SURAT

સિઝનની સૌથી ઠંડી રાત, રવિવારે સુરતમાં વલસાડ કરતા પણ તાપમાન ઓછું થઈ ગયું, લોકો ઘરમાં પણ ઠૂંઠવાયા

સુરત (Surat) : છેલ્લા બે દિવસથી પાકિસ્તાન (Pakistan) અને રાજસ્થાન (Rajashthan) તરફથી સરકીને આવેલા અપર એર સર્ક્યુલેશન (Upper air circulation) તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbances) કારણે રાજ્યના તાપમાનમાં (Temperature) ફરી ઘટાડો જોવા મળ્યો છે. સ્થિતિ એવી છે કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ કરતાં સુરતનું લઘુત્તમ (Minimum) તાપમાન ઓછું થઈ ગયું છે. રવિવારે સિઝનની (Season) સૌથી વધુ ઠંડી પડી હતી.

  • સુરતમાં રવિવારે રાત્રે મહત્તમ તાપમાન 25 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું
  • એક જ રાતમાં તાપમાનનો પારો 3.4 ડિગ્રી ઘટી જતા સુરતીઓ ધ્રુજવા માંડ્યા
  • ઠંડીના કારણે લોકોએ તાપણા કરવાની ફરજ પડી હતી તો કેટલાક લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું

હવામાન વિભાગના (Meteorological Department) આંકડા અનુસાર રવિવારની રાત આ શિયાળુ સિઝનની સૌથી ઠંડી રાત રહી છે. સોમવારે સવારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સુરતમાં રવિવારે રાત્રે મહત્તમ તાપમાન 25 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. જે શનિવારની રાત કરતા 3.4 ડિગ્રી ઓછું છે. 24 કલાકમાં જ સુરતમાં તાપમાનમાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકો રીતસર ધ્રુજી ઉઠ્યા છે. રવિવારના દિવસ અને રાત લોકો ઘરમાં પણ ઠૂંઠવાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને મહુવાની આસપાસ પડી રહેલા વરસાદના (Rain) કારણે ત્યાંના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આ અગાઉ રવિવારે સુરતમાં લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું હતું. આ તાપમાન શનિવારે નોંધાયેલા મહત્તમ તાપમાન કરતાં 2.2 ડિગ્રી ઓછું નોંધાયું હતું તેવી જ રીતે શનિવારે લઘુત્તમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું હતું જે શનિવારે ગગડીને 15.6 ડિગ્રી થઇ ગયું હતું. આ ઉપરાંત નવસારીમાં 13.5 અને વલસાડમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આકરી ઠંડીના કારણે લોકોએ તાપણા કરવાની ફરજ પડી હતી તો કેટલાક લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

રાજ્યમાં હજુ બે દિવસ ઠંડી ધ્રુજાવશે, નલિયામાં પારો ગગડીને 4 ડિગ્રી પર પહોંચ્યો

વડોદરા તથા અમરેલીમાં પણ 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જેના પગલે આ બન્ને શહેરોમાં પણ લોકોએ ઠંડીનો ધ્રુજારો અનુભવ્યો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી હતી કે હજુયે રાજયમાં બે દિવસ માટે ઠંડીનો ચમકારો યથાવત રહેશે. કચ્છના નલિયામાં એક સાથે 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી ગયો હતો. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 9 ડિ.સે.,ગાંધીનગરમાં 7 ડિ.સે.,ડીસામાં 10 ડિ.સે.,વડોદરામાં 9 ડિ.સે.,સુરતમાં 16 ડિ.સે.,ભૂજમાં 12 ડિ.સે.,નલિયામાં 7 ડિ.સે.,અમરેલીમાં 9 ડિ.સે.,ભાવનગરમાં 12 ડિ.સે.,રાજકોટમાં 10 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાયુ છે.

સુરતના અંબાજી રોડ પર તાપણામાં બ્લાસ્ટ થતાં ત્રણ જણા દાઝ્યા

સુરતના અંબાજી રોડ પરના નાની છીપવાડ શેરીમાં રવિવારની સાંજે છ વાગ્યાના અરસામાં એક ઘરના વાડામાં ઠંડીમાં રાહત મેળવવા એક તગારામાં તાપણું કરીને એક બાળક સહિત બે મહિલા તાપી રહ્યા હતા. દરમિયાન તાપણામાં કાગળ નાંખતી વેળાએ ભૂલથી વાંદા મારવાનો સ્પે તાપણામાં પડી જવાથી બ્લાસ્ટ થયા બાદ આગનો મોટો ભડકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની ઘાંચી શેરી ફાયર સ્ટેશનને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટમાં જ કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરના બાથરૂમના દરવાજા, પ્લાસ્ટીકના ટબને નુકશાન થયું હતું. તાપણું કરી રહેલા 45 વર્ષીય જલ્પાબેન પ્રશાંતભાઇ આસ્માનવાલા, 50 વર્ષીય માલતીબેન બોરતે અને 1 વર્ષીય બાળક ધ્રુંવાશ પરમભાઇ જરીવાળાને આગની જ્વાળા લાગી જતા દાઝ્યા હતા.

Most Popular

To Top