આશરે 23 થી પણ વધુ વર્ષોથી જાતીય જીવન માણવામાં તકલીફ અનુભવતા દર્દીઓની સારવાર કરું છું અને ડાયાબિટીસના દર્દીઓની સેક્સ અંગેની ચિંતાથી સારી રીતે વાકેફ પણ છું. આ દર્દીઓમાં સેક્સ માણવા અંગે ઘણી દ્વિધા પ્રવર્તતી જોવા મળે છે અને કહી, સાંભળેલી વાતોના હિસાબે કેટલાક કિસ્સામાં દર્દીની પરંતુ તેનું સેક્સ પાર્ટનર આ બાબતને લઇને ચિંતિત જોવા મળે છે. નપુંસકતાની સમસ્યા માટે ડાયાબિટીસ એ એક બહુપ્રચલિત કારણ છે. ડાયાબિટીસ નહીં ધરાવતા પુરુષોની સરખામણીએ જોઈએ તો ડાયાબિટીસ ધરાવતા પુરુષોને નપુંસકતા થવાની સમસ્યા ત્રણ ગણી વધુ રહેલી છે, અને તે પણ વહેલી ઉંમરે. વધતી ઉંમર તથા કાબૂ બહાર રહેતા ડાયાબીટીસની પ્રબળતા અને સમય વધવાની સાથે-સાથે નપુંસકતાની સમસ્યાના લક્ષણો પણ વધતાં જાય છે.
બેતાલીસ વર્ષીય નેહાના તેતાલીસ વર્ષીય પતિ રોનકે ચાર વર્ષ પહેલાં શિશ્નોત્થાનને લગતી સમસ્યા માટે સારવાર લેવાની શરૂ કરી ત્યારથી તે આ સમસ્યા વિશે થોડું ઘણું જાણતી થઈ છે. પોતાનો અનુભવ વર્ણવતા નેહા જણાવે છે કે, ‘’પહેલાં તો તમને એવું જ પ્રતિત થાય છે કે ઉંમર વધી રહી હોવાથી તમારી શારીરિક ક્રિયાઓ મંદ પડી રહી છે. જો કે આ સમસ્યા એટલી હદે વધી કે તેઓ દવાઓની મદદ વગર સેક્સ કરી જ શકતા નહોતા. જો કે નેહાના પતિ એક માત્ર આ સમસ્યાથી પીડાય છે તેવું નથી. ભારતમાં આશરે 38 %થી વધુ પુરુષો નપુંસકતાની સમસ્યાથી પીડાય છે. 40 વર્ષની વય પછી આ સમસ્યા વધવાની શક્યતા વધારે છે. પરંતુ આજકાલ નપુંસકતાની તકલીફ નાની ઉંમરે પણ વધતી જોવા મળી રહી છે.
સામાન્ય લોકોની તુલનાએ નેહાના પતિની જેમ ડાયાબિટીસ ધરાવતા લોકોને નપુંસકતાની સમસ્યા થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે. આ રોગમાં રુધિરવાહિનીઓ તથા ચેતાકોષોને નુકસાન થાય છે જેના લીધે શિશ્નના ઉત્થાન પર અસર થાય છે. ઉંમરલાયક પુરુષોમાં આ સમસ્યા વધુ પ્રવર્તતી હોવાનું જોવા મળે છે. જો કે વધતી ઉંમર તેના માટેનું એક માત્ર કારણ નથી. નપુંસકતાની સમસ્યાના આશરે ૮૦ % જેટલા કિસ્સાઓમાં શારીરિક કારણ જવાબદાર હોય છે. તેનો અર્થ એ છે કે તમારે વેળાસર તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તાજેતરમાં વધુ એક નવું સંશોધન જારી કરાયું છે. જેમાં જણાવ્યાં અનુસાર વિટામિન Dની ઉણપ અથવા ખામી પણ નપુંસકતાની સમસ્યા સાથે સંકળાયેલી છે. અભ્યાસમાં જણાવ્યાં અનુસાર નપુંસકતાની સમસ્યા ધરાવતાં 35 % પુરુષોમાં વિટામિન Dની ખામી જોવાઈ હતી.
જ્યારે શિશ્નોત્થાનની સમસ્યા નહીં ધરાવતાં 29 % લોકોમાં વિટામિન Dની ઉણપ જોવાઈ હતી. નપુંસકતાની સમસ્યા સાથે સંકળાયેલા શરાબનું સેવન, ધુમ્રપાન, ડાયબિટીસ, બ્લડ પ્રેશરની સારવાર જેમ કે બીટા બ્લોકર, ઈંડા સહિતનો માંસાહાર તથા ડીપ્રેશન માટેની સારવાર જેવા અન્ય પરિબળોનો અભ્યાસ કર્યો છતાં વિટામિન Dની ઉણપ મહત્ત્વના પરિબળ તરીકે ઉભર્યું હતું. વિટામિન Dની ઉણપનો તાગ મેળવવો સરળ છે અને કસરત, ખોરાકમાં ફેરફાર, વિટામિન Dની સપ્લિમેન્ટ્સ તથા સૂર્યપ્રકાશમાં સમય ગાળવા જેવા જીવનશૈલીમાં ફેરફારની મદદથી આ ઉણપ દૂર કરી શકાય છે.
જો તમને ડાયાબિટીસ હોય અને તમે નપુંસકતાની સમસ્યાથી ઉપાય ચાહો તો સૌ પ્રથમ તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગના લોકો ડોક્ટર કે અન્ય કોઈપણ સમક્ષ પોતાની જાતીય સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં ખચકાટ કે શરમ અનુભવતા હોય છે. પરંતુ તેમાં ચિંતાનું કોઈ કારણ નથી. તમારા ડોક્ટર આ પ્રકારની અનેક સમસ્યાઓ હલ કરી ચુક્યા હોય છે. તમારી સમસ્યામાં કેવી રીતે મદદરૂપ થવું તે પણ તેઓ સારી રીતે જાણતા હોય છે.
નપુંસકતાની સમસ્યામાં સુધારો કરવાનો સૌથી સરળ રસ્તો જીવનશૈલીમાં ફેરફાર કરવાનો છે. કેટલાંક પુરુષો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી, ધુમ્રપાનનો ત્યાગ કરી, નિયમત કસરત કરી તથા તણાવ ધટાડીને પુનઃ ક્ષમતાં હાંસલ કરે છે. અહીં આગળ સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે ડાયાબિટીસને કોઇપણ સંજોગોમાં કંટ્રોલ કરવી પડે. જો ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહે હોય તો તે તમારા શરીરમાં ગમે ત્યાં નુકસાન કરી શકે છે. અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ આંખમાં, હૃદય, કિડનીમાં તેમ જ જાતીય જીવનમાં મુશ્કેલીઓ સર્જતો હોય છે. જો કે જે લોકોને વધુ સઘન સારવારની જરૂર હોય તેવા લોકોને અન્ય સારવારની સાથે સાથે જ જીવનશૈલીમાં ઉપરોક્ત બાબતોનો સમાવેશ કરવાથી લાભ થાય છે. આજની તારીખમાં ડાયાબિટીસના દર્દીઓ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવનનો આનંદ માણી શકે છે અને તેમના સાથી ને પણ જાતીય સુખ આપવા કાબીલ બની શકતા હોય છે