પલસાણા(Palsana): સુરત (Surat) શહેર ખાતે રહેતા એક ઇસમે કડોદરા (Kadodra) હરિધામ સોસાયટીમાં (Haridham Society) આવેલા તેના મકાન ઉપર મુથ્થુટ ફાઇનાન્સ કંપનીમાંથી લોન (Loan) લીધી હતી. તેમ છતાં આ મકાન એક યુવાનને 11 લાખમાં વેચી દીધું હતું. ત્યારબાદ આ ઇસમે મકાન ખરીદનારને ખોટો દસ્તાવેજ તેમજ સબ રજિસ્ટાર કચેરી પલસાણાના ખોટા સહી-સિક્કા કરી આપ્યા હતા. મકાન વેચનાર ઇસમે લોનના હપ્તા ન ભરતાં મુથ્થુટ ફાઇનાન્સ કંપનીના માણસોએ આ મકાનની હરાજી કરવાનું જણાવતાં યુવાન સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે કડોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણાના કડોદરા ખાતે હરિધામ સોસાયટીમાં મકાન નં.133માં રહેતા રાજકુમાર કાશીનાથ ચૌધરી કડોદરા ખાતે એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. વર્ષ-2015માં આ સોસાયટીમાં તેઓ ભાડેથી રહેતા હતા. પરંતુ મકાનમાલિકે મકાન ખાલી કરવાનું કહેતાં તેઓ આ જ સોસાયટીમાં મકાન ભાડે શોધી રહ્યા હતા. એ સમયે સુરત શહેરના વરાછા રોડ ઉપર આવેલા હીરાબાગ ઇ.ડબ્લ્યૂ.એસ. ક્વાટર્સમાં રહેતા ભરત બુદ્ધા ચૌધરીનું કડોદરા હરિધામ સોસાયટીમાં આવેલું મકાન ખાલી હોવાથી રાજકુમારે ભરતભાઇનો સંપર્ક કરતાં ભરતભાઇએ જણાવ્યું હતું કે, આ મકાન મારે વેચી દેવાનું છે. જેથી રાજકુમારે આ મકાન 11 લાખમાં ખરીદ્યું હતું. અને ભરતભાઇએ મકાનની ચાવી આપતાં તેઓ પરિવાર સાથે રહેવા આવી ગયા હતા. રાજકુમારે ભરતભાઇને મકાનના 11 લાખ પણ ચૂકવી દીધા હતા. ત્યારબાદ રાજકુમારે દસ્તાવેજ કરવાનું કહેતાં ભરતભાઇએ ડિસેમ્બર-2017માં દસ્તાવેજ સબરજિસ્ટ્રાર કચેરી પલસાણાના દસ્તાવેજ નં.2074/2017PSN 22નો આપ્યો હતો. આ દસ્તાવેજ લઈ રાજકુમાર આઈ.ડી.બી.આઈ. બેન્કમાં લોન કરાવવા જતાં જાણવા મળ્યું હતું કે, આ દસ્તાવેજ ખોટો છે. જેથી રાજકુમારે તપાસ કરાવતાં આ દસ્તાવેજ નંબર ખરભાસી ગામે આવેલા એક મકાનનો છે. ત્યારબાદ ભરતભાઇને ફોન કરતાં તેઓ ફોન ઉપાડતા ન હતા. ત્યારબાદ બે-ત્રણ મહિના બાદ મુથ્થુટ ફાઇનાન્સ કંપનીના માણસો તેમના ઘરે આવ્યા હતા. અને જણાવ્યું હતું કે, ભરત ચૌધરી ક્યાં છે. તેમણે મુથ્થુટ ફાઇનાન્સમાં આ મકાન ગીરવી મૂક્યું છે. તેના ઉપર લોન લીધી છે અને તેઓ હપ્તા ભરતા નથી. આથી રાજકુમારે ઘરનો દસ્તાવેજ બતાવતાં આ દસ્તાવેજ ખોટો હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, અસલ દસ્તાવેજ તો અમારી પાસે છે. ભરતભાઇએ હપ્તા ન ભરતા આ મકાનની હરાજી કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રાજકુમારે ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ સાથે મકાનની નક્કી કરેલી કિંમત રૂ.7.85 લાખ ચૂકવી હતી. જેથી ભરતભાઇએ મકાન ઉપર લોન લઈ હપ્તા ન ભરી ખોટો દસ્તાવેજ કરી આપી રાજકુમાર સાથે 19 લાખની છેતરપિંડી કરતાં રાજકુમારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.