Business

ટૂંકા સ્કર્ટને શેરબજાર સાથે શું લાગેવળગે…?

આમેય માણસનું મન મર્કટ જેવું છે. નવરા આદમીનું મન એટલે સેતાનનું ઘર. નવરો એટલે જેને તમે એદી-આળસુ કહી શકો એવો માણસ, જે મનમાં કલ્પનાના ઘોડા દોડાવીને કઈંકે ચિત્ર-વિચિત્ર ધમાલ થાય એવું શોધી કાઢશે, જેના સરવાળે આખરે બાદબાકી જ હાથમાં આવે..કોરોનાએ આ દોઢ-પોણા બે વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વનું અર્થતંત્ર બહુ જ બૂરી તરહ એવું ખોરવી નાખ્યું કે લગભગ મોટાભાગના લોકોએ પોતાનું ઓછામાં ઓછું એક સ્વજન તો ગુમાવ્યું એ સાથે આર્થિક પાયમાલી પણ ભોગવી. જો કે, ભલભલા અર્થકારણના ખેરખાં પણ અચરજ પામે ને જલ્દી ન સમજાય એવી અટપટી  ભૂમિકા શેરબજારે ભજવી અને હજુ ભજવી પણ રહી છે. ગાંઠે બાંધેલા ગણિત મુજબ તો નાણાંબજાર-શેરમાર્કેટ તો કડકભૂસ થવું જોઈતું હતું, પણ બધા અવાક થઈ જાય એ રીતે એ સતત  સુપેર જેટ ગતિએ વધતું રહ્યું અને અનેક નવા વિક્રમ સર્જતુ રહ્યું. આજે દોઠેક વર્ષ પછી એ સતત આ લાંબી દોડનો થાક લાગ્યો હોય એમ આજકાલ જરા લથડયું લે છે ખરું.

આજે કોરોના પહેલાં અને કોરોના દરમિયાનનો આર્થિક સિનારિયો જોયા પછી ઘણા અર્થશાસ્ત્રીઓ અત્યારે ફ્લેશબૅકમાં જઈને છેક ૧૯૨૦નો દાયકો યાદ કરે છે. એ સમયે જાણીતા ઈકોનોમિસ્ટ જ્યોર્જ ટેલરને ન જાણે ક્યાંથી વિચાર આવ્યો અને એ દિશામાં સંશોધન કરીને એક વિચિત્ર થિયરી વહેતી કરી હતી કે યુવતીના સ્કર્ટની લંબાઈ- ટૂંકાઈ પર શેરમાર્કેટની મંદી-તેજીનો આધાર હોય છે! જ્યોર્જ ટેલરની આ ‘હેમલાઈન ઈન્ડેક્ક્ષ’ થિયરીએ ત્યારે આર્થિક જગતમાં તહેલકો મચાવી દીધો હતો.. આ ટેલર (ઊર્ફે દરજી!) સાહેબે સાવ આડેધડ કેંચી ચલાવીને સાવ વેંતરી નહોતું નાખ્યું. એ વખતે એમની‘ગાંડી’ ગણાતી આ થિયરીમાં કઈંક તો શાણપણ હતું. એમના  સંશોધન કે નિરીક્ષણ અનુસાર હેમલાઈન એટલે વસ્ત્ર- અહીં સ્કર્ટની ઓટેલી કિનાર જેટલી લાંબી એટલું શેરબજાર નબળું-મંદુ અને હેમલાઈન જેટલી ટૂંકી એટલી શેરમાર્કેટ તેજીમાં..!

10 Rules for of Wearing a Miniskirt According to One Vogue Editor | Vogue

આ તુક્કા જેવી લગતી થિયરીમાં ન જાણે કેમ કઈંક તો તથ્ય હતું. માનવીય આચરણ – રીતભાતના નિષ્ણાત એવા ડેસમન્ડ મોરિસનું થોડાં વર્ષ અગાઉ એક પુસ્તક પ્રગટ થયું હતું. ‘અ ફિલ્ડ ગાઈડ ટુ હ્યુમન બિહેવિયર’ નામના પુસ્તકે એ સમયે સારી એવી ચર્ચા જગાડી હતી. એમાં ડેસમન્ડે ગ્રાફ – રેખાંકન અને ચિત્રો દ્વારા દર્શાવ્યું અને પુરવાર પણ કર્યું હતું કે જાણીતા અર્થશાસ્ત્રી જ્યોર્જ ટેલરની ‘હેમલાઈન ઈન્ડેકક્ષ’ થિયરીમાં પરોક્ષ-પ્રત્યેક્ષ રીતે વજુદ છે.

