Business

આ તે કેવો ચમત્કાર? ગરીબો ય વધ્યા ને અબજોપતિઓ પણ વધ્યા!

ન્યુઝ ચેનલ CNBCના કહેવા પ્રમાણે કોવિડ-19ને પરિણામે મંદી આવી તેથી ગયા માર્ચ સુધીમાં ભારતના વધુ સાડા સાત કરોડ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાઇ ગયા હતા. આ આંકડા ચેનલે વોશિંગ્ટન DC ખાતેના પ્રસિધ્ધ અને આધારભૂત ગણાતા પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલને ટાંકીને આપ્યા હતા. તે અહેવાલ મુજબ જગતભરમાં વરસ 2020માં જેટલા લોકો ગરીબીમાં સપડાયા તેમાં 60 % એટલે કે અડધાથી પણ વધુ એકલા ભારતમાં છે. પણ તેમ એટલા માટે લાગે છે કે મૂળ તો ભારતની વસતિ જ ઘણી મોટી છે.

તેમાં પણ ગરીબ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગ વચ્ચે ભેદ પાડતી સરહદ પર જ કરોડો લોકો વસે છે અને સહેજ આર્થિક ઠોકર વાગે તો પણ ગરીબીની ટેરિટરીમાં જઇને ગબડે એવો સિનારિયો દાયકાઓથી છે. સ્વાભાવિક છે કે કોવિડ-19નો માર અસાધારણ હતો અને વસતિની ટકાવારીની રીતે જોઇએ તો બીજા દેશોની પ્રજાએ ભારતની પ્રજા કરતા પણ આર્થિક રીતે વધુ નુકશાન સહન કરવું પડયું છે. ભારતમાં એ લોકોને ગરીબ ગણવામાં આવે છે જે વ્યકિત એક દિવસના દોઢસો રૂપિયા જેટલી અથવા તેનાથી ઓછી આવકમાં દિવસનો ગુજારો કરે છે.

લોકો હજી કોરોનાનો વિપરિત પ્રભાવ અનુભવી રહ્યાં છે. પરંતુ શ્રીમંતોની શ્રીમંતાઇ કે સંખ્યા ઘટવાને બદલે વધ્યા છે. આ કૂદરતનો કટાક્ષ અથવા વ્યંગ છે. આ છેલ્લા દોઢ વરસમાં શેર બજારમાં સતત તેજી રહી છે તે ઘણાને વિસ્મય પમાડે છે. IPOના ભરણાં અભૂતપૂર્વ માત્રામાં ભરાયાં. ફાલ્ગુની નાયર અચાનક ભારતની સૌથી ધનવાન મહિલા બની ગઇ. બધા આંકડાઓ હજારો કરોડોમાં જ લખાય છે. અત્તર અને ગુટખા નિર્માતાને ત્યાંથી બસ્સોથી ત્રણસો કરોડ રૂપિયાની કેશ પકડાઇ. છાપાં વાંચીને લાગે કે દેશમાં ધનદોલત છલકાઇ રહી છે. એટલા પૈસા લોકો પાસે છે કે પ્રથમ તો મૂડીરોકાણ કરી નાખે અને પછી વિચારે કે અમુક તમુક ચીજ, શેર વગેરે એ રકમમાં ખરીદવાનો નિર્ણય વાજબી હતો ખરો? જયારે જ્ઞાનનું આગમન થાય ત્યારે ખબર પડે કે મોટું બ્લંડર માર્યું. તાજેતરમાં PTMના ભરણામાં આવા જ હાલહવાલ નિવેશકોના થયા હતા.

દેશના અર્થતંત્રમાં એ પ્રોસેસ પ્રોમિનન્ટ છે, જેમાં સમાજનો એક મોટો વર્ગ ગુમાવે તેમાંથી થોડો માલેતુજારો વધુ માલેતુજારો બને છે. આ પ્રકારનું અર્થતંત્ર એકંદરે દેશને વધુ ગરીબ બનાવે છે. તેમાં દેશમાં સંપતિનું સર્જન થતું નથી, પણ કરોડો લોકો નાની નાની રકમ કમાય તેને શ્રીમંતો પડાવી લે છે. આવું અનેક શ્રીમંત દેશોમાં બને છે. ટાટા ગ્રુપ, બિરલા ગ્રુપ અને બીજા અમુક જૂથો છે જે ઓર્ગેનિક, એટલે સબ કા સાથ સબ કા વિકાસની નીતિ અપનાવી આર્થિક સંપત્તિનું સર્જન કરે છે. આજકાલ IPOમાં થોડી નાની સફળતાના ગાગંડે સમાજને નીચોવી લેવામાં આવે છે. હર્ષદ મહેતાના સમયથી આ પ્રેકિટસ શરૂ થઇ  છે તે ઘટવાને બદલે તેજીથી વકરી રહી છે.

