સુરત(Surat) : સુરતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. જાણે પોલીસનો કોઈ ધાક જ રહ્યો નથી. નાની સામાન્ય વાતોમાં તલવારો ઉછળી રહી છે. અસામાજિક તત્વો નિર્દોષોને માર મારી રહ્યાં છે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. મોટા વરાછાના અબ્રામા રોડ પર સામાન્ય વાતમાં પેટ્રોલ પંપના મેનેજરને માર મારવાની ઘટના સામે આવી છે.
મોટા વરાછાના (Varacha) અબ્રામા રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ (Petrol pump) ઉપર મેનેજરને (Manager) બાથરૂમમાં કેટલી વાર લગાવે છે..? કહીને અજાણ્યાઓએ ઝગડો કરી માર માર્યો હતો. આ મારામારીમાં મેનેજરની સાથે એક કર્મચારીને પણ ગંભીર ઇજા પહોંચતા પોલીસ (Police) ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી મોટા વરાછા (Mota varacha) અબ્રામા રોડ (Abrama Road) ગોકુલધામની પાછળ સહજાનંદ પ્રસ્થમાં રહેતા ચિરાગ મનુભાઈ ગજેરા (ઉ.વ.૩૨) મોટા વરાછા દુઃખીયાના દરબાર રોડ રાજફાર્મની સામે એન્થમ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ ખાતે મેનેજર (Manager) તરીકે નોકરી કરે છે. ચિરાગભાઇ સાંજના સમયે પેટ્રોલપંપના બાથરૂમમાં (Bath room) ગયા હતા, અહીં એક અજાણ્યો આવ્યો હતો અને બાથરૂમનો દરવાજો (Door) ખખડાવવા લાગ્યો હતો. ચિરાગભાઇ બહાર આવતાની સાથે જ અજાણ્યાએ કહ્યું કે, કેમ આટલી બધી વાર લાગે છે..? પેટ્રોલપંપ તારા બાપનો છે કહીને ગાળો આપવા લાગ્યો હતો. આ દરમિયાન પેટ્રોલપંપમાં હાજર કેટલાક કર્મચારીઓ દોડી આવ્યા હતા.
થોડીવાર બાદ અજાણ્યો ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ચિરાગભાઇ ઓફિસમાં જઇને કામ કરવા લાગ્યા હતા. 15 મિનિટ પછી ફરી અજાણ્યો પોતાના પાંચેક મિત્રોની સાથે પેટ્રોલપંપ ઉપર આવ્યો હતો અને ચિરાગભાઇને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. ચિરાગભાઇને છોડાવવા વચ્ચે પડેલા મહેશ નામના કર્મચારીને પણ ઇજા કરીને અજાણ્યાઓ ફરાર (Absconding) થઇ ગયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.