ડેસમન્ડે ૧૯૨૧ થી લઈને ૧૯૭૭ દરમિયાન થયેલી સ્ટોકમાર્કેટની તેજી – મંદીને એ વખતનાં સ્કર્ટ કેવાક લાંબાં-ટૂંકા હતા એની સાથે સરખાવીને પોતાની જે વાત-દલીલ રજૂ કરી હતી એ અનુસાર ૧૯૨૦-૨૧માં યુવતી-મહિલાઓ લાંબાં સ્કર્ટ પહેરતી હતી ત્યારે માર્કેટમાં મંદી હતી અને ૧૯૨૧ પછીના ગાળામાં તેજી આવી ત્યારે યોગાનુયોગ યુવતીઓમાં ટૂંકા -શોર્ટ કે મિની સ્કર્ટની ધૂમ ફેશન ચાલતી હતી..! ગોઠણ સુધીના સ્કર્ટ પહેરવાં પણ એક જમાનામાં ‘ક્રાન્તિકારી’ ગણાતા એ પછી પણ ગાઉન જેવાં જમીનને સ્પર્શતા કે પછી ગોઠણની નીચે કે પછી સેક્સી મિની સ્કર્ટ ધારણ કરવા મુજબ જાણે શેરમાર્કેટનો ટ્રેન્ડ સેટ થતો રહ્યો.

ઉદાહરણ તરીકે, ૧૯૨૯ પછી સ્કર્ટ વધુ લાંબાં થયા ત્યારે અમેરિકાનું વોલસ્ટ્રીટ જબરી મંદીમાં સપડાયું ગયું હતું. એ પછી ૧૯૪૭માં એક જર્મન ફોટોગ્રાફરે પેરિસની અવાવરુ સ્ટ્રીટમાં એક યુવતીની તસવીર ઝડપી, જેણે જેકેટ અને ગોઠણથી પણ ઘણું ઊંચું સ્કર્ટ પહેર્યું હતું. એ તસવીર વાઈરલ થઈ એ સાથે અમેરિકાના ફેશનજગતનો જાણે પ્રવાહ પલટાઈ ગયો. અમેરિકાની આર્થિક બજારમાં તેજી ફૂંકાઈ. કાળક્રમે ફરી સ્કર્ટ લાંબું થયું ને ઑઈલ- ઈંધણની કટોકટી સર્જાઈ અને વિશ્વભરની આર્થિક સ્થિતિ લથડી… આવાં લાંબાં -ટૂકાં સ્કર્ટ અને શેરબજર-નાણાંબજારને સાંકળતાં અનેક ઉદાહરણો લગભગ દર વર્ષે મળતા રહે છે.

આમ છતાં, શેરમાર્કેટ-સ્કર્ટનો આવો જોગાનુજોગ જોયાં પછી અમુક અર્થશાસ્ત્રીઓ તો એક નવી થિયરી લાવ્યા છે. એ વિદ્વાનો કહે છે કે એવું તો નથીને કે બજારની તેજી-મંદીના પ્રભાવ હેઠળ સ્કર્ટની લંબાઈ લાંબી-ટૂંકી થાય છે?! છે તો વિચારવા જેવો સવાલ.. ખેર, બીજા દેશોની આર્થિક બજારોની વાત બાજુએ રાખીએ તો આવાં લાંબાં-ટૂંકા સ્કર્ટ જેવાં વસ્ત્રની થિયરી- સિદ્ધાંત સાથે આપણી શેરબજારના ઉતાર ચઢાવને આજે કઈ રીતે મુલવી શકીએ?