વરસ 2020ના માર્ચ સુધીમાં રૂપિયા એક અબજ ડોલર અર્થત 7500 (સાડા સાત હજાર) કરોડ રૂપિયાની મિલકતો ધરાવતા અબજોપતિઓની સંખ્યા માત્ર 85 હતી. એ પ્રમોટરો અને બિઝનેસમેનોની સંખ્યા હવે વધીને 126ની થઇ છે. 41 અબજોપતિઓનો ખાસ્સો વધારો માત્ર દોઢથી પોણા બે વરસના ગાળામાં થયો જેમાં મોટા ભાગના સમયમાં અર્થતંત્ર ઠપ રહ્યું હતું. જેટલા હતા તેના દોઢ ગણા માત્ર આટલા ટુંકા ગાળામાં થઇ ગયા. આ તે કેવો ચમત્કાર?

આ અબજોપતિ પ્રમોટરો અને બિઝનેસમેનોની સંયુકત સંપત્તિ 2020ના નાણાકીય વરસમાં 483 અબજ ડોલર અર્થાત 35.3 (પાંત્રી પોઇન્ટ ત્રણ) ટ્રિલિયન ડોલરની હતી તે આજે વધીને 728 (સાતસો અઠાવીસ) અબજ ડોલર અર્થાત 54.6 ટ્રિલિયન થઇ છે જે સાડા 55 % કરતા પણ થોડો અધિક છે. શું તેનો અર્થ એ કે કોરોના કાળમાં કૂદરતે તો લોકોને માર માર્યો પણ દેશના શ્રીમંતો પણ કૂદરત સાથે જોડાઇ ગયા હતા? જો તેઓએ એકના દોઢા કર્યા હોય તો જ આ વિકાસ કે કુવિકાસ શકય બને. સામાન્ય કે સિનિયર સિટિઝનને બેન્ક દ્વારા વરસના 5 થી 6 % વ્યાજ અપાય છે.

પ્રમોટર બિઝનેસમેનોમાં મોટા ભાગના કૌટુંબિક અને પરંપરાગત ધંધાઓ ધરાવતા શ્રીમંતોનું પ્રમાણ વધુ રહ્યું છતાં આ વરસે નવા અને ટેકનોલોજીકલ સાહસો પણ અસ્તિત્વમાં આવ્યાં. કોઇ અકળ શુભ ભવિષ્યની આશાએ આ નવા ટેકનિકલ ક્ષેત્રના ઉદ્યોગપતિઓને મૂડી રોકાણ બાબતે જાહેર જનતા તરફથી ખૂબ સારો આવકાર અને પ્રતિસાદ મળ્યા. જગતભરમાં નવી ટેકનોલોજીની નવી કંપનીઓને ઘણા સમયથી સારો પ્રતિભાવ મળે છે. તે સફળ થવાની અને પુરઝડપે સફળ થવાની શકયતા રહે છે. કોવિડ-19 કાળમાં અનેક ટેકનોલોજીએ પોતાના મહત્ત્વ અને મૂલ્ય ખૂબ વહેલા પુરવાર કરી બતાવ્યા. શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ખૂલ્યાં. આ અને એવી ઘણી બાબતોએ નવા આયામો ખોલી આપ્યા. આ પણ એક કારણ છે કે હતાશાના વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી તેજી રહી. નવા ઔદ્યોગિક સાહસિકોની એક આખી પેઢી અસ્તિત્વમાં આવી. નાયકા ડોટ કોમની પ્રમોટર રાતોરાત દેશમાં શ્રીમંતોની યાદીમાં 23 (ત્રેવીસ)મા ક્રમે આવી ગઇ. આજે ફાલ્ગુની સાત અબજ ડોલરની માલિક છે.

સૌથી વધુ નેટવર્થ મુકેશ અંબાણીની છે. લગભગ 105 (એકસો પાંચ) અબજ ડોલર. 82 (બયાંશી)થી વધુ અબજ ડોલર સાથે ગૌતમ અદાણી, 37 (સાડત્રીસ) અબજ ડોલર સાથે અઝીમ પ્રેમજી છે. દેશનો આ સૌથી મોટો દાનવીર છે. મોટા ભાગની કમાણી દાન કરી છે, પોતે ખૂબ સાદું, આડંબર વગરનું જીવન જીવે છે. ત્રીસ અબજ ડોલરની સંપતિ સાથે ડી માર્ટના માલિક આર.કે. દામાણી છે અને લગભગ 27 અબજ ડોલર સાથે HCL ટેકનોલોજીના શિવ નાદર છે. જે નવા સાહસિકો આ વરસે ક્ષિતિજ પર ઊતરી આવ્યા તેમાં ફાલ્ગુની નાયર ઉપરાંત મેક્રોટેક ડેવલપર્સના અભિષેક લોઢા છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર ઉપરાંત અશોક બૂબ (કલીન સાયન્સ એન્ડ ટેકનોલોજી) ઉપરાંત ટ્રાઇડન્ટના માલિક રાજીવ દિવાન છે. હમણાં ખૂબ પ્રસિધ્ધ થયેલા PTMના વિજય શેખર શર્મા છે. જી.આર. ઇન્ફ્રાપ્રોજેકટસના વિનોદ અગ્રવાલ, નુવોકો વિસ્ટાઝના હીરેન પટેલ અને શેરબજારના નવા કિંગ રાકેશ ઝૂનઝૂનવાલા છે.

ગયા વરસે મુકેશભાઇ અંબાણીએ પ્રત્યેક દિવસના રૂપિયા 380 કરોડ (ત્રણસો એંસી કરોડ)ની કમાણી કરી હતી. રિપિટ, પ્રત્યેક દિવસે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મારકેટ કેપમાં એક વરસમાં 25 %નો વધારો નોંધાયો હતો. ગૌતમ અદાણી ગ્રુપે સતત બીજા વરસે દેશમાં સૌથી વધુ કમાણી કરી છે અને તેથી ઝડપભેર એમની અને મુકેશ અંબાણીની પોઝિશનો વચ્ચેની ખાઇ ઘટી ગઇ છે. 2021માં એમની નેટવર્થ જ બમણી થઇ ગઇ. 2019ના અંતે એમની નેટવર્થ માત્ર વીસ અબજ ડોલર હતી તે 2020ના ડિસેમ્બર સુધીમાં વધીને 440 અબજ ડોલર થઇ અને 2021માં તે વધીને લગભગ 825 અબજ ડોલર છે.

અદાણીની આ અભૂતપૂર્વ પ્રગતિ પાછળ અમુક લોકો અમુક પ્રકારના બાહ્ય કારણોને યશ આપે છે. તે કંઇ પણ હોઇ શકે પણ એમનો અભૂતપૂર્વ વિકાસ તેઓને પણ ઊડીને આંખે વળગે છે જેમને બંને આંખોમાં મોતિયો આવી ગયો છે. ગયા વરસે નવી ટેકનોલોજી અને આવશ્યક ચીજોની કંપનીઓએ પણ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. ગૌતમ અદાણી એક કુશળ બિઝનેસમેન છે. ગ્રુપના વિકાસ માટે એમના યોગદાનને નીચું આંકી શકાય નહીં. બજાજ ગ્રુપના રાહુલ બજાજ તો સરકારના પ્રખર અને બોલકા વિરોધી રહ્યા હતા છતાં એમના કુટુંબની કંપનીઓની નેટવર્થમાં 51 % માતબર વધારો નોંધાયો છે. આમ ગયું વરસ ઉદ્યોગપતિઓનું રહ્યું હતું. ચાલુ વરસ પણ રહેશે.

દુનિયાના અર્થતંત્રમાં 2022માં એકસો ટ્રિલિયન ડોલરનો વધારો થશે. એક ટ્રિલિયન એટલે એક હજાર અબજ. ભારતનું સમગ્ર વાર્ષિક અર્થતંત્ર અઢી અને પોણા ત્રણ ટ્રિલિયન ડોલરની વચ્ચે છે. જો જગતમાં એક સો ટ્રિલિયન ડોલરનો ધંધો આવક વધવાના હોય તો બીજા અઢીથી ત્રણ ટ્રિલિયન ડોલરનો હિસ્સો ભારત મળવે તે શકય છે. ખાસ પ્રયત્નો દ્વારા સરકાર પોતાના લક્ષ્યાંક મુજબ આ સરકારના કાળમાં જ અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું તગડું બનાવી શકે છે. પણ તે માટે સરકારે ચૂંટણીના સતત મોડમાંથી, મેળાવડા, ડ્રેસ રિહર્સલો અને રોજના સેલિબ્રેન્સમાંથી બહાર નીકળી અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. બ્રિટિશ સંસ્થા CEBRની ભવિષ્યવાણી પ્રમાણે 2030 સુધીમાં ચીન દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. અમેરિકા પાછળ રહી જશે. જો કે કોરોના વગેરે કારણોસર ચીનની અર્થતંત્રનો વિકાસ બે વરસ પાછળ રહી ગયો છે.

Most Popular

To Top