વડાપ્રધાન મોદીની પંજાબની મુલાકાત દરમ્યાન તેમની સુરક્ષાનો મામલો ગરમાયો છે. આ મામલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગયા છે. આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ત્યારે કેટલાકે મોદીની સુરક્ષામાં છીંડાને લઈ મોદી સરકારની તરફેણ કરી છે તો બીજી તરફ પંજાબના સીએમ (CM) ચરણજીત સિંહ ચન્નીનું કહેવું છે કે અચાનક કાર્યક્રમ બદલાવાને કારણે આવું થયું છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે પીએમઓને મુલાકાત રદ્ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો પર લાઠીચાર્જ કરી શકતા ન હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજરોજ બુધવારે (Wednesday) પંજાબના (Punjab) ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, પરંતુ અંતિમ સમય દરમ્યાન આ રેલીને મોકૂફ રખવામાં આવી હતી. અગાઉ આ રેલી મોકૂફ રાખવાનુ કારણ વરસાદ માનવામાં આવતું હતું પરંતુ હવે આ માટે સુરક્ષાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ ધટના અંગે BJPએ મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામાની માંગણી કરી છે. ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા ભઠિંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, તે માટે તમારા CMને થેન્કસ કહેજો. નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો આંદોલનકારી ખેડૂતોએ રોકી લીધો હતો. તેના પગલે સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા છે. આ સમગ્ર ઘટનાના પગલે પંજાબના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પીએમ સવારે બઠિંડા પહોંચ્યા હતા. બેઠિંડાથી તેમણે હેલિકોપ્ટર લઈ હુસૈનીવાલમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું. જોકે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે PMએ 20 મિનિટની રાહ જોવી પડી એવું હતું. તેમને આકાશ સાફ ન દેખાતાં બાઈરોડ જવાનો નિર્ણય કર્યો હતો, જેમાં તેઓને 2 કલાકનો સમય લાગે એમ હતો.
પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક સામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ CM ચરણજીત સિંહ ચન્ની સામે ગંભીર આરોપ લાગ્યા છે. તેઓએ જણાવ્યું કે PMનો કાફલો ફસાયો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો તેમજ ઘટિત ઘટના અંગે સમાધાન લાવવા માટે ના પાડી દીધી હતી. આ બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ‘મને ખેદ છે કે વડાપ્રધાન મોદીને આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. મને આજે ભઠિંડામાં PM મોદીના સ્વાગત માટે જવાનું હતું પરંતુ જે લોકોને મારી સાથે આવવાનું હતું તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા તેથી હું વડાપ્રધાનને રિસીવ કરવા ન જઈ શક્યો કેમકે હું કોરોના પોઝિટિવ આવેલા કેટલાંક લોકોના સંપર્કમાં હતો.સાથે જ તેઓએ જણાવ્યું કે અમને વડાપ્રધાન મોદીના કાફલામાં એકાએક આવેલા ફેરફાર અંગે કોઈ જ સૂચના અપવામાં આવી ન હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ જ ગફલત નથી થઈ. જો આજે PM મોદીની મુલાકાત દરમિયાન કોઈ પણ ચૂક રહી હશે તો અમે તેની તપાસ કરાવીશું.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ અંગે કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્તા જણાવ્યું કે કોંગ્રેસ પીએમ મોદીને નફરત કરે છે, તેઓએ રચેલા લોહિયાળ ઈરાદા નિષ્ફળ ગયા છે. આ ઘટના દ્વારા સાબિત થાય છે કે પંજાબમાં પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી ખૂબ ખરાબ છે. સાથે જ તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે. પીએમનો જીવ જોખમમાં મુકાયો હતો. દેશ પ્રધાનમંત્રી વિરુદ્ધ થયેલા આ ષડયંત્રને સમર્થન નહીં આપે.
રાજ્યસભાના સાંસદ અને ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આજે જે ઘટના ઘટી છે તે ભારતના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. આતંકવાદના જમાનામાં અને આતંકવાદથી પ્રભાવિત વિસ્તારોમાં પણ આજે પ્રધાનમંત્રીની સુરક્ષામાં જે પ્રકારની ક્ષતિઓ જોવા મળી હતી તે પ્રકારની સુરક્ષામાં ક્ષતિ નહોતી.