છેલ્લાં બે વર્ષની મહામારીને લીધે જગતભરનું આર્થિક માળખું અસ્તવ્યસ્ત થઈને લગભગ પડી ભાંગ્યું, છતાં બધાના આશ્ચર્ય વચ્ચે શેરમાર્કેટ અડીખમ ખડું છે.  મિડી-મિની સ્કર્ટની વાત કે થિયરીને બાજુ પર રાખીએ તો શેરબજારનો આખલો આ રીતે સતત ભૂરાયો કેમ થઈ થઈ રહ્યો છે? શેરમાર્કેટનો આ સેન્ટિમેન્ટ – વલણ સમજવા જરૂરી છે અને આનો તર્કબધ્ધ જવાબ આપે છે મુંબઈના આર્થિક જગતના પંકાયેલા પત્રકાર જયેશ ચિત્તલિયા. એ કહે છે કે, આજે શેરબજારની તબિયત તગડી છે એનું એક પણ મહત્ત્વનું કારણ ખુદ કોરોના જ છે. એને કારણે લોકડાઉન થયું. અનેકે જોબ ગુમાવી તો અસંખ્ય નોકરિયાતોને પગાર-કાપનો આકરો અનુભવ થયો. વેપારીઓના ધંધા બંધ થયા કે સાવ ઠપ્પ થયા. ઘરખર્ચ કાઢવા દુર્લભ થયા. ત્યારે એક શેરબજાર જ હતું કે જ્યાં નાના રોકાણ પણ કઈંક કમાવી દેતું હતું. આમ તો ‘નવરો નખોદ વાળે’, પણ લોકડાઉન-કોરોનાને લીધે બીજી આવકની શોધમાં નીકળેલા ‘નવરા’ લોકો ‘મરતા ક્યાં ન કરતા’ ની જેમ પોતાની ઓછી-વત્તી બચતને શેરમાર્કેટમાં કામે લગાડી…

Kate Middleton's Mini Skirt - The Queen Objects to the Length of Kate's  Skirt

આર્થિકજગતના ખબરઅંતર રાખતા પત્રકાર જયેશ ચિત્તલિયા ઉમેરે છે કે  એ વખતે ભારતનો શાસકપક્ષ કોરોના વિરુધ્ધ જે રીતે ઝડપી સકારાત્મક પગલાં લેતું હતું એ જોઈને અનેક વિદેશી રોકણકારોને આપણા દેશના સ્થિર રાજકીય સ્થિતિમાં વિશ્વાસ જાગ્યો અને એમનાં નાણાં પણ આપણા શેરબજારમાં ઠલવાવા માંડયાં… એ વિદેશી રોકાણે જાણે કોવિડના મારણ વેક્સિન જેવું કામ કર્યું. પરિણામે કોરોનાના કાળા કેર વચ્ચે પણ શેરબજારની તબિયત આજે  ફૂલગુલાબી છે. ‘શેરબજાર ઈન્ડેક્ષ કે સેન્સેક્ક્ષ’ કઈ બલાનું નામ છે એ સુદ્ધાં ન જાણતા લોકોથી લઈને આજની યુવાન પેઢી પણ શેરબજારમાં ઊંડો રસ લેતી થઈ ગઈ છે. આ કોરોના કાળના બે વર્ષ દરમિયાન શેર્સની લેતી-દેતી- ટ્રેડિંગ માટે જરૂરી છે એવાં બે કરોડથી વધુ નવા ડિમેટ અકાઉન્ટ  કાર્યરાત થઈ ગયા છે, જે શેરબજાર માટે એક વિક્રમ ગણાય.

કોરોના આ કાળમાં આજે લગભગ વિશ્વભરની આર્થિક બજાર – શેરમાર્કેટની સરેરાશ સ્થિતિ-પરિસ્થિતિના વાવડ ઉત્તમ જ છે તો આપણને સહેજે જિજ્ઞાસા એ જાગે કે તો પછી વૈશ્વિક ફૅશન બજારમાં અત્યારે સ્કર્ટના હાલચાલ શું છે ?  વેલ, લૅટેસ્ટ ફૅશનના સમાચાર માટે વિખ્યાત મેગેઝિન ‘વૉગ’ અનુસાર આ વીતી રહેલા વર્ષ-૨૦૨૧માં પણ જેનું ચલણ રહ્યું એ મિની સ્કર્ટનો આગામી ૨૦૨૨ વર્ષ દરમિયાન પણ એટલો જ દબદબો રહેશે. એટલું જ નહીં, ૨૦૨૨માં તો સ્કર્ટની લંબાઈ મિડી જ નહીં- મિની પણ નહીં, પણ માઈક્રો સુધી ઘટી જવાના વાવડ છે…! આ ઉત્તેજક સમાચારથી ફૅશન શોખીન જુવાન હૈયાંઓ તો ઝૂમી ઊઠશ અને એની સાથે શેરબજારના ખેલાડીઓ પણ નવા નવા ખેલ માટે ખુશી ખુશી તૈયાર થઈ જશે..!

Most Popular

To Top