એક દિવસ એક તત્ત્વચિંતક પાસે એક યુવાન આવ્યો અને બોલ્યો, ‘સર, જીવનમાં ખુશી જ ખુશી મેળવવા માટે અને હંમેશા ચિંતામુક્ત રહેવા માટે શું શું કરવું જોઈએ? આપ જે કહેશો તે બધું જ કરવા માટે હું તૈયાર છું. બસ મને જિંદગીમાં ખુશી જ ખુશી જોઈએ છે અને ચિંતામુક્ત રહેવું છે.’ તત્ત્વચિંતક બોલ્યા, ‘યુવાન, તારે જીવનમાં જો સાચે જ ખુશી જોઈતી હોય અને હંમેશ માટે ચિંતામુક્ત રહેવું હોય તો મારી પાસે એક સાવ નાનકડો ઉપાય છે.’ આટલું સાંભળીને તો યુવાન એકદમ ખુશ થઇ ગયો અને બોલ્યો, ‘સર, મને જલ્દી તે ઉપાય જણાવો.’ ચિંતક બોલ્યા, ‘યુવાન ઉતાવળિયો ન થા. પહેલાં મારી વાત પૂરી સાંભળ. મારી પાસે એક સાવ નાનકડો ઉપાય છે પણ તે કરવો બહુ અઘરો છે.’
યુવાન બે ઘડી ચૂપ થઇ ગયો. પછી બોલ્યો, ‘સર, તમે જે કહેશો તે ઉપાય કરવા હું તૈયાર છું.’ ચિંતક બોલ્યા, ‘યુવાન, જીવનમાં જો સાચે જ ખુશી જોઈતી હોય અને હંમેશ માટે ચિંતામુક્ત રહેવું હોય તો મારી પાસે જે સાવ નાનકડો ઉપાય છે તે છે કે જીવનમાં આપણે એક મહત્ત્વની વાત સમજી લેવી અને હંમેશ માટે સ્વીકારી લેવી.જો તેમ કરી શકીએ તો જીવન ખુશીઓથી ભરેલું અને ચિંતાથી મુક્ત થઈ જશે.’ યુવાન બોલ્યો, ‘સર, જલ્દી કહો.’ ચિંતક બોલ્યા, ‘યુવાન જો તું તારા મનમાં આ એક વિચાર સદા માટે સમજી લે અને સ્વીકારી લે કે ‘આપણને જીવનમાં આપણે જે ઈચ્છીએ તે બધું જ મળવાનું નથી જ.’
અને શ્રધ્ધા અને વિશ્વાસ રાખ કે ‘આપણે જેને લાયક હશું તે બધું જ આપણને યોગ્ય સમયે મળી જ જશે.’ બસ, જો આ બે વિચારોને સમજીને જીવનમાં વણી લઈશ તો તારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહેશે અને ચિંતાનો અનુભવ નહિ થાય.જયારે આપણે સ્વીકારી લઈએ કે જે ઇચ્છીએ તે બધું જ મળે …બધું આપણી જ ઈચ્છા પ્રમાણે થાય એ જરૂરી નથી.તો જીવનમાં ઈચ્છવા છતાં ન મળે તો તેનું દુઃખ થતું નથી તેથી જીવનમાં સ્વીકારભાવ રાખવાથી હંમેશા ખુશી જ મળે છે અને જો આપણે દૃઢ વિશ્વાસ રાખીએ કે સમય આવ્યે આપણે જે વસ્તુને લાયક હશું તે આપણને મળશે જ, તો પછી ભવિષ્યની ખોટી ચિંતા મનમાં રહેતી નથી.જીવન ચિંતામુક્ત બને છે.બસ આ વિચાર સમજીને તેને સદા મનમાં રાખીને જીવન જીવવું જરૂરી છે.’ ચિંતકે જીવનમાં ખુશી જ ખુશી મેળવવા માટે અને હંમેશા ચિંતામુક્ત રહેવા માટેનો એક રસ્તો સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે