Charchapatra

ઝેનો બોટ

સરળ ભાષામાં ઝેનોબોટ એટલે એક રોબોટ બીજા રોબોટને પેદા કરી શકે તે! અત્યાર સુધી કોઇ પણ વૈજ્ઞાનિકે હલનચલન કરતા રોબોટ માટે જૈવિક મટિરિયલનો ઉપયોગ નહોતો કર્યો. પણ હવે વૈજ્ઞાનિકોએ જૈવિક કોષોનો ઉપયોગ કરીને 1 મિલીમીટર (રાઇના દાણા જેટલો) જેટલા નાના રોબોટની રચના કરી છે. આશરે 3000 જેટલા જૈવિક કોષોથી આ રોબોટ બનેલો હોય છે. ટફટ યુનિ’ટિની લેબોરેટરીમાં પેટ્રીડીશમાં દેડકાના ગર્ભમાંથી મેળવેલ સ્ટેમસેલ્સમાંથી 2000 જેટલા ચામડીના કોષ અલગ કરવામાં આવ્યા. આ ચામડીના કોષો સાથે દેડકાના હૃદયના સ્નાયુના 1000 કોષ ઉમેરવામાં આવ્યા હતા.

આનાથી 1 મિ.મી. જેટલા કોષોનો નાનો દડો રચાયો જેને વૈજ્ઞાનિકોએ ‘ઝેનો બોટ’ નામ આપ્યું. જોડાયેલા પંજાવાળા આફ્રિકન દેડકાની પ્રજાતિ ‘ઝેનોપસ લેવિસ’માંથી આ ‘ઝેનો’ નામ લેવામાં આવ્યું છે. આ રોબોટ અન્ય જૈવિક કોષોને મુખમાં એકઠા કરીને બહાર કાઢે છે. ત્યારે તેમના જેવા જ નવા બાળ ‘ઝેનોબોટ’ ઉત્પન કરે છે. ઝેનોબોટ બાયોડિગ્રેડેબલ અને બાયો કોમ્પિટીબલ જૈવિક મશીન છે. તે શરીરના ખાસ અંગોમાં દવા પહોંચાડવા માટે કેન્સરના કોષોને દૂર કરવા માટે, હૃદયમાં લોહી પૂરું પાડતી રકતવાહિનીમાં જામી ગયેલ ચરબીના કણોને દૂર કરવા માટે ઉપયોગી થશે. શરીરમાં નકામા અંગ કે ગાંઠોને કાઢવા માટે ઝેનોબોટ કામ લાગશે. રોગીસ્ટ અંગને ઝેનોબોટ વાઢકાપ કર્યા વગર દૂર કરશે. આમ ઝેનોબોટ માનવજાત માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ તો ઝેનોબોટની શરૂઆત છે. હવે પછીનાં વર્ષોમાં ઝેનોબોટ પર વધુ સંશોધન થશે. વિજ્ઞાન વિશ્વને કયાં લઇ જશે!
સુરત       – ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top