મનુસ્મૃતિમાં શ્લોક છે; યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા; જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે. પરંતુ ભારતમાં વાસ્તવિકતા કંઇક જૂદી જ જોવા મળે છે. ૨૦૧૬ માં આવેલ મરાઠી ચલચિત્ર સૈરાટમાં આ જ વિષયવસ્તુ છે, પરંતુ મહારાષ્ટ્રમાં કંઇક ઊંધી જ અસર પડી. ગત અઠવાડિયે ઔરંગાબાદમાં એક તરુણે પોતાની ગર્ભવતી બેન કે જેણે પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં તેની હત્યા કરી નાંખી. આ ઓછું હોય તેમ લાશ જોડે તેણે સેલ્ફી પણ લીધી. અતીતમાં આવા અનેક કિસ્સા બન્યા છે. પરંપરાગત માન્યતા કે સ્ત્રીઓ પરિવારની ઈજ્જતની રખેવાળ છે તે બદલવાનો સમય આવી ગયો છે.
હિંસાને આધારે સન્માન સાચવવું એ બિલકુલ અતાર્કિક છે. ૧૯૯૪ માં હરિયાણામાં ઓનર કિલિંગ થયું હતું ત્યારે હાત્યારાઓનું ગામલોકોએ સન્માન કર્યું હતું. ૨૦૧૪ થી ૨૦૧૬ વચ્ચે ઓનર કિલિંગના ૨૮૮ બનાવો બન્યા હતા. ૨૦૨૦ માં લોકડાઉનના માહોલમાં પણ ૨૫ જેટલી ઘટનાઓ ઘટી હતી. સ્ત્રીઓ જેટલું ઓનર કિલિંગથી બચવા મથે છે એટલું એ વધતું જાય છે. એક સમય હતો જયારે આવી ઘટનાઓ ઉત્તરનાં રાજ્યોમાંથી જ આવતી હતી. હવે તે ભારતભરમાં ફેલાઈ છે. ૨૦૧૨ થી ૨૦૧૭ વચ્ચે તમિલનાડુમાં ૧૮૭ ઘટનાઓ ઘટી હતી. આ તમામ હત્યાઓ પૈકી ૩૮% હત્યા સ્ત્રીના સાંપ્રત કે ભૂતપૂર્વ પ્રેમી કે પતિએ કરી હતી.
દહેજ પ્રથા વિરુદ્ધ કાનૂન આવ્યાને ૪ દાયકા વહી ગયાં છતાં ગત વર્ષે જ ફક્ત ૬૯૬૬ યુવતીઓનાં બલિદાન દેવાયાં હતાં. આના પરથી સાબિત થાય છે કે, નારીદ્વેષ સમાજમાં અત્યંત ઊંડે સુધી ફેલાયેલ છે. સમાજની આગળ પડતી સ્ત્રીઓ પણ આ બાબતે કશું કરી શકતી નથી. ખલીલ જિબ્રાન તો ત્યાં સુધી કહી ગયા કે, બાળકો તમારાં થકી થાય છે પરંતુ તેઓ પરમકૃપાળુ પરમાત્માનાં સંતાનો છે. સ્ત્રીઓને નિજ ઈચ્છાઓ, એષણાઓ, અપેક્ષાઓ, અરમાનો હોય છે. એને કઈ રીતે દાબી શકાય? એટલું ક્રૂર કઈ રીતે બની શકાય?! સ્ત્રીની કતલ કરવામાં કયું પુરુષાતન? તેમ કરતાં પરિવારની લાજ વધે કે ઘટે? સ્ત્રીઓ આજે રીક્ષા, ટ્રક, ટ્રેઈન ચલાવવાથી માંડી વિમાન અને અવકાશયાન ઉડાડે છે અને નિજ અને રાષ્ટ્ર સન્માનમાં ઉમેરો કરે છે. શું આ મોટી વાત નથી? રાષ્ટ્રની ગરિમાની બાદબાકી કરતી માન્યતાઓ અને પરંપરાઓને તિલાંજલિ આપવામાં જ ડહાપણ છે.
બારડોલી – વિરલ વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.