દેલાડ: સાયણમાં (Sayan) લુહારનું કામ કરતા બે ભાઈઓ ઘર બંધ કરી મોટા ભાઈને ત્યાં ચા પીવા ગયા અને તેમનાં ઘરમાં આકસ્મિક (accidentally) રીતે આગ (Fire) ભભૂકી ઊઠી હતી, જેમાં વર્ષો જૂનું ઘર (old house) તથા ઘરવખરી બળીને ખાખ થઈ જતાં લાખોનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની (Fire brigade) ટીમને જાણ થતાં જ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સાયણની લુહાર ચાલમાં રહેતા ઈશ્વરભાઇ ઉર્ફે છનો ચુનીલાલ પંચાલ તથા ચંદુભાઈ ચુનીલાલ પંચાલ બંને ભાઈઓ ઘરની આગળના ભાગે લુહારનું કામ કરતા આવ્યા છે. તા.૧૦/૧/૨૦૨૨ના રોજ સવારે ૭ કલાકે દીવાબત્તી કરી ઘર બંધ કરી દ્વારકેશનગરીમાં રહેતા મોટાભાઈને ત્યાં ચા પીવા માટે ગયા હતા. ત્યાર બાદ આઠેક વાગ્યા અરસામાં તેમના ઘરમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગી હોવાની જાણ ચાની લારી ચલાવતા રાજુભાઇએ કરતાં ઘરના તમામ સભ્યો દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. જેથી આસપાસ રહેતા પરિવારોમાં અફડાતફડીનો મચી ગઇ હતી. સદનસીબે ઘરની બંને સાઈટમાં પાકાં મકાનો હોવાથી વધુ ઘરો આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા. મેઈન બજારમાં આવેલા ઘરમાં આગ લાગતાં ઓવરબ્રિજ તથા સર્વિસ રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
સાયણ પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોઈકે સુરતની ફાયર બ્રિગેડને (Surat fire brigade) જાણ કરતાં ફાયર ટીમ ત્રણ બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ઓવરબ્રિજ સાઈટનો સર્વિસ રોડ સાંકડો હોવાથી ફાયર ટીમને કામગીરીમાં મુશ્કેલી પડી રહી હતી. જેથી ફાયરની એક ગાડી ઓવરબ્રિજ ઉપરથી અને બીજી ગાડી સર્વિસ રોડ પર ઊભી રાખી પાણીનો છંટકાવ કર્યો હતો. ફાયરમેનોની જહેમત બાદ અઢી કલાકે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં આશરે ૯૦ વર્ષ જૂનું લાકડાનું ઘર તથા ઘરની અંદર સિલાઈ મશીન, લાકડાનું ફર્નિચર, પંખા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પંચાલબંધુઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.