પિતાના ઘરે વર્ષોથી બાજરાના રોટલા બનતાં લગભગ દરેક વ્યક્તિએ જોયાં હશે. આપણને ઘણી વખત એવું કહેવામાં આવતું કે ઘી, ગોળ, રોટલા ખાવ, એ ખૂબ જ પૌષ્ટિક છે. નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે, બાજરાના રોટલા ખાવા જોઈએ. હવે બાજરાને પણ ઇન્ટરનેશનલ સુપર ફૂડ તરીકે લોકો અપનાવવા માંડ્યા છે! ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ ડૉ. જેક્લિન હોગ્સનું કહેવું છે કે, બરછટ અનાજને ખેતરમાં અને પ્લેટમાં પાછું લાવવા અને તેનાં પર ‘ભૂલી ગયેલાં પાક’ ટેગને દૂર કરવા માટેના નક્કર વૈશ્વિક પ્રયાસો જરૂર છે.
વર્ષ 2018 ભારતમાં ‘બાજરીના વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, આ વર્ષે લોકોને બરછટ અનાજના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવામાં આવશે. આ સાથે લોકોને તેમની ખેતી માટે ઉપયોગિતા વિશે પણ જણાવવામાં આવશે. બરછટ અનાજ સામાન્ય જમીનમાં પણ ઉગી શકે છે અને તેને તુલનાત્મક રીતે જંતુનાશકોની જરૂર પડતી નથી. ડૉ. હોગ્સના જણાવ્યા મુજબ, વિશ્વમાં હવે બરછટ અનાજ ઝડપથી પુનરાગમન કરી રહ્યું છે. આ અનાજ હવે સ્માર્ટ ખોરાક તરીકે ઓળખાય છે કારણ કે તે પૃથ્વી માટે, ખેડૂતો માટે અને તમારાં સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
વધુમાં તેઓ કહે છે, આજે પૃથ્વી પર પાણીની તંગી છે ત્યારે બાજરાને વધુ પાણીની જરૂર પડતી નથી અને ઊંચા તાપમાને સરળતાથી ઉગે છે. આ પાક ખેડૂતો માટે સારો છે કારણ કે તે અન્ય પાકો કરતાં ઉગાડવામાં સરળ છે અને જંતુઓ સામે પ્રતિરોધક છે. આરોગ્ય માટે તે પોષક તત્વોથી ભરપૂર છે. અભ્યાસો અનુસાર, બાજરી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર સુધારે છે. ઝીંક અને આયર્નની ઉણપને પણ દૂર કરે છે. સૌથી અગત્યનું, તે ગ્લુટેન-મુક્ત છે. પરિણામે આરોગ્ય નિષ્ણાતો પણ બરછટ અનાજમાં રસ દાખવી રહ્યાં છે.
ભારતમાં ડાયાબિટીસના લગભગ 80 મિલિયન દર્દીઓ છે. દર વર્ષે લગભગ 17 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે અને દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે, જેમાંથી અડધાથી વધુ ગંભીર રીતે કુપોષિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં એક સંબોધનમાં દેશમાંથી કુપોષણને ખતમ કરવા માટે ‘મિલેટ રિવોલ્યુશન’ની વાત કરી હતી. નિષ્ણાતો માને છે કે ભારત માટે આ કોઈ અશક્ય કાર્ય નહીં હોય કારણ કે બરછટ અનાજ વર્ષોથી ભારતીયો માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ રિસર્ચના ડિરેક્ટર વિલાસ ટોનપીના જણાવ્યા અનુસાર, માનવજાત જે ખાદ્યપદાર્થો વિશે અનાદિકાળથી જાગૃત છે તે જવ અને બાજરી જેવા બરછટ અનાજ છે. તેઓ કહે છે, બાજરી, જુવાર વગેરે પણ સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન ઉગાડવામાં આવતા હતા. આજે 21 રાજ્યોમાં ઉગાડવામાં આવે છે અને દરેક રાજ્ય અને પ્રદેશના પોતાની જાતના અનાજ છે, જે માત્ર તેમની ખાદ્ય સંસ્કૃતિનો જ ભાગ નથી, પણ તેમની ધાર્મિક વિધિઓનો પણ એક ભાગ છે. ભારત વાર્ષિક આશરે 14 મિલિયન ટન બાજરીનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ભારત વિશ્વનો સૌથી મોટો બાજરી ઉત્પાદક દેશ પણ છે.
વિલાસ ટોનપીના જણાવ્યા મુજબ, છેલ્લા 50 વર્ષમાં ખેતીલાયક જમીન 38 મિલિયન હેક્ટરથી ઘટીને 13 મિલિયન હેક્ટર પર આવી ગઈ છે અને આ સાથે બાજરીની ઉપજમાં થયેલાં ઘટાડાની સરખામણીમાં આજે ઉપજ 6% પર આવી ગઈ છે. ડો. ટોનપીના જણાવ્યા અનુસાર, દેશમાં બાજરીના ઉત્પાદનમાં ઘટાડો 1969-70માં શરૂ થયો હતો. વિલાસ ટોનપી સમજાવે છે કે, તે સમયે ભારત મોટી વસ્તીને ખવડાવવા માટે ખાદ્ય સહાય મેળવતું હતું અને અનાજની આયાત કરતું હતું. ખાદ્ય ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા અને કુપોષણને દૂર કરવા માટે ભારતમાં હરિયાળી ક્રાંતિ આવી હતી. પરિણામે ચોખા અને ઘઉંની ઉપજ આપતી જાતો ઉગાડવામાં આવી હતી. ભારતમાં 1960 અને 2015ની વચ્ચે, ઘઉંનું ઉત્પાદન ત્રણ ગણાથી વધુ અને ચોખાના ઉત્પાદનમાં 800%નો વધારો થયો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન બાજરી જેવા બરછટ અનાજનું ઉત્પાદન ઓછું રહ્યું હતું.
ડો. હોગ્સ કહે છે, છેલ્લાં વર્ષોમાં ચોખા અને ઘઉંની ઉપજ વધારવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન બાજરી અને અન્ય ઘણાં પરંપરાગત ખોરાકની ઉપેક્ષા કરવામાં આવી છે. તેના કારણે તેમનાં ઉત્પાદનને અસર થઈ છે. વધુમાં તેઓ કહે છે, દાયકાઓથી તેનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે. બજારે પણ તેની અવગણના કરી છે. તમારી પ્લેટમાં સ્વાદ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોવા જોઈએ. આ માટે જે પાક ભૂલી ગયા છે તેના પર પણ ચોખા-ઘઉં અને અન્ય વ્યવસાયિક પાકોની જેમ જ ધ્યાન આપવું પડશે. જો કે નિષ્ણાતો માને છે કે બાજરી ધીમે ધીમે ટ્રેન્ડમાં પાછી આવી રહી છે. બાજરી વિશ્વમાં સુપર ફૂડ તરીકે નામના મેળવી રહી છે. તો શિયાળો ચાલે છે ત્યારે બાજરાના રોટલા અને રિંગણાનો ઓળો ખાવાનું ભૂલતાં નહીં. આપણે ગર્વ લેવાની જરૂર છે કે આપણો બાજરો હવે સુપર ફૂડ બની ગયો છે.