SURAT

પતંગ વહેલા ખરીદી લેજો: વેપારીઓની આ ભૂલના લીધે ડબગરવાડમાં પતંગ ખૂટી જવાનો ડર, હરાજી માટે નહીં બચે

સુરત : (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેરને (Third Wave) લીધે શહેરમાં ઉત્તરાયણ (Uttarayan) માટેના પતંગ (Kite), દોરીના વેપારનો માહોલ નહીં જામતા શહેરના ડબગરવાડ, કોટ સફિલ રોડ, રાંદેર, સગરામપુરા, સલાબતપુરામાં દોરી, પતંગ વેચતા વેપારીઓ ચિંતામાં મૂકાયા હતા. વચ્ચે કમોસમી વરસાદની આગાહીને લીધે પણ વેપારીઓએ પતંગ અને કાચી દોરીની ઓછી ખરીદી કરી હતી.

ડબગરવાડ બજારના વેપારી સતિષભાઈ છત્રીવાલા કહે છે કે શનિવારે સાંજે ઘરાકી નીકળી હતી અને આજે રવિવારે બપોરથી ગ્રાહકો ઉમટી પડ્યા હતા. તેમને તૈયાર દોરી અને પતંગ તથા અન્ય એસેસરીઝની ખરીદી કરી હતી. જે લોકો સુરતી પેટન્ટ માંજો ઘસાવીને પતંગ ઉડાડવામાં શોખીન છે તેમણે આજે ફીરકી દોરી ખરીદી ઘસાવવા માટે આપી હતી. સતિષભાઈ કહે છે કે 2019 જેટલો જ માલ વેપારીઓએ ખરીદ્યો છે. ગયા વર્ષે કોરોના પીક પર હોવાથી ઉત્તરાયણનો વેપાર નબળો રહ્યો હતો. પણ આ વર્ષે સરકારે ધો. 1થી9 ના ઓફલાઇન વર્ગો બંધ કરતા તેનો લાભ વેપારીઓને થયો છે.

તે ઉપરાંત આ વર્ષે ઉત્તરાયણ શુક્રવારે હોવાથી છેક રવિવાર સુધી અગાસીઓ અને ધાબાઓ પર પતંગ ઉડતા જોઈ શકાશે. રાત્રી કરફ્યુને (Night Curfew) લીધે 9 વાગ્યે જ વેપારીઓને વેપાર સમેટવો પડી રહ્યો છે. લોકો પણ ઘરે જવા ઉતાવળા બન્યા છે. જે રીતે લોકો પતંગ અને દોરા ખરીદવા ઉમટી રહ્યાં છે તે જોતા આ વર્ષે ડબગરવાડમાં હરાજીના પતંi નહીં બચે. કારણ કે વેપારીઓએ પહેલાથી 15 ટકા જેટલો ઓછો માલ મંગાવ્યો હતો

દોરીના ભાવ 20થી 25 ટકા અને કાગળ, લાકડીના ભાવ વધતા પતંગ 15 ટકા મોંઘા પડશે

માલની ડિમાન્ડ સામે શોર્ટ સપ્લાય હોવાથી પતંગ, દોરીના ભાવો ઊંચકાયા છે. વેપારીઓએ ડિમાન્ડ સામે 15 ટકા માલ ઓછો મંગાવ્યો હતો. તેથી શોર્ટ સપ્લાય ઉભી થઇ છે. દોરીમાં એકે 56 ગોલ્ડ, સાંકળ- 24 કેરેટ, પાંડા, ગોલ્ડ પ્રિમિયમ દોરીના ભાવ વધ્યા છે. એવી જ રીતે મીડીયમ રેન્જમાં એકે-56, સાંકળ-8, પાંડાના ભાવ વધ્યા છે. અફીર્ડેબલ આઇટમમાં અગ્નિ, ચેલેન્જ જેવી દોરીના ભાવ પણ રો-મટીરીયલની વધેલી કિંમતો અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધતા મોંઘી થઈ છે. એવી જ રીતે પતંગમાં કાગળ, લાકડી અને ગમના ભાવ વધતા પતંગ 15 થી 20 ટકા મોંઘા પડશે. વેપારીઓને ગુરુવારે રાત સુધી માલ વેચાઈ જવાની અપેક્ષા છે. છેલ્લા બે દિવસના વીકેન્ડમાં દોરીની ઘસાઈના ઓર્ડર પણ સારા પ્રમાણમાં મળતાં કેટલાકને બે દિવસે ડિલિવરી મળશે.

Most Popular

To Top