SURAT

1.25 કરોડ પાટીદારોને નરેશ પટેલે આપ્યો આ સંદેશ

સુરત: (Surat) ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ખોડલધામ – કાગવડમાં (Khodaldham Kagwad) માતાજીને સ્થાપનાને ૫ વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે શ્રી ખોડલધામ – કાગવડ ટ્રસ્ટ દ્વારા આ દિવસે પંચવર્ષિય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૧ જાન્યુઆરીના રોજ ભકિત દ્વારા એકતાની શકિત સૂત્ર સાથે લેઉવા પાટીદાર (Patidar) સમાજની સૌથી મોટી સભાનું આયોજન કરાયું છે. એક દિવસના આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ શહેરો અને ગામોમાંથી લેઉવા પાટીદાર સમાજના લોકોને એકછત્ર નીચે લાવવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડી આજે તેઓ સુરત આવી પહોંચ્યા હતા.

  • ખોડલધામ – કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સચીન જીઆઇડીસીમાં લેઉવા પાટીદાર ઉદ્યોગકારોની સભાને સંબોધતા કહ્યું ૨૧ જાન્યુઆરીએ વેપારધંધો બંધ રાખીને પણ સમાજની એકતા માટે ખોડલધામ પધારજો
  • ૨૧ જાન્યુઆરીએ ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શકિત પ્રદર્શન

સુરતમાં સચીન જીઆઇડીસીના ગાર્ડનમાં લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગકારોની બેઠકને સંબોધતા નરેશ પટેલે કહ્યું હતું કે, ખોડલધામ એક સંસ્થા નથી પરંતુ ૧.૨૫ કરોડ પાટીદારોનો વિચાર છે. દેહ નષ્ટ થાય છે પરંતુ વિચાર કયારેય નષ્ટ થતો નથી. લેઉવા પાટીદારોની આગલી પેઢીને આપણે સરદાર પટેલનો એ વિચાર આપવા માંગીએ છે કે ‘ઘરની વાત ઘરમાં રાખવી અને સિંહનું કાળજુ રાખવું’. જો ઘરની વાત ઘરમાં રહેશે તો સિંહનું કાળજુ આપોઆપ થઇ જશે.

સવા કરોડની વસ્તી માતાજીના છત્ર નીચે ઊભી છે. સમાજમાં સફળ પરિવર્તન આવ્યું છે. પરંતુ હજી ગામોમાં છેવાડાનું પરિવર્તન બાકી છે. ગામોમાં વરસાદ આધારિત ખેતી છે. એવી સ્થિતિમાં વરસાદ ન થાય તો ગામડાના લોકોને શહેરના ઉદ્યોગો સાથે કંઇ રીતે જોડવા તેને લઇને ચિંતન ચાલી રહ્યું છે. ધોરણ ૧૨ પાસથી સ્નાતક સુધીના સમાજના યુવાનોને કંપનીઓમાં અને સરકારી નોકરીઓમાં કંઇ રીતે સ્થાન મળે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ૨૧ જાન્યુઆરીના રોજ માતાજીના ધામમાં યોજાનારા પંચવર્ષિય પાટોત્સવના કાર્યક્રમનું આમંત્રણ આપવા આવ્યા છે. સમાજની એકતા માટે શકય હોય તો એક દિવસ માટે વેપારધંધા પણ બંધ રાખી ખોડલધામ પધારજો. ખોડલધામમાં ૨૧ જાન્યુઆરીના રોજ લાખો લોકોની હાજરીમાં સવારે ૬ થી ૯ વાગ્યા સુધી યજ્ઞ થશે. ૯ થી ૧૦ કલાક દરમિયાન મહાઆરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ થશે. અને ૧૧-૩૦ કલાકે લેઉવા પાટીદાર સમાજની મહાસભા યોજાશે. સચીન જીઆઇડીસી ખાતે યોજાયેલી સભામાં લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગકારો હંસરાજ ગોડલિયા, હરી કથિરીયા, કાનજીભાઇ ભાલાળા અને મહેન્દ્ર રામોલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૨૧ જાન્યુઆરી પહેલા રાજકારણને લઇ કોઇ વાત કરવી નથી: નરેશ પટેલ
મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઇએ એવા અગાઉના નિવેદન અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, અત્યારે મારો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખોડલધામના પાટોત્સવને લઇ સમાજના લોકોની એકતા સ્થાપિત કરવાનો છે. આ તબકકે પાવર અને રાજકારણની વાત કરવા માંગતો નથી. કારણકે ૨૧મીએ મહત્વનો કાર્યક્રમ છે. વાત કયાંક ટવિસ્ટ થાય તો પાટીદાર સમાજના અંદરો અંદર પ્રશ્નો ઊભા થઇ શકે છે. રાજકારણ કે પાવરની વાત અત્યારે કરવાનું કોઇ ઔચિત્ય નથી. તેને લગતી વાત ૨૧મી પછી થઇ શકે છે.

રત્નકલાકારોના આપઘાતના બનાવો ચિંતાજનક છે ખોડલધામ ટ્રસ્ટ રસ્તો કાઢશે: નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોના આપઘાતના કમનસીબ બનાવોની માહિતી આજે મેં સાંભળી છે. મને કહેવામાં આવ્યું છે કે ત્રણ રત્નકલાકારો આપઘાત કરે છે તેમાં ૨ કારીગરો સમાજના હોય છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. સુરતમાં હીરાઉદ્યોગકારો સાથે આજે ૨૧મીના કાર્યક્રમને લઇ બેઠક છે. તેમની સાથે મળીને આ વિષય પર ચર્ચા થશે. ખોડલધામનું એક સેન્ટર સુરતમાં બને તેવો પ્રયાસ કરીશું. કમસેકમ રત્નકલાકારોને આપઘાતમાં વિચાર આવે ત્યારે આ સેન્ટર સમક્ષ તેના પ્રશ્નો મુકી સમાધાન મેળવી શકે. આપઘાતના બનાવો બંધ થવા જોઇએ.

Most Popular

To Top