સુરત: (Surat) નવસારીની (Navsari) પૌંઆ મિલના માલિકે પાલ કોટનના (Pal Cotton) ડાંગર વેચાણ પેટેના 24 કરોડ, બરબોધન સેવા મંડળીના 5 કરોડ અને દારીયા સહકારી મંડળીના (co-operative society) 2.50 કરોડ ચૂકવવામાં નાદારી (Bankruptcy) નોંધાવતા આ ત્રણે મંડળીઓ ખેડૂતોના ડાંગર વેચાણ પેટેની રકમ ચૂકવી શકતા નથી. આ પ્રકરણોમાં સુરતના જિલ્લા રજીસ્ટ્રાર (District Registrar) સહકારી મંડળીઓ ધ્રુવીન પટેલે ત્રણમાંથી માત્ર પાલ કોટન મંડળીમાં ઇન્સ્પેકશન (Inspection) મૂકી તપાસ રિપોર્ટ મંગાવતા વિવાદ ઊભો થયો છે.
- સુરતના જિલ્લા રજીસ્ટ્રાર બરબોધન સેવા અને દારિયા મંડળીના કેસમાં પાણીમાં બેઠાં હોવાનો સૂર ઊઠ્યો છે
- એક જ વેપારીએ ત્રણ મંડળીઓના રૂપિયા ચૂકવ્યા નથી છતાં ન્યાયના કાટલા જુદા રાખ્યા હોય તેમ બાકી લેણાં મુદ્દે પાલ કોટન મંડળી સામે કલમ ૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવી
- નવસારીની પૌઆ મિલનો માલિક પાલ કોટનને 24 કરોડ, બરબોધન સેવા મંડળીના 5 કરોડ અને દારિયા મંડળીના 2.50 કરોડ ચૂકવતો નથી પણ રજીસ્ટ્રારે ઇન્સ્પેકશન માત્ર પાલ કોટનમાં મૂક્તા વિવાદ
ત્રણે મંડળીઓના છેલ્લા બે-ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટમાં નવસારીના વેપારીએ ચૂકવવાની થતી રકમ દર્શાવી હોવા છતાં ખેડૂત સમાજના પ્રમુખ જે મંડળીના પ્રમુખ હતા તે મંડળીના બોર્ડના 24 કરોડનું ડાંગર ઉછીનું આપવા અને રીકવરી નહીં થવા સામે કલમ-88 હેઠળ ઇન્સ્પેકશન કરાવવાનું નાટક કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્યના વહિવટ હેઠળની મંડળી સામે અને ભાજપના આગેવાનોના વહીવટ હેઠળ જે તે સમયે 5 કરોડ અને 2.50 કરોડ નાના ખેડૂતોના ડૂબ્યા છતાં રજીસ્ટ્રારે કોઈ કાર્યવાહી નહીં કરતા ઇન્સ્પેકશનની કાર્યવાહી શંકામાં મુકાઈ છે.
એક જ વેપારીએ ત્રણ મંડળીઓના રૂપિયા ચૂકવ્યા નથી છતાં ન્યાયના કાટલા જુદા રાખ્યા હોય તેમ બાકી લેણાં મુદ્દે પાલ કોટન મંડળી સામે કલમ ૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઉતાળવા બનેલા જિલ્લા રજીસ્ટ્રાર બરબોધન સેવા અને દારિયા મંડળીના કેસમાં પાણીમાં બેઠાં હોવાનો સૂર ઊઠ્યો છે. પાલ કોટન મંડળીને ૨૪ કરોડ રૂપિયાની રકમ નહીં ચૂકવનારા વેપારીએ બરબોધનને ૫ કરોડ અને દારિયાને ૨.૫૦ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી, તેમ છતાં સુરત જિલ્લા રજીસ્ટ્રારે માત્ર પાલ કોટન મંડળી સામે કલમ ૮૮ હેઠળ કાર્યવાહી કરી છે. ઇન્સ્પેક્સન પછી પાલ કોટનના 24 કરોડના લેણા માટે જવાબદાર કોણ તે નક્કી કરાશે અને તે પછી કાર્યવાહી શું કરવી તેનો રિપોર્ટ સ્ટેટ કો.ઓપ.રજીસ્ટ્રારને મોકલશે ત્યારબાદ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
પોતાની જમીન વેચીને પણ મંડળીના-ખેડૂતોને રૂપિયા ચૂકવશે, એવી બાહેધરી છતાં રૂપિયા ચૂકવવામાં અખાડા
પાલ કોટનના માજી પ્રમુખ જયેશ એસ.પટેલ (પાલ)એ કહ્યું હતું કે 24 કરોડની ડાંગર ક્રેડિટ પર વર્ષો જુના ગ્રાહકને આપવાનો નિર્ણય મંડળીના સમગ્ર બોર્ડ ઓફ મેનેજમેન્ટનો હોવા છતાં જો પૌઆ મિલનો માલિક નાણાં નહીં ચૂકવે તો પોતાની જમીન વેચીને પણ મંડળીના-ખેડૂતોને આપવા પાત્ર રૂપિયા ચુકવશે પણ છેલ્લાં બે વર્ષથી ડાંગરના 24 કરોડ અને વ્યાજ મળી 27 કરોડ વેપારી પાસે વસુલવાના બાકી નીકળે છે.જે ચૂકવવા અખાડા કરી રહ્યો છે જેને લીધે મંડળી ખેડૂતોએ નાખેલા ડાંગરના રૂપિયા ચૂકવી શક્તી નથી.