Dakshin Gujarat

ગુજરાતના આ શહેરની વાડીમાં ખુરશી ટેબલ મૂકી કાચના ગ્લાસમાં 8 જણા દારૂ પી રહ્યાં હતાં અને પોલીસ પહોંચી

વાપી : ગુજરાતમાં દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ છે, પરંતુ અહીંના એક શહેરમાં જાહેરમાં ખુરશી ટેબલ મુકી કાચના ગ્લાસમાં પેક બનાવી દારૂ પીતા 8 શખ્સો ઝડપાયા છે. તો બીજી તરફ વાપી પોલીસે પૂંઠાના બોક્સની આડમાં સંતાડીને દમણથી અંકલેશ્વર લઈ જવાતો 15 લાખનો દારૂ પકડી પાડ્યો છે. ઉત્તરાયણ પહેલાં બૂટલેગરો દ્વારા દમણથી મોટી માત્રામાં ગુજરાતના શહેરોમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હોય પોલીસ સતર્ક બની છે.

  • વાપીના નામધા મોરા ફળિયાની વાડીમાં દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસે છાપો માર્યો
  • વાપી કોપરલી ચાર રસ્તા પાસે દમણથી સુરત જતા ટેમ્પોને અટકાવતા તેમાંથી 15 લાખનો દારૂ મળ્યો

(Vapi) વાપીના નામધા મોરા ફળિયા જીતેશભાઇ કાંતિભાઇ પટેલના ઘરના પાછળ વાડીમાં દારૂની મહેફિલ માણતા આઠ જેટલા શખ્સોને પોલીસે છાપો મારી ઝડપી પાડ્યા હતા. વાપી ટાઉન પોલીસે રેડ કરી ત્યારે આઠ વ્યકિતઓ ખુરશી પર બેસીને ટેબલ પર દારૂની (Alcohol) બોટલ તેમજ કાચના ગ્લાસમાં દારૂના પેક બનાવીને પીતા હતા. અહીં થમ્સઅપની બોટલ તેમજ પાણીની બોટલ સાથે ચાખણાનું વેફરના પેકેટ જોવા મળ્યા હતા. વાડીમાં દારૂની મેહફિલ માણતા ઝડપાયેલા આઠ શખ્સોમાં પ્રિતશભાઇ કાંતિભાઇ પટેલ, ગણેશભાઇ શિબુભાઇ પટેલ, જીતેશભાઇ કાંતિભાઇ પટેલ, દિલીપભાઇ કાંતિભાઇ પટેલ, સચીન સુરેશભાઇ પટેલ, નામદેવાંગ રમેશભાઇ પટેલ, હિરેનભાઇ રમેશભાઇ પટેલ તથા અરૂણભાઇ ધીરૂભાઇ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

દમણથી અંકલેશ્વર લઇ જવાતો ૧૫ લાખનો દારૂનો જથ્થો વાપીમાં ઝડપાયો

વાપી : વાપી કોપરલી ચાર રસ્તા પાસે દમણથી સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ૧૫ લાખ ઉપરાંતનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ખાખી પુઠાના બોક્સની આડમાં સંતાડીને લઇ જવાતા ૩૦૦ બોક્સમાં ૧૦,૨૦૦ વ્હીસ્કી-બિયરની બોટલ તેમજ ટીન જેની કિંમત ૧૫,૦૮,૪૦૦ બતાવવામાં આવે છે. તે ઝડપી પાડવામાં એલસીબીની ટીમને સફળતા મળી હતી. આઇસર ટેમ્પો સહિત કુલ રૂપિયા ૩૦,૦૪,૩૬૮નો મુદ્દામાલ કબજે લઇ ટેમ્પોના ડ્રાઇવરની અટક કરી હતી.

દમણથી સુરત તરફ જતા એક આઇસર ટેમ્પો પર તાડપત્રી બાંધેલી હતી. વાપી કોપરલી ચાર રસ્તા પાસે એલસીબીની ટીમે આ ટેમ્પોને રોકીને પૂછપરછ કરતા ડ્રાઇવરની પૂછપરછથી શંકા જતા તપાસ કરતા ટેમ્પોમાંથી દારૂ ઝડપાયો હતો. ખોટી બિલ્ટી બનાવી ખાખી પુઠાના બોક્સમાં પતરાના ખાલી ડબ્બાઓની પાછળ ઇંગ્લિશ બનાવટના દમણીયા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી હતી. પોલીસે ટેમ્પોના ચાલક ભીમસિંગ માનસિંગ જાટ જે મૂળ હરીયાણાનો છે જે હાલ અંકલેશ્વર સંસકારધામ સોસાયટીમાં રહે છે. આ દારૂ અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે લઇ જવા માટે અંકલેશ્વરના દોલુભાઇનો ફોન ડ્રાઇવર ઉપર આવ્યો હતો. દારૂ ક્યાંથી ભરાવ્યો તથા ક્યાં લઇ જવાનો હતો તે બાબતે હાલ ડ્રાઇવરે પોલીસને મોબાઇલ નંબરો આપીને પોતાને આ બાબતે કંઇ ખબર નહીં હોવાનું જણાવ્યું છે. વાપી ટાઉન પોલીસ મથકે એલસીબીએ ડ્રાઇવર તેમજ દોલુભાઇ અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top