુર બિલ્હૌરથી ભાજપના ધારાસભ્ય ભગવત સાગર સ્વામી પ્રસાદને મળવા પહોંચ્યા હતા. ત્રણેય ધારાસભ્ય સપામાં સામેલ થશે તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપ છોડ્યા બાદ રોશનલાલ વર્માએ કહ્યુ કે સ્વામી પ્રસાદ મૌર્ય જ્યાં જશે તેમની સાથે રહીશ. તેમણે ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં અમારી ઉપેક્ષા થઈ છે. તેમણે કહ્યું- યૂપીમાં ભાજપની સરકાર નહીં અધિકારીઓની સરકાર હતી. લોક ભવનમાં બે-બે કલાક બેસાડી રાખવામાં આવતા હતા.

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલેલા રાજીનામા પત્રમાં સ્વામી પ્રસાદ મૌર્યએ લખ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રિમંડળમાં શ્રમ અને સેવાયોજન તથા સમન્વય મંત્રી તરીકે વિપરિત પરિસ્થિતિઓ તથા વિચારધારામાં રહીને પણ ખુબ જ મનોયોગ સાથે જવાબદારી નીભાવી છે. પરંતુ દલિતો, પછાતો, ખેડૂતો બેરોજગાર યુવાઓ તથા નાના- લઘુ તથા મધ્યમ શ્રેણીના વેપારીઓ માટે ઘોર ઉપેક્ષાત્મક વલણના કારણે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું. સ્વામી પ્રસાદે કહ્યું કે જે લોકો પોતાને મોટી તોપ માની રહ્યા છે, તેઓ 2022ની ચૂંટણીમાં દંગ રહી જશે. મૌર્યના માથે 4 વિભાગોની જવાબદારી હતી. તેઓ કેબિનેટમાં શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી હતા. 

ભાજપના ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ NCPના ચીફ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટોટલ 13 ધારાસભ્યોએ સમાજવાદી પાર્ટીમાં સામેલ થશે. ચર્ચા છે કે સ્વામી પ્રસાદ મૌર્ય સિવાય મંત્રી ધરમ સિંહ સૈની સહિત 4 વધુ ધારાસભ્યો સપામાં જોડાઈ શકે છે. ભાજપમાંથી ધારાસભ્યોના રાજીનામાંઓ જોઈને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સૌના સહકારથી સકારાત્મક રાજકારણનો ‘મેલા હોબે’. સ્વામી પ્રસાદ મૌર્યને મળ્યા બાદ ફોટો શેર કરતાં અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, ‘સામાજિક ન્યાય અને સમાનતા માટે લડનારા લોકપ્રિય નેતા સ્વામી પ્રસાદ મૌર્યજી અને તેમની સાથે આવેલા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું સપામાં આદરપૂર્વક સ્વાગત છે અને શુભેચ્છાઓ ! સામાજિક ન્યાયની ક્રાંતિ થશે.

Most Popular

To Top