હાલ કોવિડ–૧૯ નું નવું સ્વરૂપ ઓમિક્રોનની ચર્ચા દેશ–વિદેશમાં શરૂ થઇ ગઇ છે અને યુ.કે. સહિત અન્ય દેશોમાં કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ અગિયાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મળી ઓમિક્રોનના લગભગ ૧૫૦ કેસો થયા છે જે વધતી ગયેલ છૂટછાટોને કારણે વધવાની શક્યતા નકારી ન શકાય. આવા સંજોગોમાં ઉત્તરપ્રદેશની ૨૦૧૭ માં ચૂંટાયેલ વિધાનસભાની મુદત જે મે, ૨૦૨૨ માં પૂરી થતી હોય આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર આ ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં શરૂ થઇ ગઇ હોય એવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. મુખ્યત્વે ભાજપ, સમાજવાદી અને કોંગ્રેસ વિ. પાર્ટીઓની મીટીંગો અને પ્રચાર શરૂ થઇ ગયો છે. આવનાર ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે મોટે પાયે સભાઓનું આયોજન પણ થવા માંડ્યું છે જેમાં સેંકડો માણસોની હાજરીના ફોટા દૈનિક પત્રોમાં છપાવા માંડ્યા છે.
ભાજપે આ વખતે મુખ્યત્વે મંદિરો–દેવસ્થાનોનો આશરો લીધો હોય એવું લાગી રહ્યું છે. દરેક પાર્ટીઓની સભામાં અને દેવસ્થાનોના સંકુલમાં વધુમાં વધુ માણસો ભેગા થાય એવા રાજકીય પાર્ટીઓના પ્રયત્નો સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ચૂંટણીલક્ષી સભાઓના આયોજનોનું પ્રમાણ પણ સ્વાભાવિક પણે વધતું જશે અને એવા સંજોગોમાં અલગ અલગ પક્ષો દ્વારા નવા ઓમિક્રોન વાયરસ અંગેની સરકારી સૂચનાઓનું ઉલ્લંઘન થવાનું પ્રમાણ પણ નિ:શંક વધતું જશે જેની સામે લાગતી વળગતી સત્તા પણ કોઇ પગલાં ન લઇ શકે એ અત્યાર સુધીના બનાવો બતાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નૂતન વર્ષની ઉજવણીમાં લોકો મોટે પાયે ભેગા ન થાય એ માટે ગાઇડલાઇન પણ બહાર પાડી છે એ સારી વાત છે પરંતુ આ જ ગાઇડલાઇન ચૂંટણીલક્ષી સભાઓનાં થતાં આયોજનોને લાગુ પાડી શકાશે? શક્યતા નહિવત્ જણાય છે. જોઇએ ચૂંટણી લોકોના સ્વાસ્થ્ય અને રાજકીય પક્ષો માટે કેવાં પરિણામો લાવે છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે