Business

વિશ્વના સૌથી મોંઘા 5000 કરોડના

છેલ્લાં થોડા દિવસોથી સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન અને તેમની પત્ની પ્રિન્સેસ હયાના છૂટાછેડાની વાત ચર્ચામાં છે. UKની એક અદાલતે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમને છૂટાછેડાના સમાધાન તરીકે પ્રિન્સેસ હયા અને તેના બાળકોને £550 મિલિયન (આશરે રૂ. 5000 કરોડ) ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આને દુનિયાનું સૌથી મોંઘું છૂટાછેડા સેટલમેન્ટ કહેવામાં આવે છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ છૂટાછેડાની સુનાવણીમાં જ 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી શાહી લગ્નો અને તેમાં થતાં લખલૂટ ખર્ચ વિષે તમે ઘણું વાંચ્યું હશે. આજે આ જરાં અચરજ ભરેલી રાજા-રાણીની રિઅલ કહાની જોઈએ.

બ્રિટનની હાઈકોર્ટે મંગળવારે પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈનની પતાવટની રકમ £250 મિલિયન નક્કી કરી છે. હયા 47 વર્ષની છે અને તે જોર્ડનના પૂર્વ રાજા હુસૈનની પુત્રી છે. શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડા પ્રધાન છે. શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ હોર્સ રેસિંગની દુનિયાની સુપ્રસિદ્ધ વ્યક્તિઓમાં ગણાય છે. તેણે કુલ છ લગ્ન કર્યા છે. છૂટાછેડાની સુનાવણી દરમિયાન પ્રિન્સેસ હયા વિશે ઘણી ષડયંત્રની થિયરીઓ વાયરલ થઈ હતી. આમાંથી એક એ હતી કે, તેણે પોતાના બોડીગાર્ડ સાથેના સંબંધોને છુપાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. સુનાવણી દરમિયાન રાજકુમારી હયાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતું કે, તે અને તેના પૂર્વ બોડીગાર્ડ રસેલ ફ્લાવર્સ રિલેશનશિપમાં હતા અને તેની સુરક્ષામાં તૈનાત અન્ય અંગરક્ષકો તેને બ્લેકમેલ કરતા હતા કે તે આ વાત જાહેર કરશે.

પ્રિન્સેસ હયાએ કોર્ટને જણાવ્યું હતું કે, ચાર સુરક્ષા કર્મચારીઓએ રસેલનાં તેની સાથેનાં સંબંધો, ઘરેણાં વેચવા અને તેની પુત્રીના ખાતામાંથી પૈસા ઉપાડવાના મુદ્દે બ્લેકમેલ કરી હતી. આ બધી વાતો જાહેર ન કરવાના બદલામાં તેણે તેના ચાર સુરક્ષા કર્મચારીઓને લગભગ 67 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પૈસા રાજકુમારી હયાએ તેની પુત્રીના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે કોર્ટમાં જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ખૂબ ડરી ગઈ હતી અને તે સમયે મારી પાસે ફક્ત તે ખાતામાં પૈસા હતા.

જો કે, ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, પ્રિન્સેસ હયાના બોડીગાર્ડ અને કથિત બોયફ્રેન્ડ રસેલ ફ્લાવર્સના મિત્રો અને ભૂતપૂર્વ સહયોગીઓએ એવું જણાવ્યું હતું કે રસેલ બ્લેકમેલના કાવતરામાં સામેલ ન હતો. રસેલ ફ્લાવર્સે ક્યારેય કોઈ પૈસાની માગણી કરી નથી. રસેલે 12 કરોડ રૂપિયાના નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જે તેને હયા સાથેના તેના સંબંધો વિશે બોલવાની મંજૂરી આપતાં ન હતાં. એક પૂર્વ કર્મચારીનું કહેવું છે કે, દુબઈના શાહી પરિવારમાં કામ કરવાની પરિસ્થિતિઓના નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા એક સામાન્ય પ્રથા છે. હયા શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની પત્નીઓમાં સૌથી નાની છે. બ્રિટનની હાઈકોર્ટે આપેલા નિર્ણય અનુસાર, તેની બે પ્રોપર્ટીના જાળવણીનો ખર્ચ રાજકુમારી હયાને આપવામાં આવેલા પૈસામાંથી ચૂકવવામાં આવશે. વધુમાં તેમાં સેફ્ટી બજેટની જોગવાઈ, વેકેશનનો ખર્ચ, નર્સ અને આયાનો પગાર અને પરિવાર અને પાલતુ પ્રાણીઓ માટે આર્મર્ડ વાહનોનો સમાવેશ થાય છે. નિર્ણયમાં બંને બાળકોને વાર્ષિક 5.6 મિલિયન પાઉન્ડ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. બે બાળકોમાંથી એક 14 વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર છે. તેમને £29 મિલિયનની ગેરંટી પણ આપવી પડશે. પ્રિન્સેસ હયા વર્ષ 2019માં તેના બાળકો સાથે દુબઈથી ભાગીને બ્રિટન આવી હતી.

દુબઈના રાજવી પરિવાર માટે ઇતિહાસનો આ એક લાંબો કોર્ટ કેસ બની ગયો છે. રાજકુમારી હયા બ્રિટન આવતી ત્યારે તેને ધમકીઓ મળતી હતી. હયાને મેસેજ મળતાં હતા કે ‘તમે જ્યાં રહો અમે ત્યાં પણ પહોંચી શકીશું’. બ્રિટનમાં તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તે જ વર્ષે કોર્ટે ચુકાદો આપ્યો અને કહ્યું હતું કેસ, શેખ મોહમ્મદે રાજકુમારી હયા, તેના અંગરક્ષક અને કાનૂની ટીમના મોબાઇલ ફોન ગેરકાયદેસર રીતે હેક કર્યા હતા.

આ હેકિંગમાં પેગાસસનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું. છૂટાછેડા પર ચુકાદો આપતા જસ્ટિસ મૂરે રાજકુમારી હયાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ કહાની રાજા-રાણીની સ્ટોરીથી જરાય ઓછી ઉતરે એવી નહોતી. હયાએ આરોપ લગાવ્યો હતો કે, તેના જીવને જોખમ છે, ખાસ કરીને શેખ મોહમ્મદ તેમની અન્ય બે પુત્રીઓ શેખ લતીફા અને શેખ શમસાને તેમની સંમતિ વિના દુબઈ લાવ્યાં હોવાની જાણ થયા પછી. જો કે, 72 વર્ષના શેખ મોહમ્મદે અપહરણના આરોપોને નકારી કાઢ્યા હતા. હયાએ કોર્ટમાં ફોર્સ મેરેજ પ્રોટેક્શન ઓર્ડરની માગણી કરી હતી, જેમાં કોઈ વ્યક્તિને લગ્નના બંધનમાં બળજબરીથી રહેવામાંથી બચાવે છે.

દુબઈના શાસક શેખ મોહમ્મદ આ સુનાવણીમાં હાજર પણ રહ્યાં ન હતા. રાજકુમારી હયા બિન્ત અલ-હુસૈન જોર્ડનના રાજા અબ્દુલ્લાની સાવકી બહેન અને શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે. પ્રિન્સેસ હયાનો જન્મ મે 1974માં થયો હતો. તેમના પિતા જોર્ડનના શાહ હુસૈન હતા, જ્યારે માતા મહારાણી આલિયા અલ-હુસૈન હતા. રાજકુમારી હયા માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે તેની માતાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. રાજકુમારી હયાએ તેનું બાળપણ બ્રિટનમાં વિતાવ્યું હતું. તેણે બે ખાનગી શાળાઓ બ્રિસ્ટોલમાં બેડમિન્ટન સ્કૂલ અને ડોર્સેટની બ્રાયનસ્ટન સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો હતો.

ત્યાર બાદ તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી. તેના અગાઉના કેટલાક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેને બાજ, શૂટિંગ અને મોટા મશીનોનો શોખ છે. આ સિવાય તેણે દાવો કર્યો હતો કે, જોર્ડનમાં તે એકમાત્ર મહિલા છે જેણે મોટી ટ્રક ચલાવવાનું લાઇસન્સ મેળવ્યું છે. રાજકુમારી હયાને ઘોડેસવારીનો પણ શોખ છે. હયાએ 20 વર્ષની ઉંમરથી ઘોડેસવારી તેના કરિઅર તરીકે પસંદ કરી હતી. પ્રિન્સેસ હયાએ 2000ની ઓલિમ્પિક ગેમ્સમાં હોર્સ રાઈડીંગ જોર્ડનનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માટે આ મામલો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે.

