SURAT

ભીખારીનો વેશ ધારણ કરી વહેલી સવારે મોબાઇલ-લેપટોપની ચોરી કરતી આંતરરાજ્ય વઢેર ગેંગના બે પકડાયા

સુરત: (Surat) શહેર પોલીસે મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના (Gang) બે યુવકને પકડી પાડ્યા હતા. આ બંને યુવક લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન તેમજ લેપટોપ (Mobile laptop) ચોરીને (Theft) ભાગવાની ફિરાક કરી રહ્યા હતા. ત્યાં જ એસઓજીએ પુણા વિસ્તારમાંથી બંનેને પકડી પાડ્યા હતા. પોલીસ આ બંને યુવકની ચોરીની મોડસ ઓપરેન્ડી સાંભળીને ચોંકી ઊઠી હતી. આ બંને ભીખારી અને અપંગ હોવાનો ઢોંગ કરી વહેલી સવારે ખુલ્લા ઘરમાંથી મોબાઇલ અને પાકીટની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પુણા, સરથાણા, કડોદરા, નવસારી, બીલીમોરા સહિતના છેવાડાના વિસ્તારોમાં મોબાઇલ ચોરીની અનેક ઘટના બની હતી. વારંવાર બનતી ઘટનાને લઇને પોલીસ પણ ચિંતામાં મુકાઇ હતી. આ દરમિયાન એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને પોલીસે માહિતી મળી હતી કે, મોબાઇલ ચોરી કરતાં તામીલનાડુના વેલ્લુર જિલ્લાની વઢેર ગેંગ પુણાથી પોતાના વતન તરફ જવાની બાતમી મળી હતી. પોલીસે આ બાતમીને આધારે પુણા પરવટ પાટિયા અમેઝિયા વોટર પાર્કની પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી મંથન મુનીલાલ વઢી (વઢેર) (રહે.,વરેલી ગામ, દેવીકૃપા સોસાયટી) તેમજ રવિચંદ્રન ગોવિંદન વઢી (વઢેર) (રહે.,રેલી, મૂળ રહે., અંબુર ઉદરાજ ગામ, વેલ્લુર, તામીલનાડુ)ની ધરપકડ કરી હતી. આ બંનેના હાથમાં થેલા ભરેલા હતા અને તેઓ કોઇ વાહન મારફતે સુરતની બહાર જાય એ પહેલાં જ તેઓને પકડી લેવાયા હતા.

પોલીસે બંનેની પૂછપરછ કરીને તપાસ કરતાં તેમની પાસેથી ૫૧ મોબાઈલ,, લેપટોપ, સોનાની વીંટી અને રોકડ રકમ મળી રૂ.૭ લાખનો મુદ્દામાલ કબજે લઇ બંનેની પૂછપરછ કરી હતી. પોલીસે આ બંનેની વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગઇ હતી. મંથન અને રવિચંદ્રન બંને અપંગ અને ભીખારી બનવાનો ઢોંગ કરતા હતા. જ્યાં ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે ઘરમાં ઘૂસી જતા હતા. બંને પૈકી મંથન બહાર ઊભો રહેતો હતો અને રવિચંદ્રન ઘરમાં જઇને મોબાઇલ, લેપટોપ, દાગીના, રોકડ રૂપિયાની ચોરી કરતો હતો. જ્યારે કોઇ જગ્યાએ આ બંનેમાંથી કોઇ પકડાઇ જાય ત્યારે તેઓ બંને ભીખારી હોવાનો ઢોંગ કરતા હતા. ફાટી ગયેલાં કપડાં તેમજ ખરાબ વાળ અને મોંમાંથી થૂંક કાઢીને તેઓ કોઇ અલગ જ વ્યવહાર કરીને લોકોને મનાવી લેતા હતા. અને બાદમાં માફી માંગીને ભાગી જતા હતા. એક સોસાયટીમાં ચોરી કરીને તરત જ બીજા ઘરને નિશાન બનાવતા હતા.

જામનગરના પોરબંદરમાં ચોરી થયા બાદ આરોપીના ફોટા મળતાં જ ઘટનાઓ બહાર આવી
પોલીસના જણાવ્યા પ્રમાણે બંને આરોપીએ જામનગરના પોરબંદર સહિતના વિસ્તારોમાં ચોરીઓને અંજામ આપ્યો હતો. મોબાઇલ ચોરી કરીને આ બંને ત્રણ મહિના પહેલાં જ સુરત આવ્યા હતા. સુરતમાં કડોદરા વિસ્તારમાં ભાડેથી રહીને તેઓ દિવસ દરમિયાન ચોરીઓ કરતા હતા. જામનગર ક્રાઇમ બ્રાન્ચે ચોરીની એક સરખી ઘટનાઓ બાદ સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. જામનગર પોલીસે બંને આરોપીના ફોટા મૂકીને તપાસ કરવા માટે કહ્યું હતું. સુરત પોલીસે આ ફોટાઓના આધારે છેલ્લા ચાર દિવસથી કડોદરા સહિતના સુરતના છેવાડા વિસ્તારોમાં તપાસ કરી હતી. પોલીસે મંથન તેમજ રવિચંદ્રનને શોધવા માટે ચાર દિવસ એડીચોટીનું જોર લગાવીને બંનેને પકડી પાડ્યા હતા.

રવિચંદ્રન સગીર હતો ત્યારથી જ મોબાઇલ ચોરી કરતો હતો : ચાર વર્ષ પહેલાં પણ પકડાયો હતો
પોલીસે બંનેની પૂછપરછ કરતાં રવિચંદ્રન ચાર વર્ષ પહેલાં પણ આવી જ રીતે પકડાયો હતો. ચાર વર્ષ પહેલાં રવિચંદ્રન અંદાજીત 17 વર્ષનો હતો અને ત્યારે તેને મોબાઇલ ચોર્યો હતો. સ્થાનિક લોકોએ રવિચંદ્રનને પકડ્યો ત્યારે તેને મોંમાંથી ફીણ કાઢીને ભીખારી હોવાનો ઢોંગ કર્યો હતો. આ ઉપરાંત તે ઉંમરમાં પણ નાનો હોવાથી લોકોએ માનવતાના ધોરણે ઠપકો આપીને જવા દીધો હતો. સગીર વયથી જ રવિચંદ્રન ચોરીના રવાડે ચઢી ગયો હતો અને અત્યાર સુધીમાં તેને અનેક મોબાઇલ તેમજ લેપટોપની ચોરી કરી હોવાનું પોલીસે કહ્યું હતું.

બંનેએ દિવાળી બાદ જ 40થી વધુ ચોરી કરી
એસઓજીના જણાવ્યા પ્રમાણે મંથન અને રવિચંદ્રન દિવાળી પહેલાં જ સુરતમાં આવ્યા હતા. સુરતના છેવાડાના વિસ્તારમાં રહીને બંનેએ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. દિવાળીના તહેવાર બાદ જ આ બંનેએ વેકેશનનો લાભ લઇને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. બંનેએ બે મહિનાના સમયગાળામાં 40થી વધુ ચોરી કરી હોવાની વિગતો પણ બહાર આવી છે. હાલ તો પોલીસે બંનેની અટકાયત કરીને કેટલા ગુના આચર્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે.

હોટલ છોડતા પહેલાં સ્ટાફના મોબાઈલ પણ ચોરી લેતા
મંથન અને રવિચંદ્રન બંને હાઇવે નજીકની રૂમ ભાડે રાખતા હતા. જેથી ભાગવામાં આસાન થઇ જાય. બંને એક શહેરમાં ચોરી કરીને બીજા શહેરમાં જતા હતા અને રસ્તામાં જે હોટેલમાં રોકાય એ હોટેલમાં પણ હાથફેરો કરી દેતા હતા. રાત્રિના સમયે આ બંને યુવક હોટેલના સ્ટાફના મોબાઇલ તેમજ મળતી અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બંનેએ સુરત, નવસારી સહિતના હાઇવે અને જામનગર વિસ્તારની હોટેલોમાંથી ચોરી કરી હોવાનું પોલીસે કહ્યું હતું.

Most Popular

To Top