SURAT

સુરતના ડાઈંગ- પ્રોસેસિંગ ઉદ્યોગમાં સૌથી જાણીતા રમણભાઈ મહેતાનું 91 વર્ષની વયે નિધન

સુરત: (Surat)પાંડેસરા ઈન્ડ. કો ઓ. સોસાયટી લી. તથા પાંડેસરા સીઈટીપીના મેનેજર રમણભાઈ મહેતાનું (Raman Mehta) 91 વર્ષની દીર્ઘ વયે ગઈકાલે સવારે નિધન થયું હતું. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હતા. મૂળ મરોલીના વતની એવા રમણભાઈ વેસ્ટર્ન રેલવેના અધિકારી તરીકે સીએમઆઈ પદે નિવૃત થઈ છેલ્લા 35 વર્ષથી પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીમાં અને સીઈટીપીમાં (CETP) એકધારી સેવા આપી રહ્યાં હતાં. 91 વર્ષે પણ જુવાનોને શરમાવે તેવી તે રીતે તેઓ જીવન પર્યંત સક્રિય રહ્યાં હતાં. પાંડેસરા ઇન્ડ.સોસાયટીના પ્રમુખ કમલવિજય તુલસ્યાન અને એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા, જયંતીભાઈ કબૂતરવાલા, જેપી.અગ્રવાલ સહિત ઘણા ઉદ્યોગકારોના તેઓ અંગત પારિવારિક મિત્ર હતા. તે ઉપરાંત તેઓ સુરત મહાનગર પાલિકાના નિવૃત ડે.કમિ. અશ્વિન મહેતાના વડીલબંધુ હતા.

સુરતના કાપડ ઉદ્યોગમાં ફરી મંદીનું મોજું

સુરત: કોરોનાની ત્રીજી લહેરની માઠી અસર સુરતના મેન મેઈડ ફાયબર આધારિત કાપડ ઉદ્યોગ પર પડી છે. ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભારતનાં મુખ્ય શહેરોમાં 15 જાન્યુઆરીથી શરૂ થતી લગ્નસરાંની સિઝનમાં મહેમાનોની સંખ્યા પર અંકુશ મૂકવામાં આવતાં ફરી ભવ્ય લગ્નો નહીં યોજાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
કોરોનાની ત્રીજી લહેરને લીધે કાપડ ઉદ્યોગમાં ફરી મંદી છવાઈ છે. બહારગામના વેપારીઓએ તા.15 જાન્યુઆરી પછીની લગ્નસરાંની સિઝન માટે નવા ઓર્ડર બુક નહીં કરાવતા કાપડ મિલોમાં ગ્રે-કાપડની આવક 40 ટકા ઘટી છે. પાવરલૂમ ઉદ્યોગમાં પણ 40 ટકા ઉત્પાદન કાપ મુકાયો છે. ટ્રેડર્સને બહારગામના ઓર્ડર ઓછા મળતાં ગ્રે-કાપડની ખરીદી ઘટતાં મિલોને જોબવર્કનું કામ મળતું ઓછું થયું છે.
સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ‘કોરોનાની ત્રીજી લહેરના ભયને લીધે વેપારીઓ દ્વારા પ્રોડક્શન પર કાપ મૂકવામાં આવ્યો છે. 12 ટકા જીએસટી દર સ્થગિત થયો એ પહેલાં કાપડનો વેપાર ઠંડો રહેતાં વેપારીઓ પાસે સ્ટોક પણ પૂરતો પડ્યો છે. બીજી તરફ કોરોનાના ભયને લીધે ડિમાંડ ઘટી હોય શકે છે. મિલોમાં જે કાપડ નાંખવામાં આવ્યું છે તે પણ પ્રિન્ટિંગ માટે અટકાવાયું છે. વેપારીઓ દ્વારા નવા પ્રોગ્રામ આપવામાં આવી રહ્યા નથી. તેના લીધે મિલોમાં 40 ટકા જેટલું કામ ઓછું થઈ ગયું છે.
કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે કાપડ ઈન્ડસ્ટ્રી પર તેની માઠી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. મિલો પ્રોગ્રામ પ્રમાણે સપ્તાહમાં બે દિવસ પ્રોડક્શન કાપ રાખી રહી છે. કોરોનાની બીજી લહેર પછી દેશભરમાં સ્થિતિ હળવી થતાં 2021ના વર્ષમાં જૂનથી નવેમ્બર સુધી કાપડ ઉદ્યોગમાં તેજી રહી હતી. હવે રિવર્સ પરિસ્થિતિ ઊભી થઇ છે. 2021ની તેજીમાં સુરતના કાપડ ઉદ્યોગનું ટર્ન ઓવર 23,000 કરોડ રહ્યું હતું.

Most Popular

To Top