ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં કોરોનાની (Corona) ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ, તેવો આદેશ પોલીસને (Police) અપાયો છે. અલબત્ત પોલીસે માનવીય અભિગમ રાખીને આ ગાઈડલાઈનનું પાલન કરાવવું જોઈએ, તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું.
ખુદ ભાજપના નેતાઓ દ્વારા જ કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવામાં આવતું નથી, તે અંગે પૂછતાં સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બધા નિયમોથી બંધાયેલા છે. ચાહે સામાન્ય નાગરિક હોય કે ભાજપના નેતા. પોલીસને કહેવામાં આવ્યું છે માનવીય અભિગમ રાખીને નિયમોનું પાલન કરવામાં આવે. કોઈ નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ સૌનું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ મોકૂફ રાખી છે. દરેક પ્રભારી મંત્રીઓને પ્રભારી જિલ્લામાં રહીને સમીક્ષા કરવા કહેવાયું છે. આજે ગાંધીનગર જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી છે. ગાંધીનગરમાં સૌથી મોટા તાલુકા કલોલની હોસ્પિટલમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. કોરોના માટેના તમામ સાધનો છે. ઓક્સિજન પ્લાન્ટ પણ તમામ તાલુકાઓમાં છે. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ રેસીયો ખૂબ ઓછો છે. આ બેઠકમાં ધન્વંતરિ રથ, માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન, આરોગ્ય સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.
કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરો, રસીકરણ વેગવંતુ બનાવો : માંડવીયાની ગુજરાતને તાકિદ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના મામલે ગુજરાત સહિત ૭ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવો સાથે સંકલન સાધવા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા ચર્ચા કરી હતી. જેમાં માંડવીયાએ ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈન તથા કોરોના સામે રસીકરણને વધુ વેગવંતુ બનાવવા તાકિદ કરી હતી. માંડવીયાએ આ તમામ રાજ્યોમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, ત્રીજી લહેર સામે રાજ્યોની સજ્જતા સતર્કતા અને તૈયારી વિશે આંકલન કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય વિભાગ આ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે માળખાગત સુવિધાઓ, દવાઓના અને રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ હોવાનું પણ માંડવીયાએ કહ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરિયામંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો, રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પટેલે વીડિયો કોન્ફરસન્માં કહ્યું હતું કે રાજ્યમાં નોંધાઇ રહેલા કોરોના-ઓમિક્રોનના કેસોમાંથી ૯૬ ટકાથી વધુ દર્દીઓ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે તેમજ અત્યારે નોંધાઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓનો હોસ્પિટલાઇઝેશન અને ક્રિટિકલ દર ખૂબ જ નીચો હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા હોમ આઇસોલેશનના કોરોનાગ્રસ્ત દર્દીઓને ટેલીમેડિસીન, ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ઘર બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સારવારના અભિગમથી પણ કેન્દ્રીય મંત્રીને અવગત કરાવ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં દરેક રાજ્યમાં ૧૫ થી ૧૮ના તરૂણો, ૬૦થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.