વડોદરા,: શહેરની પીસીબી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા એક ઈમસને તરસાલી ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.30 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ગુબ્બારાનું વેચાણ રોકવા શહેર પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસીંઘએ પોલીસને તેને અટકાવવા સુચનાઓ આપી છે. અને પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ વેચતા વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દરમિયાન પીસીબી પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે, તરસાલી ગંગાસાગર સોસાયટી ગુરૂદ્વારાની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કબિર રીલ એન્ડ પતંગ સેન્ટરમાં પ્રતબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. પીસીબીએ બાતમી વાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા. અને ચાઈનીઝ/પ્લાસ્ટિકના દોરાની કુલ રીલ-214 નંગ રૂ.30.650 કિંમતની મળી આવતા કબ્જે કરી હતી. પીસીબી દ્વારા સ્થળ પર હાજર અલ્તાફભાઈ ગફારભાઈ મેમણ(ઉ.વ.42)(રહે, તરસાલી વડોદરા) વિરૂદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરનામાંના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું ચેકીંગ કરે તો મોટી માત્રામાં આ પ્રકારનો દોરો મળી આવે તે નકારી શકાતું નથી.