વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર રેપ-હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. આ પહેલાં એક વર્ષ અગાઉ પાંડેસરામાં ૧૦ વર્ષની બાળકી પર રેપ કેસમાં ૨૪ વર્ષના આરોપી દિનેશ બૈસાણેને કોર્ટે મરે નહીં ત્યાં સુધી ફાંસી પર લટકાવવાનો ચુકાદો આપ્યો હતો. યોગાનુયોગ આ બંને ઝડપી ન્યાયની ઘટના સુરતમાં બની છે અને એ રીતે ઝડપી ન્યાયની બાબતમાં સુરત દેશ માટે એક ઉદાહરણ બની ચૂક્યું છે. બહુ નજીકના ભૂતકાળમાં દેશની કોર્ટોમાં કરોડો કેસ નિકાલ થયા વગરના પડી રહ્યા છે તે અંગે વર્તમાનપત્રોમાં સમાચાર પ્રકાશિત થયા હતા. તે સંદર્ભમાં જોઈએ તો સુરતમાં જે બે કિસ્સામાં અત્યંત ઝડપી ન્યાયની જે ઘટનાઓ બની છે તેટલા ઝડપી ન્યાયની પ્રક્રિયા દરેકે દરેક કિસ્સામાં શરૂ થાય તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. ઝડપી ન્યાય મળવાની બાબતમાં સુરત દેશમાં અગ્રેસર બન્યું તે આપણા સુરત શહેર માટે ગૌરવપ્રદ બાબત ગણાવી જોઇએ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે