Vadodara

શિક્ષણધામ પારૂલ યુનિવર્સિટીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર સિક્યુરિટીઓનો લાઠીચાર્જ

વડોદરા: વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનીવર્સીટીમાં તાજેતરમાં હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે છતાંય ઓફલાઈન શિક્ષણ બંધ નહીં કરતા સોમવારે વિદ્યાર્થીઓએ ભારે સુત્રોચ્ચાર સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગણી કરી હતી. યુનીવર્સીટીની એડમિન બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઇ સત્તાધીશોને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માંગણી કરી હતી. વાઘોડિયાની પારુલ યુનિવર્સીટીના હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વાઘોડિયા તાલુકામાં 9 જાન્યુઆરીએ કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા હતા. તેમ છતાંય પારુલ યુનીવર્સીટી સત્તાધીશો દ્વારા ઓફલાઈન શિક્ષણ  અને 17મીએ એન્જીનીયરીંગ સહિતના અન્ય વિભાગોની શરૂ થતી મીડ સેમેસ્ટર પરીક્ષા ઓફલાઈન લેવા પર ભાર મુકવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પારુલ યુનીવર્સીટીની એડમીન ઓફિસ તરફ ધસી  ગયા હતા અને  વી વોન્ટ ઓનલાઈનના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.

યુનીવર્સીટીની ખાનગી સિક્યુરીટી દ્વારા વિદ્યાર્થીઓને રોકવાના પ્રયત્ન પણ થયા હતા. જોકે વિદ્યાર્થીઓએ મક્કમતાથી ઓનલાઈન શિક્ષણની માંગણી કરી હતી. વિદ્યાાર્થીઓના વિરોધ  પ્રદર્શન દરમિયાન સિક્યુરિટી અને વિધાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સિક્યુરિટીએ વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠી ચાર્જ કર્યો હતો. મહત્વની વાત એ છે કે પારુલ યુનીવર્સીટીમાં વિદેશથી અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ  ખુબ મોટી સંખ્યામાં છે જેમાં પણ હાલ ઓમીક્રોન માટે હાઈ રીક્સ કન્ટ્રીની યાદીમાં શામેલ આફ્રિકાના દેશો માંથી પણ વિધાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે. જો આવા કિસ્સામાં એક પણ ઓમીક્રોનનો કેસ બને તો લોકલ ટ્રાન્સમીશન ખુબ ઝડપ થી વધી શકે તેમ છે. સ્થાનિક વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થવાની ચિંતા સતાવી રહી છે. તેમ છતાય યુનીવર્સીટી દ્વારા ઓફલાઈન શિક્ષણ સહિત પરીક્ષાઓ યોજવા પર ભાર મુકવામાં આવતા ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Most Popular

To Top