આણંદ : ચરોતરમાં કોરોના કાળ બાદ ઓનલાઇન કામગીરીનું મહત્વ વધ્યું છે. જેમાં હવે તંત્ર પણ બાકાત રહ્યું નથી. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ઘરે બેઠાં જ આંગળીના ટેરવે પોતાની ફરિયાદ કલેક્ટર સુધી પહોંચાડે તે માટે વેબ બેઇઝ, વેબ બ્રાઉઝર, ડેસ્કટોપ આધારિત રિસ્પોન્સશીપ મોબાઇલથી ઓપરેટ થઇ શકે તેવી એપ્લીકેશન અને ગુડ ગર્વનર પ્લાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આણંદમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ રાજય બાળ આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સુશાસનના મંત્રને સાર્થક કરવા માટે સારી અને અસરકારક નીતિઓ અપનાવવામાં આવી રહી છે. સુશાસનના માધ્યામથી દેશનો અને રાજયનો વિકાસ થઈ રહ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગને પોતીકાપણાનો ભાવ જાગે તેને સુશાસન કહી શકાય, સરકાર તેમની સાથે ઉભી રહી છે તેવો ભાવ જન-જનમાં જાગે તે સાચું સુશાસન હોવાનું જણાવી રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલી નીતિ વિષયક બાબતોની જાણકારી આપી રાજય સરકાર સાચા અર્થમાં નાગરિકોને સુશાસનની અનુભૂતિ કરાવી રહી હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઇ પટેલએ કેન્દ્ર -રાજય સરકારની વિવિધ સિધ્ધિઓ-યોજનાઓ નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે અને આપણે સૌ આપણી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવીએ તે સુશાસન હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના લોકો પગભર બને તે માટે મુખ્યમંત્રીએ વિવિધ નિર્ણયો લીધા છે. આ કાર્યક્રમના પ્રારંભમાં કલેકટર મનોજ દક્ષિણીએ સામુહિક, સાર્વત્રિક, સાતત્યપૂર્ણ અને સર્વાંગી વિકાસ થાય તે દિશામાં વહીવટીતંત્ર કાર્ય કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે તૈયાર કરવામાં આવેલી વેબ બેઇઝ, વેબ બ્રાઉઝર, ડેસ્કાટોપ આધારિત રિસ્પોન્સશીપ મોબાઇલથી ઓપરેટ થઇ શકે તેવી એપ્લીલકેશનની વિગતો પાવર પોઇન્ટર પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા અજીત રાજયાણ, આણંદ પાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, મામલતદારઓ, અગ્રણી પદાધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.