આ મામલામાં આ મહિને એક ખાનગી સુનાવણી પણ કરવામાં આવી હતી, આ સુનાવણીમાં બંને પક્ષોએ નિવેદન જારી કરીને એવું કહ્યું હતું કે, આ કેસ તેમના બાળકોના ભલા માટે છે અને છૂટાછેડા કે પૈસા માટે નથી. શેખ મોહમ્મદના બ્રિટન સાથે ગાઢ સંબંધો રહ્યાં છે. તેઓ બ્રિટનની પ્રખ્યાત મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટમાંથી ગ્રેજ્યુએટ થયાં છે. શેખ મોહમ્મદ ઘોડાઓના શોખીન છે, બ્રિટનના હોર્સ રાઈડીંગ ક્ષેત્રની તાકાતવર શક્સિયત છે.

તેમની અને પરિવારની બ્રિટનમાં અનેક મિલકતો છે. શેખ મોહમ્મદના નેતૃત્વમાં જ દુબઈ એક મુખ્ય વેપારી કેન્દ્ર અને પ્રવાસન સ્થળ બન્યું છે. જો કે, હાલની પારિવારિક રસ્સીખેંચ વચ્ચે દુબઈમાં તેઓ રાજકીય અને આર્થિક પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી અર્થવ્યવસ્થા ખૂબ જ ધીમી ચાલી રહી છે અને તેલની કિંમતો સતત નીચે જઈ રહી છે. આ કાનૂની લડાઈ જોર્ડનના રાજા અબ્દુલ્લા માટે પણ ખૂબ ચિંતાનો વિષય છે, કારણ કે જોર્ડનને UAE અને તેના સાથી સાઉદી અરેબિયા પાસેથી સરકારી ભંડોળ મળે છે.

દુબઈના શાહી પરિવારના નજીકના લોકોનું કહેવું છે કે, શેખ મોહમ્મદ અને રાજકુમારી હયા વચ્ચેના પારિવારિક ઝઘડાનું કારણ શેખની બીજી પત્નીની 33 વર્ષની પુત્રી શેખ લતીફા છે. શેખ લતીફા અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી છે. તેનાં તોર તરીકાઓ પર રોક લગાવી દેવામાં આવી હતી. એ પછી તેણે ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. શેખ લતીફાના ખાસ મિત્રોના જણાવ્યા અનુસાર, તેણે ગયા વર્ષે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના જહાજને ભારતીય દરિયાકાંઠા નજીક અમીરાતી સેનાએ અટકાવ્યું હતું.

એવું પણ કહેવાય છે કે, ગત ડિસેમ્બરમાં ભૂતપૂર્વ આઇરિશ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સન સાથેની તેમની મુલાકાત પછી તે જોવા મળી નથી. રોબિન્સન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર જૂથના ભૂતપૂર્વ વડા છે અને પ્રિન્સેસ હયાના મિત્ર પણ છે. એ બેઠક પછી શેખ લતીફા ‘મુશ્કેલી’માં હોવાનું કહેવાય છે અને બહાર એવું પાડવામાં આવ્યું હતું કે, શેખ લતીફાની તેનો પરિવાર પ્રેમાળ સંભાળ લઈ રહ્યો છે. જો કે, આ મામલે ખુબ હો-હા મચતાં UAE પ્રશાસને આરોપોના જવાબમાં શેખ લતીફાની ચાલી રહેલી સારવાર અને રોબિન્સનને મળવા વિશે માહિતી જાહેર કરી હતી.

ગયા વર્ષે માર્ચમાં સામે આવેલા 40 મિનિટના વીડિયોમાં શેખ લતીફાએ તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, તે દુબઈમાં રહેવા માગતી નથી. તેની બહેન શમસાનો ઉલ્લેખ કરતાં તેણે એવું કહ્યું હતું કે, વર્ષ 2000માં તે બ્રિટનમાં રજાઓ ગાળતી વખતે ગમ થઈ ગઈ હતી. લતીફાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તમે આ વીડિયો જોઈ રહ્યા હશો ત્યારે કદાચ હું મરી ગઈ હોઈશ. રાજા-રાણીની આ કહાનીમાં હાલ આ મામલો વિશ્વભરમાં ચર્ચાનું કારણ બન્યો છે. એવું કહેવાય છે કે, આટલાં મોંઘા તલ્લાક આજ સુધી ઇતિહાસમાં ક્યારેય થયા નથી.

Most Popular

To Top